જ્ઞાનેશ કુમારની ઓફિસમાં ગુજરાતી કંપનીનું પાણી, ભાવ 499 રૂ. લીટર:તારંગા પર્વતના નામે બોરના પાણીનું વેચાણ, કંપનીને નોટિસ મળી તો VIP ગણી દિલ્હી લેવલે કેસ હેન્ડલ થયો

📅 Published: October 26, 2026 | 📂 Category: gujarati-news

દેશમાં અત્યારે સૌથી વધુ કાંઈ ચર્ચામાં હોય તો એ છે ચૂંટણીપંચ. SIR બાબતે ત્રણેય ચૂંટણી કમિશનર એકમત ન હોવાનો ઘટસ્ફોટ થયો ત્યાર બાદ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ચૂંટણીપંચ તરફથી એક તસવીર જાહેર કરવામાં આવી. જેમાં ત્રણેય કમિશનર એકસાથે બેઠાં હતા. પરંતુ આ તસવીરમાં કંઈક એવું દેખાયું જેણે અમારું ધ્યાન ખેચ્યું. એ હતી પાણીની બોટલ. તમને લાગશે કે પાણીની બોટલમાં એવું તો શું ખાસ હોઈ શકે? પરંતુ આ પાણીનું ગુજરાત સાથે જોરદાર કનેક્શન છે. આ બાબતે અમે ઊંડા ઉતર્યા અને ઝીણવટપૂર્વક ઇન્વેસ્ટિગેશન કર્યું મોટો ઘટસ્ફોટ થયો. વાંચો, પાવર કોરીડોરના દંભને ખુલ્લો પાડતો આ ખાસ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ… તબક્કાવાર આખોય મામલો સમજીશું. પહેલાં ચૂંટણીપંચે જાહેર કરેલી આ તસવીરને ધ્યાનથી જોઈ લો… ગુજરાતી ઉદ્યોગપતિની આવા કંપનીનું પાણી ખાસ હોવા પાછળનું કારણ શું?
ઉપરની તસવીરમાં ત્રણેય ચૂંટણી કમિશનર સામે કાચની બનાવટની પાણીની એક-એક બોટલ દેખાય છે. કંપનીનું નામ આવા, અંગ્રેજીમાં લખાય AAVA. કંપનીની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે આવા કંપનીની 250 ML પાણીની 8 બોટલ 999 રૂપિયામાં પડે. એટલે એક લીટર પાણીના થયા 499 રૂપિયા.એક લીટર દૂધ કરતા 7 ગણી વધારે કિંમત થઇ કહેવાય. હવે તમારા મનમાં પ્રશ્ન ઉઠી શકે કે બ્રાંન્ડેડ કંપનીની એક લીટર પાણીની બોટલ 15થી 20 રૂપિયામાં આવી જાય છે, તો આ પાણીમાં એવું તો શું છે કે 499 રૂપિયા લીટરના ભાવે વેચાય છે? અને સરકારી ઓફિસોથી માંડીને મોંઘી હોટલમાં લોકો પણ મોજથી ખરીદીને પીવે છે. આ બાબતે શંકા અને સવાલો ઉભો કરતો જવાબ પણ આવા કંપનીની વેબસાઇટ પરથી મળ્યો. એ જ ઇન્વેસ્ટિગેશનનો મૂળ મુદ્દો બન્યો. આ કંપની દાવો કરે છે કે “અમારો કેચમેન્ટ એરિયા એટલે કે જળગ્રહણ ક્ષેત્ર પૃથ્વી પરની સૌથી પ્રાચીન પર્વતમાળા એવી અરવલ્લી ગિરિમાળામાં આવેલા તારંગામાં સ્થિત છે. આવાનું પાણી કુદરતી રીતે સુરક્ષિત ભૂગર્ભ જળસ્તરો સુધી પહોંચવા માટે 20થી પણ વધુ વર્ષોની લાંબી યાત્રા કરે છે.” આ રહ્યો કંપનીની વેબસાઇટનો સ્ક્રીનશોટ આમ, આ કંપનીનું સીધુ ગુજરાત કનેક્શન નીકળ્યું. પણ હજુ શોકિંગ વાતનો ખુલાસો થવાનો બાકી હતો. કંપની પોતાની બ્રાંડના પાણીના વખાણ કરતા વેબસાઇટ પર એક જગ્યાએ દાવો કરે છે કે, કાંપ અને માટીના વિવિધ સ્તરોમાંથી કુદરતી રીતે ગળાઈને, આ પાણી એક સુરક્ષિત ઇકોસિસ્ટમ વચ્ચે આવેલા ભૂગર્ભ જળસ્તરો સુધી પહોંચે છે. પ્રદૂષણથી મુક્ત રહેલું આ પાણી જરૂરી કુદરતી ખનીજો, ઇલેક્ટ્રોલાઇટ્સ અને કુદરતી રીતે જ એલ્કલાઇન pH 8ની ગુણવત્તા ધરાવે છે. આ દાવાનો સ્ક્રીનશોટ પણ નીચે આપ્યો છે… કંપનીના દાવા સામે હકીકત કેટલી સાચી?
કંપનીએ આપેલી જાણકારી પરથી એવું લાગ્યું કે કદાચ તારંગા પર્વત નજીક તેનો પ્લાન્ટ હશે, ત્યાંથી કોઈક રીતે ભૂગર્ભજળ કાઢીને પેકિંગનું કામ થતું હોય. તમને કદાચ જાણ હોય તો, તારંગા પર્વત વડનગરથી આશરે 20 કિલોમીટર દૂર અરવલ્લી પર્વતમાળામાં આવે છે. પરંતુ ચોંકાવનારી વાત ત્યારે લાગી જ્યારે ખબર પડી કે કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તારંગામાં છે જ નહીં. અમદાવાદ એરપોર્ટ નજીક એક ફેક્ટરીમાં પાણી બોટલોમાં ભરવામાં આવે છે. વળી, આ પ્લાન્ટનું ઉદ્દઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અહીં સુધી પણ એવી સંભાવના લાગી કે કદાચ તારંગાથી પાણી ભરીને અમદાવાદના પ્લાન્ટમાં લાવવામાં આવતું હોય અને પછી પેકેજિંગનું કામ થતું હોઇ શકે. એટલે અમે કંપનીના અમદાવાદના પ્લાન્ટની તપાસ કરી. આ કંપનીનો પ્લાન્ટ અમદાવાદના હાંસોલ વિસ્તારમાં એરપોર્ટ નજીક આવેલો છે. સાબરમતી નદીના કિનારે એકદમ નિર્જન જગ્યામાં પતરાનો શેડ નાખીને પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. અંદાજે 75 મીટર લંબાઈ ધરાવતા આ પ્લાન્ટનું બોર્ડ પણ સામાન્ય રીતે બહાર હોવું જોઇએ તેના બદલે મુખ્ય દરવાજાની અંદર દેખાયું. એટલે અજાણી વ્યક્તિને સરળતાથી મળી શકે એમ નહોતું. આસપાસમાં કદાચ એકાદ બે નાની ફેક્ટરી હશે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્લાન્ટના મશીનો ચાલુ હોય એવો અવાજ આવતો હતો. પરંતુ કોઈ માણસ બહાર હરતુ-ફરતું ન દેખાયું. જો કે સિક્યોરિટી કારણોસર સીસીટીવી કેમેરા ઠેર-ઠેર લાગેલા જોવા મળ્યા. પણ અંદર શું પ્રવૃત્તિ ચાલી રહી છે એ જાણવા ન મળ્યું. કંપનીના પ્લાન્ટની નજીક જ જોવા મળ્યા ચિંતાજનક દૃશ્યો
આવા કંપનીનો પ્લાન્ટ સાબરમતી નદીથી માત્ર 500 મીટરના અંતરે જ આવેલો છે. દિવ્ય ભાસ્કરે સ્થળ મુલાકાત દરમિયાન કેમેરામાં કેદ કર્યું કે કેવી રીતે અમદાવાદના વિવિધ વિસ્તારોનું પ્રદૂષિત પાણી આવાના પ્લાન્ટની નજીક સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ દૃશ્યો જોઇને થોડાક જ અંતરે આવેલા આવા કંપનીના બોરવેલમાં પણ કેવું અને કેટલું શુદ્ધ પાણી આવતું હશે તેની સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે. હવે કંપનીએ કરેલા દાવાઓનું વૈજ્ઞાનિક તથ્ય જાણવું હતું. તો આખું અમદાવાદ તારંગાનું જ પાણી પીવે છે?
કંપની પોતે જ દાવો કરે છે કે તારંગાનું પાણી કુદરતી રીતે સુરક્ષિત ભૂગર્ભ જળસ્તરો સુધી પહોંચવા માટે 20થી પણ વધુ વર્ષોની લાંબી યાત્રા કરે છે. એટલે આવા કંપનીના અમદાવાદ સ્થિતિ પ્લાન્ટ ખાતે આ ભૂગર્ભજળ પહોંચતું હોય એવું અર્થઘટન થાય. પણ જો આ દાવાને ધ્યાને લઇએ તો આખું અમદાવાદ અને આસપાસનો વિસ્તાર પણ તારંગા હિલથી આવતું પાણી જ પીવે છે એવું કહી શકાય. તો પછી કંપની શા માટે તારંગા કે અરવલ્લીથી પાણી આવતું હોવાનો દાવો કરે છે? આ બાબતે અમે કંપનાની CEOને પણ સવાલ કર્યો. એમનો જવાબ જાણીશું પણ એ પહેલાં, કંપનીનો આ જ દાવો વૈજ્ઞાનિક આધારે કેવી રીતે ખોટો પડે છે એ સમજો. આ બન્ને વિદ્વાનોએ પોતાના આ તમામ પ્રયોગો, આંકડાઓ અને તારણોના આધારે તેમણે રિસર્ચ પેપર્સ લખ્યા હતા, જે જાણીતી સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયા હતા. જ્યારે આ કંપની સામે દિલ્હીમાં ફરિયાદ થઇ અને સી.આર.પાટીલ સુધી વાત પહોંચી
આવા કંપની શિલ્પ એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ નામથી સરકારી રેકોર્ડમાં નોંધાયેલી છે. તેના પર વર્ષ 2023માં નિયમો કરતાં વધુ ભૂગર્ભજળ કાઢવાનો મામલે ધ્યાને આવ્યો હતો. આથી CGWA (કેન્દ્રીય ભૂજળ પ્રાધિકરણ) દ્વારા કંપનીને દંડ ફટકારવા સુધીની હલચલ થઇ હતી. પણ આ મામલાએ આગળ જતા જે વળાંક લીધા એ આવા કંપનીના માલિકોની પહોંચનો અંદાજો અપાવી દે છે. લોકસભા-2024ની ચૂંટણી પછીનો ગજબનાક ઘટનાક્રમ
CGWAએ કંપનીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, વારંવાર સૂચનાઓ આપવા છતાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી અને નિર્ધારિત ચાર્જ પણ ચૂકવવામાં આવ્યો નથી. પરિણામે, કંપનીની અરજી રદ કરવામાં આવે છે. NOC વિના ભૂગર્ભજળ કાઢવું ગેરકાયદેસર ગણાશે અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પણ 2024ના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી થઇ અને નવું મંત્રીમંડળ મળ્યું. એ અરસામાં આવા કંપનીના કેસ બાબતે દિલ્હીમાં મેરેથોન બેઠકોનો દોર શરૂ થયો. CGWA દ્વારા આ સંદર્ભમાં ‘જળ શક્તિ મંત્રાલય’ને મોકલેલા ઇમેલમાં સમગ્ર કેસની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 8 ઓગસ્ટ, 2023ના નિર્દેશો મુજબ રકમ ન ચૂકવવાના કારણે કંપનીની અરજી રદ કરાઈ હતી. જોકે, આ VIP કેસ હોવાથી ચેરમેન દ્વારા મંજૂર કરાયેલી ‘સ્ટેટસ નોટ’ મંત્રાલયને સોંપવામાં આવી હતી. એટલે કે NOC મેળવવાનું કે દંડ-ફી ભરવાનું કામ જે કામ વેબસાઇટથી ઓનલાઇન પતી જતું હોય એના માટે દિલ્હીની ઓફિસોમાં બેઠકોનો દૌર ચાલ્યો હતો. કેસને VIP ગણવામાં આવ્યો. તેનું અંતિમ પરિણામ શું આવ્યું એ ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર પાસે આ ઇમેલ થયા હોવાના સજ્જડ પુરાવા છે. આ મામલે સત્તાવાર જવાબ મેળવવા માટે જળશક્તિ મંત્રાલય અને CGWAને ઇમેલ કરીને પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિઉત્તર આવ્યો નથી. આવા કંપનીના CEOએ ભગવાનનો ચમત્કાર ગણાવ્યો!
અમે આ મામલે બહેરામ મહેતાના પુત્ર અને આવા કંપનીના CEO શિરોય મહેતાનો પણ પક્ષ જાણ્યો. તેમણે કહ્યું, આવા ગુજરાતની એકમાત્ર એવી કંપની છે જેની પાસે નેચરલ મિનરલ વોટરનું લાયસન્સ છે. તેઓ આગળ જણાવે છે કે અમારા પ્લાન્ટની આજુબાજુ સુંદર ગ્રીનબેલ્ટ છે. એટલે અમારું પાણી આટલું હાઇક્વોલિટીનું આવે છે. કંપનીના CEOએ NOC રદ થયાના આરોપ ફગાવ્યા
સેન્ટ્રલ વોટર ગ્રાઉન્ડ ઓથોરિટીએ NOC રદ કરવા બાબતના લીધેલા પગલા અને જળશક્તિ મંત્રાલયને કરવામાં ઇમેલ બાબતે શિરોય મહેતાએ કહ્યું, ‘આ વાત તો મારા ધ્યાનમાં પણ પહેલીવાર આવેલી છે. એટલે તેમાં કોઈ માલ નથી. પણ સામાન્ય RO પ્લાન્ટમાં 1 લીટર પાણી બનાવવા માટે 3 લીટર પાણીનો વેડફાટ થાય છે, જ્યારે અમારા પ્લાન્ટની પ્રોસેસમાં પાણીનું જરા પણ રિજેક્શન થતું નથી.’ FSSAIના વોટર મેન્યુઅલ પ્રમાણે નેચરલ મિનરલ વોટર ગણાવા માટે આ મુદ્દા ધ્યાને લેવાના હોય છે. 1- તે સીધું કુદરતી સ્ત્રોતમાંથી મળવું જોઈએ, જાહેર પાણી પુરવઠામાંથી નહીં. સ્ત્રોતની આસપાસ પ્રદૂષણ સામે સુરક્ષિત વિસ્તાર હોવો જોઈએ.
2- સ્ત્રોતના ઉદ્ભવ-બિંદુની નજીક જ પાણી સ્વચ્છતાની કાળજી સાથે પેક થવું જોઈએ.
3- કોઈ સ્થળનું નામ ટ્રેડ નામમાં ત્યારે જ વાપરી શકાય જ્યારે પાણી ખરેખર એ જગ્યાએથી એકત્ર થયું હોય. પાણીના સ્વરૂપ, મૂળ સ્થાન વિશે ગેરસમજ ઊભી કરે તેવું લખાણ કે ચિત્ર પ્રતિબંધિત છે. કંપનીએ પાણીની ક્વોલિટી બાબતે પોતાની વેબસાઇટ પર મૂકેલા પુરાવા શું કહે છે?
આવા કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી અમને પાણીની ક્વોલિટી બાબતે કરવામાં આવેલા અલગ-અલગ પાંચ રિપોર્ટ મળ્યા. એક પણ રિપોર્ટમાં પાણીનો મૂળ સ્ત્રોત એટલે કે તારંગા કે અરવલ્લી લખેલો નથી. વળી આ 5માથી 4 રિપોર્ટ કંપનીએ પોતે કરાવેલા છે. આમ, ‘પ્રાકૃતિક અને મિનરલ રિચ’ હોવાના માર્કેટિંગ સેન્ટ્રીક દાવાઓ પાછળ હકીકત ઘણી ધૂંધળી છે.એટલે હવે આવા કંપનીના પાણીની તપાસ માટે સરકારી લેબમાં રિપોર્ટ કઢાવવાનું નક્કી કર્યું. અમદાવાદ મનપાના લેબ રિપોર્ટમાં શું નીકળ્યું?
આવા પાણીની બોટલને અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે આપી હતી. કંપનીનો દાવો છે કે તેમના પાણીમાં pHનું પ્રમાણ 8 છે, પરંતુ લેબ રિપોર્ટમાં pH 7.6 હોવાની જાણ થઇ. pH 7થી ઉપરનું પાણી આલ્કલાઇન ગણાતું હોવાથી પાણીની ગુણવત્તામાં કોઈ ખરાબી નથી, પરંતુ pHના મૂલ્યમાં 1 આંકડાનો તફાવત 10 ગણો ફેરફાર દર્શાવે છે. આ ઉપરાંત, આ પાણી ખરેખર તારંગા હિલ્સથી આવે છે કે કેમ તેની ચકાસણી કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ લેબોરેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે આવી ચકાસણી માટેનો રિપોર્ટ તેમની લેબમાં શક્ય નથી. સવાલ એ નથી કે VIP લોકો કેવું પાણી પીવે છે? પણ અમદાવાદમાં પ્લાન્ટ હોય અને તારંગાના નામે વેચાતું હોય તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઊંડી તપાસ માગી લે તેવી ઘટના છે. સરકારી ચોપડે આવા કંપનીનું પાણી પરચૂરણ ખર્ચમાં નોંધાય છે
કેન્દ્રીય ચૂંટણીપંચની ઓફિસથી માંડીને ગાંધીનગર સચિવાલયના વિવિધ વિભાગોમાં પણ આવા કંપનીનું મોંઘુદાટ પાણી નેતાઓ અને અધિકારીઓ પી રહ્યા છે. સચિવાલયમાં આશરે દોઢ વર્ષ પહેલાં મુખ્યમંત્રીએ ‘સખી નીર’ કાચની વોટર બોટલના પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે હવેથી તમામ સરકારી વિભાગોએ પ્લાસ્ટિકની બોટલોનો વપરાશ બંધ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત ‘સખી નીર’ની કાચની બોટલો જ વાપરવી. પણ આ શિખામણ અને પહેલ ભૂતકાળ બની ચૂકી છે. અહીં કામ કરતી બહેનોના જણાવ્યા મુજબ, ઉદ્ઘાટન બાદ મુકેશ પટેલ અને મૂળુભાઈ બેરા જેવા નેતાઓ મંત્રી હતા ત્યારે પોતાના વિભાગો માટે આ ‘સખી નીર’ જ બોટલોની ખરીદી કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગના વિભાગોમાં ‘સખી નીર’ની બોટલોની ખરીદી ઘટી ગઈ છે અને તેની જગ્યાએ ખાનગી કંપનીઓની બોટલો વધુ પ્રમાણમાં ખરીદાઈ રહી છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે મહિલાઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાની તૈયારી કરી રહી છે. પણ મુખ્યમંત્રીની પહેલ હોવા છતાં શા માટે સચિવાલયમાં લાખોના ખર્ચે ‘સખી નીર’ને બદલે આવા કંપનીનું મોંઘુ પાણી ખરીદીને પરચૂરણ ખર્ચમાં ખપાવવામાં આવે છે એ મોટો સવાલ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *