તમારું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે. કેમ? કારણ કે ઈરાને ભારત સહિત ચાર દેશોને હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાની પરમિશન આપી દીધી છે. એક વસ્તુ તમે નોટ કરી? આ ઘટના ત્યારે થઈ છે જ્યારે ટ્રમ્પ અમેરિકામાં મિડ ટર્મ હાર્યા છે અને તેનો દબદબો અમુક હદ સુધી ઘટ્યો છે. તો હોર્મુઝ ખુલવાથી ભારતને શું ફેર પડે? અચાનક દુનિયાના મોટા નેતાઓ કેમ હારવા લાગ્યા છે? હવે કોણ લાઈનમાં છે? આજે આપણે તેની વાત કરીએ… નમસ્કાર.. અમેરિકામાં મિડ ટર્મ ઈલેક્શન પૂરું થયાના બરોબર બીજા દિવસે એટલે કે 4 નવેમ્બર 2026ના દિવસે ઈરાને વર્લ્ડ પોલિટિક્સમાં ધડાકો કર્યો. તેણે જાહેરાત કરી કે હોર્મુઝના દરિયાઈ માર્ગેથી પસાર થતા વેપારી જહાજો પરના પ્રતિબંધોમાંથી ચાર દેશોને મુક્તિ આપવામાં આવશે. આ ચાર દેશો એટલે કે ભારત, ચીન, કતાર અને ઈરાક. સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ વચ્ચે એ ક્લિયર વસ્તુ સમજી લો કે આ યાદીમાંથી ચોથો દેશ ઈરાનનો પાડોશી દેશ ઈરાક છે. આપણને એવું થાય કે આનાથી આપણે શું ફેર પડે? તો આ છૂટ ખાલી ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા પૂરતી નથી. આનો મતલબ એ થાય કે કે પૂરા પશ્ચિમ એશિયામાંથી હોર્મુઝના રસ્તે આવતા ક્રૂડ ઓઈલ, રાંધણ ગેસ, કુદરતી ગેસ અને અહીંથી જતી દવાઓના જહાજો હવે કોઈ પણ હુમલાના ડર વગર સુરક્ષિત રીતે નીકળી શકશે. અત્યાર સુધી આ રસ્તો બંધ હોવાથી ભારતીય જહાજોને આફ્રિકાનો લાંબો આંટો લેવો પડતો હતો અથવા જીવના જોખમે દરિયાઈ મુસાફરી કરવી પડતી હતી. કેમ? કારણ કે હોર્મુઝ પર ઈરાન અને અમેરિકા બંનેએ નાકાબંધી કરી રાખી હતી. કોઈ જહાજ ત્યાંથી નીકળી શકતું નહોતું. અને જે નીકળે તેના પર ઈરાન હુમલો કરી દેતું હતું. ઈરાને ભારત-ચીન સામે શું શરતો મૂકી? હવે ઈરાને આ ચારેય દેશોને એકસરખી છૂટ નથી આપી. કતાર હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની મધ્યસ્થી કરી રહ્યું હોવાથી તેના હજાજોને સંપૂર્ણ ફ્રી એન્ટ્રી મળી ગઈ છે. જ્યારે ભારત અને ચીનના જહાજો પાસેથી ઈરાન સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં ટ્રાન્ઝીટ ફી વસૂલશે, એટલે એક ટાઈપનો ટોલ ટેક્સ. એટલે કે, સુરક્ષા તો મળશે પણ તેની કિંમત ચૂકવવી પડશે. ઈન્ટરનેશનલ રાજકારણનો આ દાવ ગુજરાતના દરિયાકાંઠા અને તમારા ઘરના બજેટ સાથે પણ જોડાયેલો છે. કંડલા, મુંદ્રા કે દહેજ જેવા ગુજરાતના બંદરો પર ઉતરતો ગેસ અને ખાતરનો મોટો જથ્થો આ જ હોર્મુઝના દરિયાઈ રસ્તેથી આવે છે અને ગુજરાતની ફાર્મા કંપનીઓ માટે ઈરાન એક મોટું બજાર છે. દરિયાઈ રસ્તો ખુલવાથી ગુજરાતના વેપાર અને દેશમાં રાંધણ ગેસ કે ખાતરની અછતનું જોખમ ટળી શકે છે. પણ પેટ્રોલ પંપ પર ભાવ ઘટનાની આશા રાખતા આપણા જેવા સામાન્ય લોકો માટે ચિંતા હજુ પૂરી નથી થઈ. પેટ્રોલ-ડીઝલના આંકડાઓનું ગણિત સમજો ઈરાનના આ ડિસિઝન પાછળનું ગણિત સમજવા માટે આપણે સૌથી પહેલા ઊર્જા જરૂરિયાતના આંકડા જોવા પડે. ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકાથી વધુ ક્રુડ ઓઈલ વિદેશથી મગાવે છે. યુદ્ધ શરૂ થયા પછી ભારતે સમજદારી વાપરીને રશિયા અને અમેરિકા સહિત પોતાના સપ્લાયર દેશોની સંખ્યા 27થી વધારીને 41 કરી દીધી છે. જેના કારણે હવે આપણા ક્રુડ ઓઈલનો અંદાજે 30 ટકા હિસ્સો જ હોર્મુઝ સ્ટ્રેટથી આવે છે. ટૂંકમાં ખેલ ક્રુડ ઓઈલ સહિત આપણા રસોડાના ગેસનો પણ છે. આજે પણ ભારતની 90 LPG ઈમ્પોર્ટ અને કતાર-UAEથી આવતા 50 ટકા LNGનો સ્ટોક હોર્મુઝની સ્ટ્રેટમાંથી નીકળે છે. ભારત અને કતાર બંનેના જહાજોને છૂટ મળવાથી દેશમાં ગેસ અને ખેતી માટેના ખાતરની અછતનું જોખમ પૂરી રીતે ટળ્યું નથી. માછીમારો પર મોતનું જોખમ ટળ્યું જોખમ ભારતના માછીમારો માટે અને ઈમ્પોર્ટર-એક્સપોર્ટર્સ માટે પણ છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટ 2026 વચ્ચે હોર્મુઝની આસપાસ વેપારી જહાજો પર 70થી વધુ હુમલા થયાના સમાચારો સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેમાંથી 15 તો માછીમાર ભાઈઓ હતા. વધુમાં હોર્મુઝ બંધ રહેવાથી માર્ચથી ઓગસ્ટ વચ્ચે ભારતની ફ્યૂઅલ અને ઊંચા વીમા પ્રીમિયમ પાછળ વધારાના અંદાજે 1 લાખ 85 હજાર કરોડનો ફટકો પડ્યો છે. જે હવે બચી જવાનો છે કારણ કે ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝથી નીકળવાની પરમિશન આપી દીધી છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? છતાં એક સવાલ થાય કે આટલો મોટો ફાયદો હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું કેમ નહીં થાય? તો આનો જવાબ ભારતની IOCL, BPCL, HPCL સહિતની ઓઈલ કંપનીઓની બેલેન્સ શીટમાં છૂપાયેલો છે. જ્યારે ફેબ્રુઆરી 2026માં યુદ્ધના કારણે ક્રુડ ઓઈલ 70થી ઉછળીને 120 ડોલર પર બેરલને પાર પહોંચી ગયું હતું ત્યારે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 81 ટકાનો વધારો થયો હતો અને બ્રિટનમાં 21 ટકાનો વધારો ઝીંકી દેવાયો હતો. આ પરિસ્થિતિ સામે ભારત સરકારે સામાન્ય માણસને બચાવવા 76 દિવસ સુધી ભાવ નહોતા વધાર્યા. જો કે જેવી પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થઈ ત્યારે તરત સરકારે સાડા સાત રૂપિયા પર લિટરનો વધારો કરી દીધો હતો. આ ભાવ પકડી રાખવાના કારણે આપણી સરકારી ઓઈલ કંપનીઓને અંદાજે 1 હજાર કરોડથી ઉપરની ખોટ થઈ હતી. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડાઓ જોઈએ તો ઓઈલ કંપનીઓની અંડર રિકવરી સહિતની કૂલ ખોટ 2 લાખ કરોડને પાર પહોંચી ગઈ હતી. ત્યારે સરકારે ટેક્સ ઘટાડીને 1.7 લાખ કરોડની ઈન્કમ જતી કરી હતી. આટલું ઓછું હોય તેમ 3 નવેમ્બરના રોજ અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર કરેલા હુમલા પછી બ્રેન્ટ ક્રુડ ફરીથી 105 ડોલરથી 115 ડોલરની વચ્ચે જોલા ખાઈ રહ્યું હતું. જ્યાં સુધી ઓઈલ કંપનીઓનો આ ખાડો પૂરાશે નહીં અને ક્રુડ ઓઈલ સસ્તું નહીં થાય ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની કોઈ શક્યતા બચી નથી. મોંઘવારીઓ દુનિયાના સત્તાના સિંહાસનો ડોલવ્યા પણ આ જ ઈરાન યુદ્ધ અને તેનાથી થયેલી મોંઘવારીએ દુનિયાના રાજકારણમાં પણ ઉથલપાથલ મચાવી. 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2026 વચ્ચેના 10 દિવસના ગાળામાં દુનિયાના ચાર મોટા દેશોમાં જમણેરી સત્તાધીશોનું પતન થયું છે. અમેરિકામાં ટ્રમ્પની પાર્ટીએ સેનેટ અને હાઉસ બંને ગુમાવ્યા છે. કેન્સાસમાં 94 વર્ષ પછી અને ટેક્સાસમાં 38 વર્ષ પછી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હારી છે. આધૂરામાં પૂરું યુદ્ધના કારણે ટ્રમ્પનો એપ્રુવલ રેટિંગ પણ ગગડીને 38 ટકા થઈ ગયો હતો. આ જ દસ દિવસમાં ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ગઠબંધન 120માંથી 53 બેઠકો પર સમેટાઈ ગયું હતું અને નેતન્યાહુએ સરકારમાં બહુમતી ગુમાવી દીધી હતી. સર્બિયાની વાત કરીએ તો 14 વર્ષથી એકચક્રી શાસન ચલાવતા એલેક્ઝાન્ટર વુચિચને ત્યાંના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ લિસ્ટ ગંઠબંધને 141 બેઠકો જીતીને સરકારને સત્તા પરથી ઉખાડી ફેંકી હતી. બ્રાઝિલમાં ટ્રમ્પને સપોર્ટ કરતા જમણેરી નેતા ફ્લાવિયો બોલ્સોનારોને હરાપીને 81 વર્ષના લુલા દા સિલ્વાએ 44 લાખ મતોની સરસાઈથી ચોથીવાર સત્તા કબજે કરી છે. દુનિયાભરમાં જમણેરી નેતાઓમાં ફફડાટ ફેલાયો પણ આ દસ દિવસ પહેલા પણ કંઈક થયું હતું. આખો સિલસિલો એપ્રિલ 2026માં હંગેરીથી શરૂ થયો હતો, જ્યાં 16 વર્ષથી અજેય ગણાતા જમણેરી આઈકોન વિક્ટર ઓર્બનને યુવા નેતા પીટર મગ્યારે 138થી વધુ બેઠકો જીતીને કારમી હાર આપી હતી અને સપ્ટેમ્બરમાં સ્વીડનમાં પણ જમણેરી ગઠબંધને સત્તા ગુમાવી છે. પણ સવાલ થાય કે જે નેતાઓ લોકતંત્રના નામે સત્તા પર બેઠા હતા તેમને જનતાએ અચાનક કેમ હરાવીને હડધૂત કર્યાં? અને હવે ટ્રમ્પના બાકીના 2 વર્ષમાં ચીન, રશિયા અને યુરોપ કંઈ મોટી ગડમથલ કરી શકે છે? ચાલો હવે તેની પણ વાત કરી લઈએ. દુનિયા ભરના રાજકીય પંડીતો જેને અજેય માનતા હતા તેવા નેતાઓ અચાનક પત્તાના મહેલની જેમ પડતા ગયા. એક્સપર્ટ્સ મુજબ તેનું સૌથી મોટું કારણ ઈલેક્ટોરલ ઓટોક્રેસીનું માળખું રહ્યું. એટલે કે આવા નેતાઓએ દેખાવ પૂરતી ચૂંટણીઓ કરી, મીડિયા, ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ પર કબજો જમાવીને સત્તા ટકાવી રાખી. નેતાઓના રાષ્ટ્રવાદને મોંઘવારી નડી ગઈ પણ વર્ષ 2026ના ઈરાન યુદ્ધે લાવેલા ગ્લોબલ ફ્યૂઅલ ક્રાઈસિસ અને કમરતોડ મોંઘવારીએ આ નેતાઓના ઉગ્ર રાષ્ટ્રવાદ, ધર્મ અને ઓળખના રાજકારણના ફુગ્ગાં ફોડી નાખ્યા. સર્બિયામાં રેલવે સ્ટેશનની છત પડવાથી થયેલા 16 મોત હોય કે હંગેરીની જર્જરીત હોસ્પિટલ્સ… જ્યારે વાત સામાન્ય માણસના ખિસ્સા અને જીવ પર આવી ત્યારે આ નેતાઓએ નકામા ભાષણો જ કર્યા કોઈ વાયદાઓ પૂરા ન કર્યા .હવે જનતાએ તેમને સિસ્ટમની અંદર રહિને સત્તા પલટાથી જવાબ આપ્યો છે. સર્બિયામાં ભ્રષ્ટ રાજકારણીઓને બાજુ પર મૂકીને જેનઝી વિદ્યાર્થીઓએ પોતે ઓનેસ્ટ પ્રોફેસર્સનું લિસ્ટ તૈયાર કર્યું અને ચૂંટણીના જ નિયમોથી માફિયા તંત્રને હરાવી દીધું. બ્રાઝિલમાં યુવાનોના આંદોલને બાજી પલટી, તો હંગરીમાં ઓર્બનના જ પૂર્વ સાથી દારે સિસ્ટમની અંદર બળવો કરીને ગામડાવાળા લોકોના મતદારોને જગાડ્યાં. મેલોની-મેક્રો-મર્ઝની સત્તા જવાની શક્યતા જો કે અહીં કંઈક એવી વસ્તુ પણ જોવા મળી જે સામાન્ય લોકોને ન દેખાયી. જ્યાં જમણેરી નેતાઓ સત્તામાં હતા ત્યાં તે હાર્યા પણ ફ્રાન્સ, જર્મની, પોલેન્ટ અને સ્પેન જેવા દેશો જ્યાં હાલ મધ્યમમાર્ગી કે ડાબેરી સરકારો છે ત્યાં મોંઘવારીનો રોષ લિબરલ સરકારોને જેલવો પડ્યો. આવનારા મહિનાઓમાં સ્પેનના પેટ્રો સાન્ચેઝ, ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન, જર્મનીના ફેડરિક મર્ઝ, ઈટાલીના જ્યોર્જિયા મેલોની અને અર્જેન્ટિનાના જેવિયર મિલેઈ જેવા મોટા નેતાઓની જનતા અગ્નિ પરીક્ષા લેવાની છે. એટલે કે અસલી લડાઈ જમણેરી કે ડાબેરી વિચારધારાની નહીં પણ નિષ્ફળ સાશન વ્યવસ્થા અને મોંઘવારી સામેની એન્ટી ઈન્કમ્બન્સીની છે. હવે સૌથી શક્તિશાલી દેશની વાત… અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2029 સુધી સત્તામાં રહેવાના છે. પણ સંસદના બંને ગૃહો ગુમાવ્યા પછી બાકીના બે વર્ષે તે પાંગળા બની ગયા છે. તેમની પાસે વીટો પાવર છે પણ તે કેટલો કમાલ કરશે તે સમય જણાવશે. ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટ્સ હવે ટ્રમ્પના બજેટ પર કાપ મૂકશે અને પોલિમાર્કેટ મુજબ 66 ટકાથી વધુ શક્યતા છે કે ટ્રમ્પ પર 2028 પહેલા મહાભિયોગ પણ લાવવામાં આવે. એક્સપર્ટ્સ વોર્નિંગ આપી રહ્યા છે કે ઘરઆંગણે હાથ બંધાઈ જવાથી ઘવાયેલા ટ્રમ્પ પોતાની છાપ છોડવા વિદેશ નીતિમાં વધુ એગ્રેસિવ કે પોતાના તરંગી મિજાજની જેમ અણધાર્યા નિયમો લઈ શકે એમ છે. ઈરાનની ચાલ બાદ ચીન શું સોગઠાં ગોઠવી શકે? વોશિંગ્ટનની આ ઈન્ટરનલ ફાઈટનો સીધો લાભ ચીન, રશિયા અને ઈરાન લેવા જઈ રહ્યા છે. ચીને યુદ્ધ દરમિયાન પોતાના 1.4 અબજ બેરલના રિઝર્વ ક્રૂડ ભંજારને અડ્યા વગર હોર્મુઝમાં ઈરાન પાસેથી છૂટ મેળવી લીધી છે. ઈરાન યુદ્ધમાં વપરાશને કારણે અમેરિકા પાસે ડિફેન્સિવ મિસાઈલોનો સ્ટોક ઘટી ગયો છે, જ્યારે 2027માં અમેરિકી સંસદ પેન્ટાગોનની તપાસ બિઝી હશે, ત્યારે ચીન એશિયામાં પોતાની ઈવી અને ગ્રીન ટેક્નોલોજી ફેલાવશે અને તાઈવાન પર પણ દબાણ વધારશે. રશિયા યુક્રેન પર હુમલા વધારશે? સામેની બાજુ રશિયા જાણે છે કે જાન્યુઆરી 2027માં ડેમોક્રેટ્સ સત્તા સંભાળતા જ યુક્રેનને નવું ફંડ આપી શકે. એટલે આવનાર બે મહિનામાં રશિયા યુક્રેનમાં શક્ય હોય એટલો વધુ જમીન કબજે કરવાનો પ્રયાસ કરશે. જો આવું થાય તો ટ્રમ્પ સંસદને બાયપાસ કરીને વીટો પાવરનો ઉપયોગ કરી યુક્રેન સાથે સોદો કરવા પણ દબાણ કરી શકે. સામેની બાજુ યુરોપિયન યુનિયન હંગેરીમાં ઓર્બન અને સર્બિયામાં વિચિચની વિદાય પછી રશિયા તરફી અવરોધો દૂર કરીને હંગેરીના 18 બિલિયન યુરો છૂટા કરશે અને ટ્રમ્પના માગા મોડેલથી છેટા રહીને પોતાની સ્વતંત્ર સુરક્ષા વ્યવસ્થા ઉભી કરશે. ટ્રમ્પની હાર બાદ ઈરાનના ડબલ માસ્ટરસ્ટ્રોક અને અંતે ઈરાનની વાત કરીએ તો, અમેરિકી મતદારોએ ટ્રમ્પને આપેલા નો ટુ વોરના મેસેજને ઈરાને બરોબરનો પકડી લીધો છે અને એક બાજુ કતારની મધ્યસ્થીથી અમેરિકા સાથે પ્રતિબંધો હટાવવાની સોદાબાજી કરવી અને બીજી બાજુ ભારત અને ચીન પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલીને પોતાની તિજોરી ભરવાના કારસામાં છે. ઈરાનના આ ડબલ માસ્ટરસ્ટ્રોકે સાબિત કરી દીધું કે વૈશ્વિક રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન દેશ નથી હોતું, માત્ર પોતાના દેશનું આર્થિક કે સામાજિક હિત જ સર્વોપરી હોય છે. અને છેલ્લે… આજથી 237 વર્ષ પહેલા ફ્રાન્સીસી ક્રાંતિએ રાજકારણને ડાબેરી અને જમણેરી વિચારધારા આપી. 1991માં સોવિયેત સંઘના પતન પછી જમણેરી વિચારધારાનો દબદબો વધ્યો. પણ હવે જનતા એ અતિ રાષ્ટ્રવાદને પણ એક હદે નકારવા લાગી છે. દુનિયાને રોજગાર, સસ્તું જીવન, પેટ ભરાય એટલું ધાન અને ખિસ્સામાં બચત જોઈએ છે. ડાબેરી-જમણેરીઓ બાદ જેન Z કે જેન આલ્ફા કે તેની પણ આવનાર પેઢી કઈ વિચારધારામાં વળશે એ જોવું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
ટ્રમ્પની હાર પછી ઈરાનનો ધડાકો:હોર્મુઝમાં ભારત-ચીનને છૂટો દોર, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, 10 દિવસમાં 6 દેશોમાં સિંહાસન ડગમગ્યાં
📅 Published: November 5, 2026 |
📂 Category: International
