ટ્રકના ટાયરની હવા કાઢી પવનચક્કીનાં પાંખિયાં બ્રિજ નીચેથી પસાર કરાયાં:વાંકાનેરમાં રેલવેના હાઈટ ગેજ સાથે ચેડાંના વીડિયો સામે આવ્યા; બ્રિજને નુકસાન થાય તો ટ્રેન વ્યવહાર બંધ થવાની શક્યતા

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક રેલવે બ્રિજની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરતી બેદરકારી સામે આવી છે. પવનચક્કીનાં તોતિંગ પાંખિયાં ભરેલા ભારેખમ ટ્રકોને રેલવે બ્રિજ નીચેથી પસાર કરવા માટે ટ્રકના ટાયરની હવા કાઢવામાં આવતી હોવાના અને રેલવેના હાઈટ ગેજ સાથે ચેડાં કરાતાં હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ જોખમી પરિવહનને કારણે જો બ્રિજને નુકસાન થાય, તો સૌરાષ્ટ્ર તરફનો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. શું છે સમગ્ર મામલો?
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વાંકાનેર નજીક રેલવેનો બ્રિજ આવેલો છે, જેના પરથી પેસેન્જર અને માલવાહક ટ્રેનોની સતત અવરજવર રહે છે. આ બ્રિજની સલામતી માટે રેલવે વિભાગે બંને બાજુએ હાઈટ ગેજ લગાવ્યા છે. જોકે, 24 નવેમ્બરની રાતનો હોવાનું કહેવાતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 95 મીટર લાંબું પવનચક્કીનું પાંખિયું ભરેલો ટ્રક હાઈટ ગેજને અડી જતો હોવાથી, તેને પસાર કરવા માટે ટાયરોની હવા કાઢી નાખીને જોખમી રીતે બ્રિજ નીચેથી પસાર કરવામાં આવી રહ્યો છે. ખર્ચ અને અંતર ઘટાડવા નિયમોનું ઉલ્લંઘન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીનથી આવતી પવનચક્કીની મશીનરી કંડલા અથવા મુન્દ્રા બંદરે ઉતરે છે, જ્યાંથી ટ્રક મારફતે તેને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. નિયમિત રૂટ મુજબ આ ટ્રકો કંડલાથી મોરબી, ટંકારા, રાજકોટ અને ચોટીલા થઈને જતા હોય છે. પરંતુ કિલોમીટર અને પરિવહન ખર્ચ બચાવવા માટે ટ્રકોને કંડલાથી સીધા વાંકાનેર બાઉન્ડ્રી તરફ વાળવામાં આવે છે, જ્યાં બ્રિજ નીચેથી પસાર થવા માટે હાઈટ ગેજ સાથે ચેડાં કરવામાં આવે છે. ગંભીર અકસ્માત અને રેલવે સેવા બંધ થવાનું જોખમ
ટ્રકમાં અંદાજે 50 ટન વજનનું પવનચક્કીનું પાંખિયું લદાયેલું હોય છે. ટાયરની હવા ઓછી કરવાથી ટ્રકનું સંતુલન બગડે કે ટાયર ફાટે, તો આ તોતિંગ પાંખિયું સીધું રેલવે બ્રિજ સાથે અથડાઈ શકે છે, જેનાથી મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા છે. જો આ બેદરકારીના કારણે વાંકાનેર પાસેનો રેલવે બ્રિજ ક્ષતિગ્રસ્ત થાય, તો જામનગર, દ્વારકા, સોમનાથ, રાજકોટ અને પોરબંદર તરફ આવતી-જતી તમામ પેસેન્જર અને માલગાડીઓ બંધ થઈ શકે છે. આટલી ગંભીર બેદરકારી છતાં રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે, જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની માગ ઊઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *