જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક ફરી શરૂ કરવામાં આવતાં જ ખેડૂતો અને વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. યાર્ડમાં મગફળીનો જથ્થો ભરાઈ જતાં ગત 20 તારીખથી નવી આવક પર રોક લગાવવામાં આવી હતી. જોકે, આજે ફરીથી આવક શરૂ કરવાની જાહેરાત થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ તરફ દોડી આવ્યા હતા. પરિણામે યાર્ડની બહાર બાયપાસ સુધી અંદાજે 400 જેટલાં મગફળી ભરેલાં વાહનોની ચારથી સાડા ચાર કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. ઓછા ઉત્પાદન વચ્ચે ઊંચા ભાવની આશા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. બીજી તરફ, તમિલનાડુથી આવેલા વેપારીઓ દ્વારા સારી ખરીદી કરવામાં આવી રહી હોવાથી અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ ઊંચા ભાવની આશાએ પોતાની મગફળી વેચવા જામનગર માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. જોકે, આવક શરૂ થતાં જ વાહનોની લાંબી કતારો લાગતાં ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. સાંજથી લાઈનમાં ઊભા ખેડૂતોની હાલત કફોડી
મોરબી તાલુકાના ઘુંટડા ગામથી મગફળી લઈને આવેલા ખેડૂત શામજીભાઈ રંગપરિયાએ જણાવ્યું હતું કે, તેઓ સાંજે ચાર વાગ્યાથી લાઈનમાં ઊભા હતા. રાત્રે સવા અગિયાર વાગ્યા સુધી પણ તેમનો વારો આવ્યો નહોતો અને હજુ બે કલાક રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી. કડકડતી ઠંડીમાં આટલા લાંબા સમય સુધી વાહનોમાં બેસીને રાહ જોવી ખેડૂતો માટે મુશ્કેલ બની હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આટલી મહેનત કર્યા બાદ મગફળીના સારા ભાવ મળે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે. ખાવા-પીવાની વ્યવસ્થા નહીં હોવાની ફરિયાદ
દડિયા ગામથી મગફળી લઈને આવેલા ખેડૂત મનસુખ લગારિયાએ જણાવ્યું હતું કે, તેઓ બપોરના બે-ત્રણ વાગ્યાથી લાઈનમાં ઊભા હતા અને કલાકો બાદ પણ માંડ અડધી લાઈન સુધી પહોંચી શક્યા હતા. અહીં ચારથી પાંચ કિલોમીટર લાંબી કતારો લાગી હતી, પરંતુ લાઈનમાં ઊભેલા ખેડૂતો માટે ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહોતી. આ વર્ષે પાકનું ઉત્પાદન પણ ઓછું થયું હોવાથી સરકાર અને વેપારીઓ સારા ભાવ આપે તો ખેતી પાછળ થયેલો ખર્ચ નીકળી શકે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. નિયમિત ઉતરાઈ થાય તો ખેડૂતોને રાહત મળે
ચંગા ગામથી આવેલા ખેડૂત જયરાજસિંહ કંચવાએ જણાવ્યું હતું કે, તેઓ બપોરના ત્રણ વાગ્યાથી લાઈનમાં ઊભા હતા, તેમ છતાં અડધે પણ પહોંચી શક્યા નહોતા. છેલ્લા છ દિવસથી યાર્ડ બંધ રહેતાં બાયપાસ સુધી ચારથી સાડા ચાર કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. ખેડૂતો માટે ખાવા-પીવાની પણ કોઈ વ્યવસ્થા નહોતી. તેમણે જણાવ્યું હતું કે, યાર્ડમાં વાહનોની ઉતરાઈ નિયમિત ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને આ રીતે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહીને હેરાન થવું ન પડે. ખેડૂતોની માગ છે કે યાર્ડમાં વ્યવસ્થિત આયોજન કરીને મગફળીની ખરીદી અને ઉતરાઈની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે, જેથી ખેડૂતોનો સમય અને ખર્ચ બંને બચે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક શરૂ થતાં ખેડૂતોનો ધસારો:બાયપાસ સુધી અંદાજે 400 જેટલાં મગફળી ભરેલાં વાહનોની 4 કિમી લાંબી કતાર
📅 Published: November 26, 2026 |
📂 Category: gujarati-news
