ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે ૭૭મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો:મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વૃક્ષારોપણ અને જતન પર આપ્યો ભાર

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

મોરબી જિલ્લાના ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ૭૭મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં પાંજરાપોળની જમીન પર નિર્માણ પામેલા ‘નમો વન’નું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બે મહિનામાં આશરે ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરાયું હતું, જે આજે આશરે ૧૦ ફૂટ સુધીના થઈ ગયા છે. નમો વનને આગામી સમયમાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પણ વાત તેમણે કરી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા બાદ રાજ્યકક્ષાની સાથે જિલ્લા કક્ષાએ પણ વન મહોત્સવની શરૂઆત થઈ હતી. લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે વન મહોત્સવનો મુખ્ય હેતુ છે. મોરબી જિલ્લામાં ૬૦ હેક્ટરમાં ૧.૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાની ૭ સરકારી નર્સરીઓમાં ચાલુ વર્ષે ૯.૫૪ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. ઉપરાંત, વિકેન્દ્રિત પ્રજા નર્સરી, મહિલા નર્સરી તથા એસએચજી/એસસી ગ્રૂપ નર્સરી યોજના હેઠળ વધુ ૩.૧૫ લાખ જેટલા રોપાઓનો ઉછેર કરાયો છે. નાગરિકો અને સંસ્થાઓ સરળતાથી વૃક્ષારોપણ માટે નર્સરીમાંથી રોપાઓ મેળવી શકે છે. એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ જિલ્લામાં ૨૩૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષ ખેતી કરતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ‘ઇન્સેન્ટિવ ફોર હેરિટેજ ટ્રી’ યોજના હેઠળ મોરબી જિલ્લાના આશરે ૬૫ જૂના અને હેરિટેજ વૃક્ષોના સંરક્ષણ માટે ખેડૂતો અને માલિકોને સહાય આપવામાં આવશે. રાહદારીઓ માટે ત્રણ વનકુટિર બનાવવામાં આવી છે અને વધુ બે વનકુટિર બનાવાશે. ઉપરાંત છ ગામોમાં પંચરત્ન વાટિકા બનાવવાનું પણ આયોજન છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર અને જતન કરનારા પ્રકૃતિપ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત અને પર્યાવરણ અંગે બોધવચનો રજૂ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. નવરંગ નેચર ક્લબ દ્વારા આશરે ૨૦૦ આંબાની કલમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, નેચર ક્લબના વી.ડી. બાલા, વન સંરક્ષક સેંથીલ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *