વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો આ વર્ષે પણ સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઊઠશે. આ મેળો ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, કલા અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ ત્રીજી ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાઓ 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. તેમાં લોકગીત, ભજન, દુહા-છંદ, લોકનૃત્ય, પરંપરાગત વાદન, હસ્તકલા અને વેશભૂષા સહિતની વિવિધ કલાઓનો સંગમ જોવા મળશે. ગ્રામ્ય કલાકારોને પોતાની આગવી કલા-કૌશલ્ય રજૂ કરવાની અનોખી તક મળશે. તરણેતરના મેળાને સાંસ્કૃતિક સ્વરૂપ આપવા માટે આ સ્પર્ધાઓ ત્રીજી વખત યોજાઈ રહી છે. રાવણહથ્થો, શરણાઈ, ડાક-ડમરુથી રાસ-હુડા અને છત્રી સજાવટ જેવી લુપ્ત થઈ રહેલી લોકકલાઓને જીવંત રાખવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ખાસ પ્રયાસ કરી રહ્યું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં પેઢીઓથી સચવાયેલી કલાઓને યોગ્ય મંચ આપવાનો, કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અને વિસરાતી જતી લોકકળાઓનું જતન કરવાનો છે. ગુજરાત સરકાર લોકકળા અને યુવા પ્રતિભાના સંવર્ધન માટે વિવિધ સ્પર્ધાઓ, તાલીમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. આ સ્પર્ધાઓ દ્વારા ગ્રામ્ય કલાકારોને રાજ્ય સરકારના સાંસ્કૃતિક મંચ સાથે જોડવામાં આવે છે. કલાકારોને રજૂઆત માટેનું મંચ, સ્પર્ધાત્મક તક, સન્માન અને પુરસ્કાર ઉપરાંત મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરવાની તક આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ગત વર્ષોની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ પરંપરાગત ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાઈ છે. ગત વર્ષે 550થી 600 જેટલી એન્ટ્રીઓ મળી હતી. આ વર્ષે મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને કારણે અંદાજે 700થી 800 જેટલી એન્ટ્રીઓ મળવાની સંભાવના છે. આ વર્ષે કુલ 25 સ્પર્ધાઓ યોજાશે. તેમાંથી 23 સ્પર્ધાઓ મુખ્ય સાંસ્કૃતિક સ્ટેજ પર થશે. ‘શ્રેષ્ઠ ખેલૈયા’ અને ‘બેસ્ટ રાવટી’ સ્પર્ધાઓનું મૂલ્યાંકન નિર્ણાયકો દ્વારા મેળાના સ્થળે રૂબરૂ જઈને કરવામાં આવશે. વિજેતાઓને સરકાર તરફથી શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
તરણેતરના મેળામાં જામશે લોકકળાનો મહારંગ:25 પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઝળકશે સુરેન્દ્રનગરની ગ્રામ્ય પ્રતિભા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
