અમેરિકામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ નફરતનો મામલો સામે આવ્યો છે. સિયાટલમાં દિવાળી ઉજવી રહેલા ભારતીયોના કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકો પહોંચી ગયા. તેમના હાથમાં કેટલાક પોસ્ટર હતા, જેના પર લખ્યું હતું—‘તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢી મુકો’ અને ‘હિન્દુઓ ખ્રિસ્તીઓનું સ્થાન લઈ રહ્યા છે.’ ટ્રમ્પ સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર પાછળ ભારતીયોનો હાથ છે. જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના નારાબાજી કરતા જોઈને ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો અને તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યા. આ ઘટનાને લઈને ભારતીય મૂળનાં અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દિવાળી એક મહત્વપૂર્ણ તહેવાર છે. હિન્દુ સમુદાયને કોઈપણ ભય વિના પોતાનો તહેવાર ઉજવવાનો અધિકાર છે. અમારા શહેર અને દેશમાં નફરત ફેલાવતી આવી હરકતો માટે કોઈ સ્થાન નથી. ઘટના સાથે જોડાયેલી 2 તસવીરો… હિન્દુઓ પર ડેમોક્રેટ્સને જીતાડવાનો આરોપ લગાવ્યો ભારતીયો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારાઓમાંથી એકની ઓળખ જૅક લૅંગ તરીકે થઈ છે. તે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સમર્થક છે. કાર્યક્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ જૅક લૅંગે હિન્દુઓ પર જ આરોપો લગાવવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે હિન્દુઓએ ટેક્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવામાં મદદ કરી છે. લૅંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે દિવાળી કાર્યક્રમમાં એન્ટિફા અને હિન્દુ સમુદાયના ડઝનબંધ લોકોએ તેના અને તેના સાથીઓ પર હુમલો કર્યો. તેણે દાવો કર્યો કે લોકોએ તેની સાથે મારપીટ કરી અને તેનો ધ્વજ તોડી નાખ્યો. કાર્યક્રમની બહાર તેણે કહ્યું કે તેઓ અમેરિકાના ટેક્સાસ અને વોશિંગ્ટનમાં ખ્રિસ્તીઓની જગ્યાએ હિન્દુઓના વધતા પ્રભાવના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. હિન્દુ સંગઠને અન્ય કાર્યક્રમો માટે એલર્ટ જારી કર્યું ઉત્તર અમેરિકાના હિન્દુઓના સંગઠન ‘કોઅલિશન ઑફ હિન્દુઝ ઑફ નોર્થ અમેરિકા’ (CoHNA)એ પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંગઠન મુજબ, જેક લૅંગ અને થોમસ એલન નામના બે પ્રદર્શનકારીઓ તે સમયે કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યારે ત્યાં બાળકો પ્રસ્તુતિ આપી રહ્યા હતા. સંગઠને જણાવ્યું કે બંનેના હાથમાં હિન્દુઓ અને ભારતીયો વિરુદ્ધ નારા લખેલાં પોસ્ટર હતાં. સંગઠને સિએટલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હિન્દુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે પ્રદર્શનકારીઓએ અન્ય દિવાળી કાર્યક્રમોમાં પણ પહોંચીને વિરોધ કરવાની વાત કહી છે. ભારતીયો વિરુદ્ધ નારાબાજી કરનાર જેક લૅંગ કોણ છે? જેક લૅંગ અમેરિકાનો જમણેરી એક્ટિવિસ્ટ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સમર્થક છે. તે ‘વ્હાઇટ રિપ્લેસમેન્ટ’ નામનું સંગઠન ચલાવે છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ જ્યારે ટ્રમ્પ સમર્થકોએ અમેરિકી સંસદ ભવન કૅપિટલ હિલ પર હુમલો કર્યો હતો, ત્યારે જેક લૅંગ પણ તેમામાં સામેલ હતો. આ કેસમાં તેના પર પોલીસકર્મીઓ સાથે મારપીટ સહિતના અનેક આરોપો લાગ્યા હતા. તે લગભગ ચાર વર્ષ જેલમાં રહ્યો. જાન્યુઆરી 2025માં ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેને માફી આપી હતી. આ પછી પણ તે પ્રવાસીઓ, મુસ્લિમો અને અન્ય સમુદાયો વિરુદ્ધના અનેક વિરોધ પ્રદર્શનોમાં સામેલ રહ્યો છે. 2026માં તેણે ફ્લોરિડાથી રિપબ્લિકન પાર્ટીની ટિકિટ પર અમેરિકી સેનેટની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ————————– આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભારતીયો સાથે દિવાળી ઉજવી: ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવ્યો, હનુમાન ચાલીસા ભેટમાં આપવામાં આવી; ‘જુગ જુગ જીઓ’ના આશીર્વાદ મળ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવી. આ દરમિયાન તેમણે ભારતીય મૂળના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવ્યો. આ પ્રસંગે તેમને હનુમાન ચાલીસાની એક નકલ પણ ભેટ આપવામાં આવી. આ પ્રસંગે તેમના વહીવટીતંત્રમાં સામેલ ભારતીય મૂળના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓના CEO હાજર રહ્યા. સમારોહમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને જાણીતા શેફ વિકાસ ખન્ના પણ સામેલ થયા. સંપૂર્ણ સમાચાર વાંચો…
'તમામ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકો':ટ્રમ્પ સમર્થકે મિડટર્મ ચૂંટણીમાં હારનો બળાપો કાઢ્યો, દિવાળી કાર્યક્રમમાં હિન્દુઓ વિરુદ્ધ નારાબાજી કરી
📅 Published: November 8, 2026 |
📂 Category: International
