કેલિફોર્નિયાના નોરવોક ખાતે આવેલા સનાતન હોલમાં તાજેતરમાં એક ભવ્ય અને દિવ્ય આધ્યાત્મિક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (GSSC) અને ઇન્ડો અમેરિકન સિનિયર હેરિટેજ (IASH) ના સંયુક્ત ઉપક્રમે “ધ આર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ લીડરશિપ” (The Art of Spiritual Leadership) વિષય પર એક વિશેષ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયું હતું. પ્રેરણાદાયી વ્યાખ્યાનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ
આ દિવ્ય સાંજના મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત મોટિવેશનલ સ્પીકર ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સચોટ, પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિચારો દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને દૈનિક જીવનમાં આધ્યાત્મિક નેતૃત્વનું મહત્વ સુંદર રીતે સમજાવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કમ્યુનિટીના અગ્રણીઓ સહિત 1200 જેટલા ભારતીય પ્રવાસીઓ (NRI) એ ઉત્સાહભેર હાજરી આપીને હોલને સંપૂર્ણપણે હાઉસફુલ કરી દીધો હતો. મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ એવોર્ડથી સન્માનિત
કાર્યક્રમ દરમિયાન એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. સમાજમાં આપેલા અમૂલ્ય યોગદાન, માનવ કલ્યાણની ભાવના અને વૈશ્વિક સ્તરે સનાતન સંસ્કૃતિ તથા નૈતિક મૂલ્યોના પ્રસાર બદલ પૂજ્ય સ્વામીજીને “મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ એવોર્ડ” (સૌથી પ્રભાવશાળી વ્યક્તિનો એવોર્ડ) એનાયત કરીને ભાવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. અગ્રણીઓ દ્વારા સ્વામીજીનું ભાવભીનું અભિવાદન
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના ચેરમેન પરિમલ શાહ તેમજ કમ્યુનિટીના જાણીતા અગ્રણી યોગી પટેલ દ્વારા સ્વામીજીનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મુખ્ય હોદ્દેદારોએ સ્વામીજીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ભોજન-પ્રસાદ અને નિઃશુલ્ક પ્રવેશનું સુંદર આયોજન
સમગ્ર કાર્યક્રમમાં પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. સાંજે 6:00 થી 7:00 વાગ્યા દરમિયાન તમામ હરિભક્તો અને આમંત્રિતો માટે ભોજન-પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ 7:00 થી 8:30 વાગ્યા સુધી મીટ એન્ડ ગ્રીટ અને પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં GSSC, IASH અને સહયોગી સંસ્થાઓના તમામ હોદ્દેદારો તથા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જ્ઞાનવત્સલ સ્વામીજીનું લોસ એન્જલસમાં ભવ્ય સન્માન:નોરવોકમાં સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક નેતૃત્વનો દિવ્ય નાદ ગૂંજ્યો
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
