તહેવારોની સિઝનમાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે બહાર રેસ્ટોરન્ટ્સમાં જમવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. શાહીબાગ ઘેવર સર્કલ નજીક આવેલી ‘હોકો ઈટરી’ નામક રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા 2 યુવકોના ભોજનમાંથી મચ્છર નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકોનું ધ્યાન દોરતાં મેનેજરે જવાબદારી સ્વીકારવાને બદલે ‘આ તો રેસ્ટોરન્ટમાંથી ઊડીને આવ્યું હશે’ તેવો ઉડાઉ બચાવ કર્યો હતો, જેના પગલે ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. છોલે-ભટુરેના ઓર્ડરમાં ઉપર જ મચ્છર દેખાતાં વિવાદ થયો
શાહીબાગ વિસ્તારમાં રહેતા 2 સ્થાનિક યુવકો ઘેવર પાસે આવેલી હોકો ઈટરીમાં જમવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેનુમાંથી છોલે ભટુરે અને વેજિટેબલ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. વેઇટર દ્વારા સૌપ્રથમ છોલે-ભટુરેની ડિશ પીરસવામાં આવી હતી, જેમાં પીરસાયેલા છોલે અને ભટુરેના ભાગ પર ઉપરની સાઇડ જ સ્પષ્ટપણે મચ્છર પડેલું નજરે પડ્યું હતું. ગ્રાહકે તાત્કાલિક સમગ્ર બાબતની ગંભીરતા સમજી પોતાના મોબાઇલ ફોનમાં ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડ કરી લીધા હતા અને ત્યારબાદ રેસ્ટોરન્ટના મેનેજર સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. મેનેજરે ભૂલ સ્વીકારવાને બદલે ઊડીને આવ્યું હોવાનો બચાવ કર્યો
રેસ્ટોરન્ટના મેનેજર અબ્બાસભાઈએ ગ્રાહક સમક્ષ પોતાની ભૂલ કે કિચનની અસ્વચ્છતા સ્વીકારવાને બદલે એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે રસોડામાંથી કે જમવામાં મચ્છર નથી આવ્યું, પરંતુ હોલમાં આસપાસ મચ્છર ઊડતાં હોવાથી તે ઊડીને ભટુરે પર બેસી ગયું હશે. સંચાલકોના આવા બેજવાબદાર અને ઉદ્ધત વલણથી રોષે ભરાયેલા યુવકે અન્ય ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્રના દ્વાર ખખડાવ્યા હતા. ગ્રાહકે AMCના વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધી તપાસ માંગી
જાગૃત ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે તાત્કાલિક પગલાં ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર પુરાવા સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે થતી ગંભીર બેદરકારી સામે મનપાના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા હોકો ઈટરીમાં આકસ્મિક દરોડા પાડીને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવે તેમજ કડક દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
તહેવારમાં બહારનું ખાતા પહેલા ચેતજો!:શાહીબાગમાં હોકો ઇટરીમાં ભટુરેમાંથી મચ્છર નીકળ્યા, મેનેજરે કહ્યું- રેસ્ટોરન્ટમાંથી ઉડીને આવ્યા હશે
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
