ડીજીપી કપ-2026માં DYSP ચેતન ખટાણાએ ગોલ્ડ મેડલ જીત્યો:ટેબલ ટેનિસમાં ગેજેટેડ ઓફિસર કેટેગરીમાં જૂનાગઢ રેન્જનું ગૌરવ વધાર્યું

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં શારીરિક તંદુરસ્તી, રમતગમતની ભાવના, ટીમ સ્પિરિટ અને ખેલદિલીને પ્રોત્સાહન આપવા ડીજીપી કપ-2026નું આયોજન કરાયું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના હેડક્વાર્ટર ડી.વાય.એસ.પી. ચેતન ખટાણાએ શાનદાર રમતનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર કરાઈ ખાતે આયોજિત ત્રણ દિવસીય ઇન્ડોર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ગુજરાત પોલીસની વિવિધ રેન્જ, જિલ્લા અને પોલીસ એકમોના અધિકારીઓ તથા કર્મચારીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાજેતરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન યોજાયેલા ઇન્ડોર ગેમ્સ ક્લસ્ટરમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં પોલીસ અધિકારીઓએ પોતાની રમતગમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં જૂનાગઢ રેન્જની ટીમ તરફથી ગેજેટેડ ઓફિસર કેટેગરીમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લા હેડક્વાર્ટરના ડી.વાય.એસ.પી. ચેતન ખટાણાએ ભાગ લીધો હતો. તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરી સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમની આ સિદ્ધિથી જૂનાગઢ રેન્જ તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસનું ગૌરવ વધ્યું છે. ડીજીપી કપ ગુજરાત પોલીસ વિભાગનો પ્રતિષ્ઠિત વાર્ષિક રમતોત્સવ છે. પોલીસકર્મીઓની ફરજ દરમિયાન શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેમજ અધિકારીઓ અને કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ, પરસ્પર સંકલન અને ખેલદિલીની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવી પરત ફરેલા ડી.વાય.એસ.પી. ચેતન ખટાણાને જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની રમતગમત સિદ્ધિને બિરદાવી હતી. પોલીસ ફરજ સાથે રમતગમત ક્ષેત્રે પણ શ્રેષ્ઠતા હાંસલ કરનાર ચેતન ખટાણાની આ સિદ્ધિ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. ડીજીપી કપ જેવી સ્પર્ધાઓ પોલીસ વિભાગમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા સાથે અધિકારીઓ-કર્મચારીઓમાં ફિટનેસ અને ઉત્સાહ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *