જાહેરમાં ગંદકી કરનાર સામે VMCની લાલ આંખ:વારસિયા રિંગ રોડ પર કચરો નાખતાં ક્લિનિક સીલ; ₹10,000 નો દંડ ફટકાર્યો

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારસિયા રિંગરોડ વિસ્તારમાં આવેલા પંચશીલ કોમ્પ્લેક્સમાં ધમધમતા ચંચલ ક્લિનિક દ્વારા દવાના ખાલી ખોખા સહિતનો કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાથી પાલિકાએ ત્વરિત કડક પગલાં ભરીને ક્લિનિકને સીલ કરી દીધું છે. નિયમોની એસીતેસી કરીને જાહેરમાં ફેલાવાતી હતી ગંદકી
ક્લિનિક સંચાલકો દ્વારા દવાખાનાની આસપાસ અને જાહેર રસ્તા પર જ કચરો ફેંકવામાં આવતો હતો, જેનાથી સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું હતું. શહેરમાં વધી રહેલી ગંદકી અને રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને રાખીને સેન્ટ્રલ ઝોન તેમજ દબાણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સંયુક્ત ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરીને વારંવારની સૂચનાઓનો અનાદર કરનાર ક્લિનિક સામે સીલિંગની કાર્યવાહી કરી હતી. ₹10,000 નો માતબર દંડ ફટકારાયો
પાલિકાના વોર્ડ-4 ના સેનેટરી ઇન્સ્પેક્ટર રમણભાઈ પટેલે જણાવ્યું કે, નિયમોનો ભંગ કરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ ક્લિનિકને સીલ કરવાની સાથે ₹10,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ફરીથી ગંદકી કરવામાં આવશે તો ₹50,000 નો ભારે દંડ વસૂલવાની સ્પષ્ટ ચેતવણી પણ સંચાલકોને આપવામાં આવી છે. ગંદકી કરનારા વેપારીઓ અને ડૉક્ટરોમાં ફફડાટ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કડક વલણથી સ્થાનિક વેપારીઓ અને ડૉક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના જાહેર સ્થળો કે વાણિજ્યિક સંકુલોની આસપાસ જે પણ એકમો કચરો ફેંકીને ગંદકી ફેલાવશે તેમની સામે કોઈ પણ પ્રકારની રહેમરાહ રાખ્યા વિના આ જ રીતે આકરી સીલિંગ અને દંડની કાયદેસરની કાર્યવાહી ચાલુ રખાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *