ઠાસરાના ચિતલાવ અને સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી:જોરદાર અવાજ સાથે બ્રિજનો મોટો હિસ્સો કાંસમાં ખાબક્યો; બે ગામ વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ, મોટી જાનહાની ટળી

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનો ચિતલાવ અને સરદારપુરા ગામને જોડતો મહત્વનો બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો છે. સવારે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને કારણે બંને ગામ વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. સદનસીબે દુર્ઘટના સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે પદયાત્રી પસાર થઈ રહ્યા ન હોવાથી મોટી હોનારત ટળી હતી. પાણીના વહેણથી પિલરનું ધોવાણ આ બ્રિજ મહી કેનાલના વધારાના પાણીના નિકાલ માટે બનાવેલી કાંસ પર આવેલો હતો. કાંસમાં સતત પાણીના વહેણને કારણે બ્રિજના પિલર આસપાસની માટીનું મોટા પાયે ધોવાણ થયું હતું. માટી ખસી જતાં પિલર નબળા પડ્યા હતા અને આખી સંરચના અચાનક બેસી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે. સવારે જોરદાર અવાજ સાથે બ્રિજનો મોટો હિસ્સો કાંસમાં ખાબકતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજારો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં આ બ્રિજ ચિતલાવ અને સરદારપુરાના ખેડૂતો, નિત્ય મુસાફરો અને શાળાએ જતાં બાળકો માટે અવરજવરનો મુખ્ય આધાર હતો. મુખ્ય રસ્તો બંધ થઈ જતાં હવે ગ્રામજનોને લાંબો ફેરાવો કરીને જવાની નોબત આવી છે, જેનાથી દૈનિક ધોરણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર સામે ગ્રામજનોનો રોષ સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જો ધોવાણ અંગે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આ અકસ્માત રોકી શકાયો હોત. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા અને ચોમાસાની ઋતુને ધ્યાને રાખી યુદ્ધના ધોરણે નવા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવાની માગ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *