ડોક્ટર ગુમ, રિપોર્ટ પર છાપેલી સહી, રિજેક્ટેડ લેબનો ધીકતો ધંધો:ગુજરાતમાં 48 પેથોલોજી લેબને માન્યતા નહીં, 600ની તપાસ બાકી; સ્ટિંગ ઓપરેશનમાં સ્ફોટક ખુલાસા

📅 Published: November 2, 2026 | 📂 Category: gujarati-news

કેન્સર જેવી અતિ ગંભીર અને જીવલેણ બીમારી હોય, કે પછી સામાન્ય લાગતા પણ ગંભીર રૂપ ધારણ કરી શકતા મલેરિયા, ડેન્ગ્યુ કે ટાઇફોઇડ જેવા કેસ હોય…આવી બીમારીઓમાં સૌથી પહેલું અને મહત્વનું પગલું શું હોય છે? ડોક્ટરની દવાઓ? ના! યોગ્ય સારવારનો પાયો છે પેથોલોજી લેબનો રિપોર્ટ. રિપોર્ટના આંકડા જોઈને જ ડોક્ટર નક્કી કરે છે કે દર્દીને કઈ દવાનો કેટલો ડોઝ આપવો. પણ જરા વિચારો… જો તમારા બ્લડ-યુરીનના સેમ્પલ લઈને રિપોર્ટ કાઢનાર વ્યક્તિ જ ક્વોલિફાઇડ ન હોય તો? જો તમારા રિપોર્ટના આંકડામાં જ મોટી ગડબડ થઈ જાય તો? તમે હજારો રૂપિયા ખર્ચીને રિપોર્ટ કઢાવ્યો હોય, એ લેબ જ સરકારી રેકોર્ડમાં રિજેક્ટ બોલતી હોય તો? આ ત્રણ સવાલો માત્ર બીમાર વ્યક્તિ જ નહીં, પણ તેના આખા પરિવારના રુંવાડાં ઊભા કરી દે એવા છે. પણ ભયાનક વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં આજે એવી ઘણી લેબોરેટરી ખુલ્લેઆમ ચાલી રહી છે, જેને આરોગ્ય વિભાગે રિજેક્ટ કરી દીધી છે. છતાં દરરોજ હજારો દર્દીઓ અજાણતા લોહી-પેશાબના સેમ્પલ આપે છે, રૂપિયા આપે છે અને આવી લેબના રિપોર્ટના આધારે ડોક્ટર સારવાર પણ કરી દે છે. ગુજરાતભરમાં બેફામ રીતે ચાલી રહેલી રિજેક્ટેડ લેબ બાબતે દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. પણ આ ખેલ ખુલ્લો પાડવા માટે સત્તાવાર યાદી, પુરાવા અને પછી ગ્રાઉન્ડ રિયાલિટી ચેકની જરૂર હતી. આ ઇન્વેસ્ટિગેશનને સમજવા માટે સૌથી પહેલાં કાયદાકીય પાસું સરળ રીતે જાણી લો. કારણ કે તમારા પોતાના અને પરિવારના સભ્યોના આરોગ્ય બાબતે સીધી રીતે લાગુ પડે છે. આપણા રાજ્યમાં ‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-2021’ અમલમાં છે. એક્ટની કલમ 6 મુજબ, નોંધણી વગર કોઈ પણ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ચલાવી શકાતું નથી. પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજિકલ કે જેનેટિક તપાસ કરતી લેબોરેટરી પણ આ વ્યાખ્યામાં આવે. નોંધણી વગર લેબ ચલાવનારને 25 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જાણી જોઈને આવી લેબમાં કામ કરનાર સ્ટાફને પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે. આ નિયમ બનાવવા પાછળનો ઉદ્દેશ એવો છે કે કોઈ કરિયાણા કે ઝેરોક્ષની દુકાનની માફક લેબોરેટરી ખોલી ન બેસે, કારણ કે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. રિપોર્ટમાં કોણ સહી કરી શકે, એ બાબતે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે વખતો વખત ચુકાદા આપેલા છે. જે મુજબ લેબ ટેક્નિશિયન રજિસ્ટર્ડ પેથોલોજિસ્ટ વગર સ્વતંત્ર રીતે લેબ ચલાવી શકે નહીં. હવે મૂળ વાત પર પાછા ફરીએ…
ગુજરાતમાં નવો કાયદો અમલમાં આવ્યા બાદ કેટલી લેબનું રજિસ્ટ્રેશન થયું અને એમાંથી કઈ-કઈ લેબ રિજેક્ટ થઇ તેનો દિવ્ય ભાસ્કર આરોગ્ય વિભાગ પાસેથી ડેટા મેળવ્યો. 1 ઓક્ટોબર, 2026 સુધીની માહિતી મુજબ ગુજરાતમાંથી વિવિધ લેબની 2575 અરજીઓ આવી, જેમાંથી 1911ને માન્યતા આપવામાં આવી. 664 લેબ ચલાવનારની ડિગ્રી અને અન્ય નિયમોની ખામીઓ મળતાં તેને પેન્ડિંગ, ક્વેરી જેવી કેટેગરીમાં રખાઈ, એમાંથી પણ 48ને તો રિજેક્ટ જ કરી દેવાઈ. જો કે આ પ્રક્રિયા સતત ચાલી રહી હોવાથી આંકડાકીય રીતે થોડો ફેરફાર આવ્યો હોઇ શકે. જુઓ, રિજેક્ટ થયેલી લેબની યાદીમાં તમારા જિલ્લાની કેટલી લેબ છે… આ લેખના અંતમાં તમે જિલ્લાવાર માન્યતા પ્રાપ્ત, રિજેક્ટેડ અને ક્વેરી આવી હોય એવી લેબોરેટરીનું લિસ્ટ પણ જોઇ શકશો. એ પહેલાં વાંચો દર્દી બનીને પહોંચેલા દિવ્ય ભાસ્કરના રિપોર્ટરને કેવા-કેવા અનુભવ થયા. દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટર્સે રિજેક્ટેડ લેબનું લિસ્ટ લીધું અને આવી લેબના શટર પડી ગયા છે કે હજુ પણ ચાલી રહી છે એ ચકાસવા માટે પોતે દર્દી બનીને રિયાલિટી ચેક કર્યું. આ દરમિયાન કેટલીક શોકિંગ જાણકારી મળતા ‘સ્ટિંગ ઓપરેશન’ પણ કરવું પડ્યું. વાંચો, ગુજરાતના મેડિકલ ક્ષેત્રે ચાલતી સૌથી મોટી ગેરરીતિને ખુલ્લી પાડતો દિવ્ય ભાસ્કરનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. રિજેક્ટેડ લેબના લિસ્ટમાં રાજકોટ શહેર અને જિલ્લાની કુલ 9 લેબોરેટરીના નામ દિવ્ય ભાસ્કરને મળ્યા; જેમાંથી 3 લેબોરેટરી પર જઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જો-જો તમે પણ ક્યાંય એવી કોઈ લેબમાં રિપોર્ટ તો નથી કરાવ્યો ને! જામનગર હાઇવે પર નાગેશ્વર મંદિર પાસે જૈનમ કોમ્પ્લેક્સ છે. જેમાં ઉપર રેસિડેન્શિયલ ફ્લેટ છે અને નીચે અલગ-અલગ શોપ આવેલી છે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાનમાં શિવ લેબોરેટરી ચાલે છે. લેબમાં ખાસ કોઈ સુવિધા હતી નહીં; એક ખુરશી, બે ટેબલ, નાનો સોફો અને એક નાનું એવું મશીન દેખાયું. આ લેબમાં બે લોકો હતા. જેમાંના એકે પોતાની ઓળખ લેબ ટેક્નિશિયન તરીકે આપી. જો કે શિવ લેબના વિઝિટિંગ કાર્ડ પર બે લોકોના નામ લખ્યા હતા. જેમાંનું એક નામ હિરેન મોરડિયાનું. તેઓ B.Sc, M.Sc, DMLT (ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી) થયેલા છે. જ્યારે બીજું નામ દીપ મખેચાનું લખ્યું હતું, તેઓ B.Sc, DMLT ભણ્યા છે. જેઓ લેબ પર હાજર હતા. રિપોર્ટર- બ્લડ ગ્રુપનો રિપોર્ટ કરાવવો છે. કેટલા રૂપિયા થશે?
ટેક્નિશિયન- બેસો… 100 રૂપિયા થશે. રિપોર્ટર- રિપોર્ટ ક્યારે મળશે?
ટેક્નિશિયન- હમણાં 10 મિનિટમાં આપી દઉં. રિપોર્ટર- તમારી લેબ પર હિરેન મોરડિયાનું નામ લખ્યું છે, એ ડોક્ટર ક્યાં છે?
ટેક્નિશિયન- અહીં ન હોય. રિપોર્ટર- એ ક્યાં બેસે?
ટેક્નિશિયન- એ અલગ-અલગ જગ્યાએ હોય. એટલે કે આ લેબ પર કોઈ MD કે MBBS ડૉક્ટર હાજર ન હતા. વળી રિપોર્ટરે બ્લડ ગ્રુપનો રિપોર્ટ કઢાવ્યો એમાં દીપ મખેચાની છાપેલી સહી જોવા મળી. આ બાબતે સવાલ કરતા તેમણે કહ્યું, ‘આ રિપોર્ટ બધે વેલિડ હોય, કોઈ ના ન કહી શકે, તમે જરાય ચિંતા ન કરો.’ નોંધવા જેવી વાત એ લાગી કે રિપોર્ટ કાઢવાની પ્રક્રિયામાં દીપ મખેચાએ ન તો બ્લડ સેમ્પલ લીધું, ન તો પોતે રિપોર્ટ કાઢ્યો. આખી વાતચીત દરમિયાન માવો મસળતા રહ્યા. જે યુવાને સેમ્પલ લીધા, તેની ડિગ્રી વિશે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ બીજી એક લેબમાં ગયા તો અલગ જ અનુભવ થયો. કુવાડવા રોડ વિસ્તારમાં રણછોડ વાડી નજીક આવેલી દીપ લેબોરેટરી રિજેક્ટના લિસ્ટમાં છે. મુખ્ય રસ્તા પાસે અંદાજે 10×15ની દુકાનમાં લેબ ચાલતી હતી. સ્ટાફના નામે માત્ર એક જ વ્યક્તિ હતી. હાલત જોઈને લાગે જ નહીં કે આ પેથોલોજી લેબ હશે. રિપોર્ટર- બ્લડ રિપોર્ટ કરાવવો છે, કેટલા રૂપિયા થશે?
લેબ સંચાલક- બેસો… 100 રૂપિયા થશે. રિપોર્ટર- અને કેટલી વાર લાગશે?
લેબ સંચાલક- 5 મિનિટમાં આપી દઇશ. લેબમાં નાનું એવું મશીન હતું અને ખુરશી-ટેબલ હતા. એક જગ્યાએ વિપુલ વઘાસિયાનું નામ અને B.Sc. DMLTની ડિગ્રી લખેલી હતી. લેબમાં હાજર એક વ્યક્તિએ ઇન્જેક્શન માર્યું, બ્લડ લીધું, પ્રોસેસ કરી, પ્રિન્ટ કાઢી વગેરે. પણ અહીં પણ કોઈ સિનિયર ડૉક્ટર હાજર હતા નહીં. એટલે હાજર વ્યક્તિને સવાલ પૂછવામાં આવ્યો. રિપોર્ટર- કોઈ ડોક્ટર નહીં મળે?
લેબ સંચાલક- ડોક્ટર અહીં ન હોય. આગળ કોઈ વાત ન કરી. થોડીવારમાં રિપોર્ટની પ્રિન્ટ હાથમાં આપી દીધી. તેમાં પણ વિપુલ વઘાસિયાની છાપેલી સહી હતી. એટલે લેબ તો રિજેક્ટ હોવા છતાં ચાલુ હતી, ઉપરાંત યોગ્ય લાયકાત ધરાવતા ડોક્ટર પણ ન ત્યાં ન હતા. આગળ એક એવી લેબમાં ગયા, જ્યાં ન કોઈ ડોક્ટર, ન કોઈ માલિક. માત્ર કર્મચારીઓ જ કામ કરતા હતા. તેમના જવાબ અને વર્તન આરોગ્ય ક્ષેત્રે ચાલતા ધુપ્પલને ઉજાગર કરે એવા હતા. રાજકોટમાં મવડી ફાયર સ્ટેશન પાસે ચંદ્રેશ નગર મેઇન રોડ પર લાઇફ કેર લેબોરેટરી મળી. આરોગ્ય વિભાગના લિસ્ટમાં આ લેબ પણ રિજેક્ટ થયેલી છે. ત્યાં બે યુવતીઓ કામ કરી રહી હતી. તેમણે પણ 100 રૂપિયામાં બ્લડ રિપોર્ટ કાઢી આપવાની વાત કરી. ડોક્ટર વિશે પૂછતાં તેમણે કહ્યું, ‘અમે નોકરી કરીએ છીએ, અહીં કોઈ (સિનિયર) હાજર નથી. એ અમને કંઈ ખબર ન હોય. અમે અમારા સમયે આવીએ અને સમય પૂરો થાય એટલે જતા રહીએ.’ અહીં પણ બે ડોક્ટરના નામ લખ્યા હતા. જેમાં એક હતું અવની વસોયા અને બીજું ચેતના હરસોડા. અન્ય લેબની જેમ લાઇફ કેર લેબોરેટરીમાંથી રિપોર્ટ તો આપ્યો પણ તેના પર પ્રિન્ટેડ કે ડિજિટલ સહી પણ ન હતી. રિપોર્ટરે જ્યારે સવાલ કર્યો કે, ‘આ રિપોર્ટ માન્ય નહીં રહે તો?’ યુવતીએ જવાબ આપ્યો, ‘બધે માન્ય રહે, સરકારી નોકરિયાત પણ કરાવી જાય છે.’ જો કે થોડી દલીલ પછી ત્યાં બેઠેલી યુવતીએ સહીના બે લીટા કરી આપ્યા, કોઈને સમજાય નહીં તેવા. ન નામ કે ન કોઈ અક્ષર વંચાય. થોડી વધારે દલીલ કરી એટલે લેબનો સિક્કો પણ મારી આપ્યો. લાઇફ કેર લેબોરેટરીનો આ રહ્યો રિપોર્ટ… આ ત્રણેય લેબોરેટરીમાં કોમન વાત એ નીકળી કે આજુબાજુમાં મોટી હોસ્પિટલો આવેલી હતી. પણ એ મોટી હોસ્પિટલોમાં પોતાની લેબોરેટરી હતી, તો અહીં દર્દીઓ આવે છે કેમ? એ તપાસ કરી, જાણવા મળ્યું કે આજુબાજુની શેરી-ગલીઓમાં BHMS અને MBBS ડોક્ટરો ઘણા છે, જેઓ નાની ક્લિનિક ચલાવે છે અને નાના-મોટા રિપોર્ટ અહીં કરવાના કહેતા હોય છે. મોટી લેબ કરતા અહીં સસ્તામાં પણ પતી જાય. જો તમને લાગતું હોય કે આવું માત્ર નાના શહેરો કે રાજકોટમાં જ થાય છે, તો એવું નથી. રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં તો લેબ સંચાલકોએ તમામ હદો વટાવી દીધી છે. આરોગ્ય વિભાગના રેકોર્ડ પ્રમાણે અમદાવાદમાં 362 લેબ અપ્રુવ થયેલી છે, 46માં ક્વેરી આવેલી છે અને હાટકેશ્વર વિસ્તારમાં આવેલી જસ્ટ હેલ્થ ક્લિનિકલ લેબોરેટરી એકમાત્ર છે જેને રિજેક્ટ કરી દેવાઈ છે. પણ જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ત્યાં પહોંચી તો લેબ ખુલ્લી જોવા મળી. લેબ પર બે લોકોના નામ હતા, એક ડો.દિવ્ય પટેલ, જે MD પેથોલોજી છે અને બીજા બી.એસ.યાદવ, તેમની પાસે B.Sc., M.Sc., PG DMLTની ડિગ્રી હોવાનું લખ્યું હતું. રિપોર્ટરે ત્યાં બ્લડ ગ્રુપ અને લિપિડ પ્રોફાઇલ જેવા ટેસ્ટ કરાવવાનું કહ્યું. લેબમાં બેઠેલા એક ટેક્નિશિયને તરત જ હા પાડી દીધી. જો કે ત્યાં પણ ડોક્ટર હાજર ન હોવાનો જવાબ મળ્યો. ગણતરીના સમયમાં વ્હોટ્સએપ પર રિપોર્ટ મોકલી આપ્યો, જેના પર ડો.દિવ્ય પટેલની છાપેલી સહી હતી. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે ક્વેરીવાળી અમદાવાદની 46 લેબની શું હાલત હશે. અત્યાર સુધીમાં રાજકોટ અને અમદાવાદમાં રિજેક્ટરેડ લેબ ખુલ્લી જોવા મળી પણ ગાંધીનગર તો અલગ જ વાત સામે આવી. ત્યાં કામ કરતા કર્મચારીઓ જાણતા જ હતા કે તેમની લેબ રિજેક્ટ થયેલી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કલોલ રોડ પર આવેલી ખાત્રજ ચોકડી પાસેના એક કોમ્પ્લેક્સના પ્રથમ માળે સ્યોર એન્ડ ક્યોર લેબ ચાલી રહી છે. ત્યાં કોફી કલરના યુનિફોર્મ પહેરેલા બે યુવાનો હાજર હતા. રિપોર્ટર- તમારા ડોક્ટર ક્યાં છે?
લેબ કર્મચારી- સાહેબ બહાર ગયા છે. રિપોર્ટર- તમે કોણ છો?
લેબ કર્મચારી- અમે ટેક્નિશિયન છીએ, બ્લડ સેમ્પલ લઈને મશીનમાં તેનું ટેસ્ટિંગ કરીએ છીએ. ત્યારબાદ મુખ્ય ડોક્ટરને જાણ કરાય છે અને તેઓ રિપોર્ટ ફાઇનલ કરીને સહી કરે છે. રિપોર્ટર- તમારી લેબને આરોગ્ય વિભાગે રિજેક્ટ કરી છે, તો પછી કઈ રીતે લેબ ચાલુ રાખો છો?
લેબ કર્મચારી- બાજુના બિલ્ડિંગમાં આવેલી અન્ય એક લેબને મંજૂરી મળી નથી. રિપોર્ટર- આરોગ્ય વિભાગના લિસ્ટમાં તમારી જ લેબનું નામ છે.
લેબ કર્મચારી- એક વખત અરજી રિજેક્ટ થઈ હતી. કેટલાક કાગળો માગ્યા હોવાથી અમે ફરીથી અરજી કરી છે, પણ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. લેબના કર્મચારીઓ દ્વારા જ આવી કબૂલાત કર્યા બાદ જ્યારે રિપોર્ટરે મુખ્ય ડોક્ટર સાથે વાત કરાવવા માટે કહ્યું. પરંતુ તેમણે વાતચીત કરાવી નહોતી. સ્યોર એન્ડ ક્યોર પછી ગાંધીનગરની જ વધુ એક લેબની મુલાકાત લેવામાં આવી. ગાંધીનગરના કુડાસણ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સના ત્રીજા માળે સ્થિત ‘નિદાન પેથ લેબ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ’નું નામ રેજેક્ટેડ લેબના લિસ્ટમાં છે. ત્યાં એક ડોક્ટરનું ક્લિનિક પણ ચાલે છે. રિસેપ્શન પરના સ્ટાફને પૂછ્યું કે, ‘તમારા ડોક્ટર ક્યાં છે?’ તો અન્ય લેબની જેમ જ જવાબ મળ્યો કે, ‘મેડમ બહાર ગયા છે.’ ત્યારબાદ તેમણે ડોક્ટર સાથે ટેલિફોન પર વાત કરાવી હતી. રિપોર્ટર- હેલ્થ ડિપાર્ટમેન્ટે તમારી લેબને રિજેક્ટ કરી છે, તો પછી કઈ રીતે લેબ ચાલુ રાખો છો?
ડોક્ટરે- અમારી આ લેબ સાત વર્ષથી ચાલે છે અને અમારી પાસે તમામ સર્ટિફિકેટ્સ છે. અમારી કોઈ અરજી રિજેક્ટ થઈ નથી. આ ડોક્ટરે તમામ પુરાવા આપવાની વાત કહી હતી. પરંતુ હજુ સુધી કોઈ પુરાવા મોકલ્યા નથી. આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારા આંકડા દાહોદ જિલ્લાના છે. આખા ગુજરાતમાંથી જેટલી લેબ રિજેક્ટ કરવામાં આવી એમાંથી ચોથા ભાગની દાહોદમાં છે. કાગળ પર રિજેક્ટ ગણાતી લેબોરેટરીએ જઇને દર્દી બનીને રિપોર્ટરે સ્ટિંગ ઓપરેશન કર્યું તો સ્તબ્ધ કરી નાખે એવા ખુલાસા થયા. દાહોદના દૌલતગંજ બજારના ગૌશાળા ચોક વિસ્તારમાં સમર્થ પેથોલોજી લેબોરેટરીમાં પહોંચ્યા. ત્યાં લેબ ચાલુ હોવાનો પુરાવો મેળવવા માટે રિપોર્ટરે પોતાનો જ બ્લડ રિપોર્ટ કઢાવવાનું નક્કી કર્યું. લેબમાં ખાસ્સી ભીડ હતી અને 7થી 8 લોકો કામ કરતા હતા. રિપોર્ટરે બ્લડ ગ્રુપ ટેસ્ટ માટે કહેતા સાદા કપડાંમાં એક મહિલા સેમ્પલ લેવા આવી અને 15 મિનિટમાં રિપોર્ટ આપી દેવાયો હતો. જો કે આ રિપોર્ટ નહીં પણ વિઝીટિંગ કાર્ડ જેવું લાગતું હતું. રિપોર્ટમાં ટૂંકી અને સમજાય નહીં એવી સહી હતી. આ વિશે પૂછતા જવાબ મળ્યો “મેડમની સહી છે.” પરંતુ જ્યારે મુખ્ય ટેક્નિશિયન કે ડોક્ટરના નામ અને સહીવાળો રિપોર્ટ માંગવામાં આવ્યો, ત્યારે સ્ટાફ મૂંઝાઈ ગયો હતો. બાદમાં એક યુવાને લેબોરેટરીના લેટરહેડ પર ડોક્ટરના નામ સાથેનો રિપોર્ટ આપ્યો હતો. જો કે ડિગ્રીધારક જે વ્યક્તિના નામે લેબ ચાલે છે એ હાજર જ નહોતી. અન્ય લેબમાં ગયા તો રિપોર્ટરના એક સવાલ પર આખો સ્ટાફ મૂંઝાઈ ગયો. દાહોદમાં એસટી બસ સ્ટેન્ડ નજીક એક કોમ્લેક્સમાં યુનિપેથ લેબ સરકારી રેકોર્ડમાં રિજેક્ટના લિસ્ટમાં છે. અમે ત્યાં પહોંચીને જોયું તો આ કોમ્પ્લેક્સમાં ઘણી બધી નાની ક્લિનિકો અને મેડિકલ સ્ટોર આવેલા છે. એટલે લેબની જરૂર પડે એવો વિસ્તાર. પહેલાં માળે પહોંચ્યા તો એક શટરવાળી મોટી દુકાનમાં બનાવાયેલી લેબમાં 8થી 9 લોકો કામ કરી રહ્યા હતા. રિપોર્ટરે કહ્યું, મારી સાથે એક સાહેબ આવેલા છે. એમનું શુગર લેવલ ઓછું થઇ ગયું હોય એમ લાગી રહ્યું છે. તો શું-શું ટેસ્ટ કરવા જોઇએ? આ સવાલ સાંભળીને રિસેપ્શન પર બેઠેલો સ્ટાફ મૂંઝાઈ ગયો હતો. ટેસ્ટ વિશે પૂછતાં તેઓ એકબીજાના મોં જોવા લાગ્યા હતા. પછી એકે કહ્યું, ‘બેસો, સાહેબ આવે છે.’ ત્યારબાદ થોડી જાણકારી ધરાવતી એક વ્યક્તિ આવી, જ્યારે રિપોર્ટરે એ બાબતે સવાલ કર્યો તો સ્ટાફમાંથી કહેવામાં આવ્યું કે, ‘સાહેબ હમણાં જ નીકળ્યા છે.’ તેમણે ડોક્ટર સાથે વાત કરાવવાનું પણ ટાળ્યું. આ દરમિયાન ડોક્ટરની ગેરહાજરીમાં જ અન્ય દર્દીઓના ટેસ્ટ થઇ રહ્યા હતા અને રિપોર્ટ આપવામાં આવી રહ્યા હતા. ત્યાંથી નીકળીને ત્રીજી લેબ પર પહોંચ્યા તો ત્યાં લેબની મંજૂરીના દાવા તો થયા પણ ખરેખર હકીકત કંઈક બીજી જ નીકળી. દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં નવા બનેલા એક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રુ કેર પેથોલોજી લેબોરેટરી આવેલી છે. આ લેબમાં રિપોર્ટરે પોતાની ઓળખ આપી અને કહ્યું કે, ‘અમારી જાણકારી પ્રમાણે તમારી લેબને આરોગ્ય વિભાગ દ્વારા રિજેક્ટ કરવામાં આવી છે. તો શા માટે લેબ ખુલ્લી છે?’ આ ઉપરાંત જે ડોક્ટરના નામે લેબ ચાલે છે એમના વિશે પૂછતાં રિસેપ્શનિસ્ટે તેમની સાથે ફોન પર વાત કરાવી હતી. ડોક્ટરે દાવો કર્યો હતો કે, ‘અમે સ્થાનિક સ્તરેથી તેમજ બાયો-મેડિકલ વેસ્ટના નિકાલ માટેની મંજૂરી લીધી છે. હેલ્થ ખાતામાંથી અમારી અરજી રિજેક્ટ થઈ નથી.’ જો કે આધાર-પુરાવા માગતા તેમણે વોટ્સઅપ પર મોકલવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં કોઈ પુરાવા મોકલ્યા નહોતા. થોડા દિવસ પછી પણ ફોનથી સંપર્ક કર્યો છતાં કોઈ જવાબ મળ્યો નથી. દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમે આવી જ રીતે ગોધરામાં આવેલી બે રિજેક્ટેડ લેબોરેટરીની પણ મુલાકાત લીધી. ક્વિક લેબોરેટરી ભીડભાડવાળા રહેણાંક વિસ્તારના ભોંયરામાં ચાલી રહી છે,અંદર કાચનો દરવાજો ખોલતા એક યુવાન કમ્પ્યુટર પર કામ કરતો જોવા મળ્યો હતો. રિપોર્ટર- ડોક્ટર ક્યાં છે?
લેબ કર્મચારી- તમારે શું કામ છે? રિપોર્ટર- બ્લડ ટેસ્ટ કરાવવો છે
લેબ કર્મચારી- પ્રિસ્ક્રિપ્શન આપો. રિપોર્ટર- એ તો નથી, નોર્મલ બ્લડ ગ્રુપ રિપોર્ટ જ કઢાવવા છે.
લેબ કર્મચારી- પ્રિસ્ક્રિપ્શન વગર રિપોર્ટ નહીં થાય. રિપોર્ટર- તમારી લેબ આરોગ્ય વિભાગે રિજેક્ટ કરી છે, તો પણ કેમ ચાલે છે?
લેબ કર્મચારી- એ બધી મને નથી ખબર. તમને લેબનો નંબર આપું છું. એના પર ફોન કરજો. દિવ્ય ભાસ્કરની ટીમ ત્યાંથી નંબર લઇને નીકળી ગઇ. પરંતુ લેબના કર્મચારીએ આપેલા કોન્ટેક્ટ નંબર પરથી પછી કોઈ જવાબ મળી શક્યો નથી. અગાઉની લેબથી અંદાજે 500 મીટર દૂર મુખ્ય રોડ પર આવેલા એક બંગલામાં ફેથ લેબોરેટરીનું સરનામું બોલતું હતું. ત્યાં MBBS ડોક્ટરનું બોર્ડ અને લેબનું બોર્ડ લગાવેલું હતું. જોકે બંગલાના શટર પર તાળાં મારેલાં હતાં અને કોઈ નંબર પણ લખેલો નહોતો. સામેની દુકાને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક સમયથી આ દવાખાનું કે લેબ ખુલતાં જ નથી. ડોક્ટર બહારગામ ગયા હોવાથી લેબ બંધ કરી દેવામાં આવી હોવાની શક્યતા છે. દિવ્ય ભાસ્કરના આ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે સરકારી કાગળો પર રિજેક્ટ થયેલી ઘણી બધી લેબોરેટરી હજુ પણ ચાલુ છે અને દર્દીઓના રિપોર્ટ પણ કાઢી આપવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક લેબ સંચાલકોએ પોતાની લેબ માન્યતા પ્રાપ્ત હોવાના દાવા કર્યા પણ પુરાવા આપ્યા નથી. છતાં તો તેમને પક્ષ સાચો હોય તો આરોગ્ય વિભાગે ડેટા ઝડપથી અપડેટ કરવો જરૂરી છે. આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન માત્ર રિજેક્ટેડના લિસ્ટમાં હતી એ જ લેબ પર તપાસ કરવામાં આવી. આ સિવાયની લેબમાં ક્વેરી કયા કારણોસર આવેલી છે અને એ લેબ પણ ચાલુ છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. અહીં બે મોટા સવાલ એ ઊભા થાય છે કે… 1- જો હેલ્થ ડિપાર્ટમેન્ટે આ લેબ રિજેક્ટ કરી છે, તો તેમને સીલ કરવાની કે બંધ કરાવવાની કાર્યવાહી કેમ નથી થતી?
2- મોટાભાગની લેબ જેમના નામે છે એ ડોક્ટર હાજર ન હતા, આ પેટર્ન શું દર્શાવે છે? આ મુદ્દે અમે આરોગ્ય વિભાગને પણ સવાલ કર્યા.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ લેબના રિપોર્ટમાં નિષ્ણાંતની સહી મુદ્દે રાજીવ ટોપનોએ કહ્યું, “હાલના કાયદા પ્રમાણે બેસીક લેબ માટે નિષ્ણાતની સહીની જરૂર હોય છે. એના માટે કાયદામાં કરેલી જોગવાઈ પ્રમાણે જ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.” દર્દી તરીકે તમને સલાહ છે કે કોઈ પણ લેબમાં સેમ્પલ આપતા પહેલાં ત્યાં હાજર ડોક્ટરની ડિગ્રી અને લેબનું માન્ય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ચોક્કસ ચકાસી લો, કારણ કે એક ખોટો રિપોર્ટ તમારી કે તમારા સ્વજનની જિંદગી મુશ્કેલીમાં મૂકી શકે છે. ગુજરાતમાં જિલ્લાવાર માન્યતાપ્રાપ્ત, રિજેક્ટેડ થયેલી તેમજ ક્વેરી આવી હોય એવી લેબોરેટરીની નામ સહિતની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *