નખત્રાણાના દેશલપર (ગુંતલી)ના મુરૂ એજીવાડી વિસ્તારના ખેડૂતો અનિયમિત વીજ પુરવઠાથી પરેશાન છે. ઓછા વરસાદથી પાકને સિંચાઈ માટે વીજળીની જરૂર છે, ત્યારે વારંવાર વીજળી ગુલ થતાં તેમની ચિંતા વધી છે. ખેડૂતોના કહેવા મુજબ, ઉગેડી રોડથી દેશલપર (ગુંતલી) સબ સ્ટેશન સુધીની વીજ લાઈન અને પોલ ૫૦ વર્ષ જૂના છે. આ જૂની વ્યવસ્થાને કારણે વારંવાર ફોલ્ટ થાય છે, જેનાથી ખેતી માટે સમયસર પાણી મળતું નથી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેડૂતોએ રવાપર સ્થિત PGVCL કચેરીમાં લેખિત રજૂઆત કરી. શંભુસિંહ રાઠોડ સહિતના ખેડૂતોએ જૂની લાઈન અને પોલનું સર્વેક્ષણ કરી નવી લાઈન નાખવાની માંગ કરી છે. રમેશભાઈ પટેલ, ભરતભાઈ આહીર, સામજી આહીર, ગોપાલ આહીર, દિલીપભાઈ પટેલ, વિશ્રામભાઈ પટેલ સહિતના ખેડૂતો રજૂઆત સમયે હાજર હતા. ખેડૂતોએ ચેતવણી આપી કે જો ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે.
જૂની વીજ લાઈનથી ખેડૂતો પરેશાન:નખત્રાણામાં સિંચાઈ માટે વીજળી ન મળતાં PGVCLમાં રજૂઆત, નવી લાઈનની માંગ
📅 Published: September 29, 2026 |
📂 Category: gujarati-news
