ઝાંઝરડા રોડ પર દબાણ હટાવવા બાબતે બબાલ અને વિવાદ:ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ રોડનું દબાણ દૂર કરાતા સ્થાનિક અને અરજદાર વચ્ચે હંગામો, સ્થાનિકે અરજદારને ધોકા બતાવી ધમકાવતા પોલીસ પહોંચી

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે રસ્તા પર કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થતાં વાતાવરણ ગરમાયું હતું. ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસેના આશરે 6 મીટર પહોળા રસ્તા પર ઢાળ બનાવી દેવાતાં રસ્તો અત્યંત સાંકડો થઈ ગયો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક અરજદાર વિરેન્દ્ર શાહે બે મહિના પહેલા જૂનાગઢ મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ અરજી અને રજૂઆતને ધ્યાને લઈને મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સ્થળ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. ​દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં જ સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ અરજી કરનાર અરજદાર સામે ખાર રાખી તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે સ્થાનિક રહીશો અરજદારને ગાળો ભાંડીને ધમકીઓ આપવા લાગ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક રહીશ હાથમં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. અને CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.પરિસ્થિતિ વણસતાં તાત્કાલિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ​આ સમગ્ર વિવાદ અંગે અરજદાર વિરેન્દ્ર શાહે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમણે રસ્તો સાંકડો થઈ જવાની ઓનલાઈન ફરિયાદ કરી હતી, જેના પગલે દબાણ શાખાની ટીમ કામગીરી માટે આવી હતી. તે સમયે એપાર્ટમેન્ટના સ્થાનિકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.અરજદારે દાવો કર્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો, જેથી તેઓ આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી કરશે. ​બીજી તરફ વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વિનેશ હદવાણીએ જણાવ્યું હતું કે સ્થાનિકોનો ફોન આવતાં માત્ર કામગીરી જોવા અને પરિસ્થિતિ સમજવા માટે સ્થળ પર ગયો હતો. અરજદારે બે મહિના પહેલાં કરેલી અરજી અંગે તેમણે સ્થાનિકો સાથે શાંતિથી વાતચીત કરી હતી. હાલ જૂનાગઢ શહેરમાં અનેક સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી ચાલી જ રહી છે. ​મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી એચ. કે. સોંદરવાએ જણાવ્યું હતું કે ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે 6 મીટરના રસ્તા પર ઢાળ બનાવી દેવાતાં રસ્તો રોકાયો હતો. જેને લઇ દબાણ કરતા ને બે વખત નોટિસ પણ પાઠવવામાં આવી હતી,ત્યારબાદ અરજદારની રજૂઆતના આધારે જ દબાણ શાખાએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કામગીરી દરમિયાન અરજદાર અને રહીશો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી હતી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *