ભારતે 13 સપ્ટેમ્બરે મહિલા એશિયા કપ 2026ની ફાઇનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ભારતે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને એકતરફી મુકાબલામાં કારમી હાર થઇ હતી. જો કે, જીત બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો હતો, જેનાથી નવો વિવાદ ઊભો થયો છે. આ વચ્ચે હવે મોહસિન નકવીના કાર્યકાળ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે.
આગામી કાર્યકાળ નકવીને નહી મળે?
હાલમાં મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન છે. આ સ્થિતિમાં જ્યારે ભારતીય ટીમે એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો છે, ત્યારે ટીમે તેમના હાથે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. અહેવાલો મુજબ, મોહસિન નકવીને હવે પછીનો કાર્યકાળ મળવાની શક્યતા ખૂબ ઓછી છે. આ ઉપરાંત, આગામી એશિયા કપ 2027માં રમાનાર છે. તે પહેલા જ તેઓ આ પદ પરથી હટી શકે છે.
ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી ન લીધી
અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય પુરુષ ટીમે પણ એશિયા કપ 2025માં પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો, અને તે સમયે પણ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લીધી નહોતી. તે ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યા નહોતા. હવે મહિલા એશિયા કપ 2026ની ટ્રોફી ન સ્વીકારવા અંગે BCCIના અધિકારી દેવજીત સૈકિયાનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ટ્રોફી ન લેવાનો નિર્ણય બોર્ડ અને તમામ ખેલાડીઓનો સંયુક્ત નિર્ણય હતો. બોર્ડના તમામ અધિકારીઓએ મળીને આ નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેમણે પહેલગામ આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રીલંકા સામે ભારતનો ભવ્ય વિજય
મેચની વાત કરીએ તો, ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 183 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 59 રન અને શેફાલી વર્માએ 39 બોલમાં 68 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શ્રી ચરણીએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે દીપ્તિ શર્માને 3 સફળતા મળી હતી. ભારતે આ મુકાબલો 72 રનના મોટા માર્જિનથી જીતી લીધો હતો.
