સુરતના ઉધના વિસ્તારમાં 25 વર્ષ અગાઉ પેટ્રોલપંપ મેનેજર પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ટોપ-16 વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ અને માથે ₹20,000નું રોકડ ઇનામ ધરાવતા આ આરોપીને પકડવા માટે પોલીસે ઝારખંડના અતિ સંવેદનશીલ નક્સલગ્રસ્ત વિસ્તારમાં પોસ્ટમેનનો વેશ ધારણ કરવો પડ્યો હતો. નક્સલવાદી વિસ્તાર હોવાથી પોલીસ બની પોસ્ટમેન
પીસીબી પીઆઈ આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હસમુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી મિથિલેશ મેનેજરસીંગ ભૂમિહાર (ઉં.વ. 47) ઝારખંડના પલામુ જિલ્લાના પાંકી બ્લોક સ્થિત પીપરાહટ પોલીસ સ્ટેશન વિસ્તારના સીરમ (ટોલા) ગામમાં છુપાયેલો છે. આ વિસ્તાર અતિ જોખમી અને નક્સલાઈટ ગતિવિધિઓથી સંકળાયેલો હોવાથી પોલીસ તરીકે ઓળખ છતી કરીને દરોડો પાડવો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો. જેથી પીસીબીની ટીમે ફિલ્મી ઢબે પોસ્ટમેનનો સ્વાંગ રચ્યો હતો. હાથમાં ટપાલના થેલા રાખી અને સ્થાનિકોને કવર આપવાના બહાને સરનામું પૂછતાં પૂછતાં પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ગઈ હતી અને કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો. વર્ષ 2001માં પેટ્રોલપંપ મેનેજરની હત્યા કરી લૂંટ ચલાવી હતી
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મિથિલેશ ભૂમિહારે કબૂલાત કરી હતી કે વર્ષ 2001માં તેણે પોતાના સાગરીતો સાથે મળીને ઉધના ગામ ખાતે આવેલા જૂના પેટ્રોલપંપ પર હથિયારો સાથે લૂંટ કરી હતી. લૂંટ દરમિયાન ફાયરિંગ કરવામાં આવતાં પંપના મેનેજરનું મોત નીપજ્યું હતું. આ ગુના બાદ તે સુરત છોડીને ભાગી ગયો હતો અને છેલ્લા 25 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. આરોપી સામે ઉધના અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં લૂંટ, આર્મ્સ એક્ટ તેમજ અગાઉ દુષ્કર્મ સહિતના ગુનાઓ પણ નોંધાયેલા છે. પીસીબીએ સાડા ત્રણ વર્ષમાં 56 વોન્ટેડ આરોપી પકડ્યા
ગુજરાત સરકાર દ્વારા ગંભીર ગુનાઓમાં દાયકાઓથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ઇનામી યોજના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત સુરત સીપી દ્વારા ટોપ-16 વોન્ટેડ પર ₹5,000 થી ₹45,000 સુધીના ઇનામો રાખવામાં આવ્યા હતા. સુરત પીસીબીએ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 10 વર્ષથી વધુ સમયથી ફરાર હોય તેવા ખૂન, લૂંટ અને ધાડના કુલ 56 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં 16 ઇનામી આરોપીઓનો સમાવેશ થાય છે. હાલ પકડાયેલા આરોપીનો કાયદેસરનો કબજો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઝારખંડના નક્સલગ્રસ્ત વિસ્તારમાંથી ટપાલી બની સુરત PCBએ હત્યારાને દબોચ્યો:25 વર્ષ પહેલાં પેટ્રોલપંપ મેનેજરની હત્યા કરી લૂંટ ચલાવનાર 20 હજારનો ઇનામી આરોપી ઝડપાયો
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
