જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં નવજાત શિશુના મોતને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રસુતિ અર્થે દાખલ કરાયેલા સોનાલીકાબેન મકવાણા નામના દર્દીને તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા સમયસર સારવાર ન અપાતાં બાળકે જીવ ગુમાવ્યો હોવાના ગંભીર આક્ષેપો પરિવારે કર્યા છે. સ્વજનોના જણાવ્યા અનુસાર પ્રસુતા કલાકો સુધી અસહ્ય પીડા સહન કરતી રહી હોવા છતાં સ્ટાફે સમયસર નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન કરવાનો યોગ્ય નિર્ણય લીધો ન હતો. આખરે બાળકને મૃત જાહેર કરીને તેનો મૃતદેહ તબીબોની ગેરહાજરીમાં પટાવાળા દ્વારા સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા પણ સગાંઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આરોપ લગાવી પરિવારે જવાબદારો સામે સસ્પેન્શન અને કડક કાનૂની કાર્યવાહીની માંગ ઉઠાવી છે. કલાકો સુધી પીડા છતાં ધ્યાન ન આપ્યું અને છેલ્લે સિઝેરિયન કર્યું
દર્દીના સંબંધી નેહાબેન સોલંકી અને રોમાબેન ચાવડાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સોનાલીકાબેનને સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાળકનું વજન પણ સામાન્ય કરતાં વધુ હોવાથી કોઈ જટિલ સમસ્યા નહોતી. તેમ છતાં આખી રાત દર્દી કણસતી રહી ત્યારે કોઈ પણ ડોક્ટરે દરકાર કરી નહોતી. સ્વજનોએ આક્ષેપ કર્યો કે, સમયસર નોર્મલ ડિલિવરી કરાવવાને બદલે સતત વિલંબ કરવામાં આવ્યો અને અંતિમ ઘડીએ સિઝેરિયન તરફ લઈ જવાયા હતા. સવારે બાળકનો મૃતદેહ સોંપ્યા બાદ જવાબદાર ડોક્ટરો ત્યાંથી રવાના થઈ ગયા હતા. પરિવારે કસૂરવાર તબીબો અને સ્ટાફ સામે ફોજદારી ગુનો નોંધી તેમના લાયસન્સ રદ કરવાની અને જેલહવાલે કરવાની માગણી કરી છે. સિક્યોરિટી સ્ટાફ દ્વારા ગેરવર્તન અને સમયસર નિર્ણય ન લેવાયાની ફરિયાદ
પરિવારના સભ્ય યશસ્વી ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ વોર્ડમાં હાજર હતા ત્યારે સાંજે બાળકના ધબકારા સામાન્ય હતા અને સ્થિતિ નિયંત્રણમાં હતી. તેમ છતાં હોસ્પિટલના કર્મચારીઓએ નિર્ણય લેવામાં અક્ષમ્ય વિલંબ કર્યો હતો. જ્યારે પરિવારજનો પરિસ્થિતિ જાણવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કાળા કપડાંમાં તહેનાત સિક્યોરિટી સ્ટાફે તેમને અંદર જતાં અટકાવીને ભારે હેરાનગતિ કરી હતી. બાળકના મોતના આઘાતમાં સરી પડેલા પરિવારે આ સમગ્ર ઘટનામાં જવાબદાર તબીબો અને ગેરવર્તન કરનારા સિક્યોરિટી ગાર્ડ્સ વિરુદ્ધ નોકરીમાંથી બરતરફી સહિતના આકરાં પગલાં ભરવાની રજૂઆત કરી છે. દર્દી તપાસમાં સહયોગ આપતા નહોતા: ગાયનેક હેડ
હોસ્પિટલ તંત્ર સામે લાગેલા ગંભીર આરોપો અંગે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડૉ. પ્રિયંકા જોગીયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીને સંપૂર્ણ અને પ્રોટોકોલ મુજબની સારવાર આપવામાં આવી હતી. પરિવારજનોને અગાઉથી જ જાણ કરી દેવાઈ હતી કે પરિસ્થિતિ અનુસાર નોર્મલ ડિલિવરી શક્ય ન બને તો સિઝેરિયન કરવું અનિવાર્ય બનશે. જોકે મહિલા દર્દી અને તેમના પરિવારજનો તબીબી તપાસ દરમિયાન પૂરતો સહકાર આપી રહ્યા નહોતા. ડૉક્ટરોએ તમામ શક્ય પ્રયાસો કર્યા બાદ તાત્કાલિક સિઝેરિયન હાથ ધર્યું હતું. બાળક જન્મ સમયે જીવિત હતું પરંતુ, અન્ય જન્મજાત શારીરિક તકલીફોના કારણે તેનું દુઃખદ અવસાન થયું છે. ડૉક્ટરો તરફથી કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી અને પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે નિરાધાર છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકના મોતથી હોબાળો:ડૉક્ટરોની બેદરકારીથી બાળક ગુમાવ્યાનો પરિવારનો આક્ષેપ, ગાયનેક હેડે આરોપો ફગાવ્યા
📅 Published: October 25, 2026 |
📂 Category: gujarati-news
