મહારાષ્ટ્રના 33 વર્ષીય સાગર સુંદર પુજારી સાથે તાઇવાનમાં નોકરી અપાવવાના બહાને રૂ.5.71 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ‘વિક્ટોરીયા વિઝન’ નામની કંપનીના નામે શ્રેયાંન્શી જોષી અને સોલિસિટર તરીકે ઓળખ આપનાર વિનીત શાહ દ્વારા તાઇવાનમાં વર્ક પરમિટ વિઝા, નોકરી તથા ARC (એલિયન્સ રેસિડેન્સ સર્ટિફિકેટ) અપાવવાની ખાતરી આપવામાં આવી હતી. ઓનલાઈન રૂ.21 હજાર પ્રોસેસિંગ ફી તથા રૂ.5.50 લાખના ચેક મેળવી કુલ રૂ.5.71 લાખ લીધા બાદ તેને નોકરી તો અપાઈ જ નહીં, પરંતુ બનાવટી વિઝા આપી તાઇવાનમાં ગેરકાયદે રીતે રોકાવા માટે મજબૂર કર્યો હતો. માર્ચ 2026 દરમિયાન સાગર અને તેમની પત્નીએ ઓનલાઈન નોકરીની શોધખોળ કરતાં ‘વિક્ટોરીયા વિઝન’ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમની પત્નીએ શ્રેયાંન્શી જોષી સાથે વાતચીત કરી હતી. શ્રેયાંન્શી જોષીએ વડોદરાના ન્યુ VIP રોડ પર બાલાજી વિંગ બેંકર હોસ્પિટલ નજીક તેમની ઓફિસ હોવાનું જણાવી તાઇવાનમાં વર્ક પરમિટ વિઝા અને નોકરી અપાવવાની સાથે ARC કઢાવી આપવાની ખાતરી આપી હતી. પૈસા લીધા બાદ નોકરી નક્કી થઈ ગઈ હોવાનું કહી 11 જૂન 2026ના રોજ ફરિયાદીને મુંબઈથી બેંગકોક મોકલવામાં આવ્યો હતો. ત્યાં ત્રણ-ચાર દિવસ રોકાવા જણાવ્યું હતું. તાઇવાનમાં પ્રવેશ માટે ઓસ્ટ્રેલિયાનો વિઝા જરૂરી હોવાનું કહીને ઓનલાઈન ઓસ્ટ્રેલિયન વિઝાની પ્રક્રિયા કરાવી ઈ-મેઇલ મારફતે વિઝા મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તાઇવાન માટે 14 દિવસનો ROC વિઝા મોકલવામાં આવ્યો હતો. ફરિયાદી 30 જૂને બેંગકોકથી તાઇવાન પહોંચ્યો હતો અને તાઇપેઈ શહેરની ટ્વીન સ્ટાર હોટલમાં રોકાયો હતો. તાઇવાન પહોંચ્યા બાદ શ્રેયાંન્શી જોષીએ એક-બે દિવસમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. જોકે, નોકરી ન મળતા ફરિયાદીએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. વિઝાની મુદત પૂરી થતી હોવાની જાણ કરતા કંપનીએ વિઝા એક્સટેન્ડ કરવાની પ્રક્રિયા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 21 જુલાઈના રોજ વોટ્સએપ મારફતે 60 દિવસનું ROC મોકલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, બાદમાં આ ROC બનાવટી હોવાનું તાઇવાન ઇમિગ્રેશનની કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું હતું. 60 દિવસનો સમય પૂરો થયા બાદ પણ નોકરી આપવામાં આવી ન હતી અને વધુ સમય રોકાવા માટે વારંવાર ખાતરી આપવામાં આવતી હતી. ત્યારબાદ શ્રેયાંન્શી જોષી દ્વારા પૈસા પરત નહીં આપે અને ‘ઇન્ડિયા આવીને બતાવ’ તેવી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. બાદમાં હોટલ બુકિંગ અને જમવાની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી હતી. આખરે 28 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11:45 વાગ્યે યુવકે તાઇવાનના તાવ્યાન એરપોર્ટ ખાતે સરેન્ડર કર્યું હતું. ઇમિગ્રેશન અધિકારીઓએ પૂછપરછ માટે તેને ઇન્ટરોગેશન રૂમમાં લઈ જતાં 60 દિવસનું ROC બનાવટી હોવાનું સામે આવ્યું હતું. યુવક માત્ર 14 દિવસ કાયદેસર રીતે તાઇવાનમાં રહી શક્યો હતો, જ્યારે બાકીના દિવસો ગેરકાયદે રોકાણ ગણાતા તાઇવાન સત્તાવાળાઓ દ્વારા 40 હજાર તાઇવાન ડોલરનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ત્રણ વર્ષ સુધી તાઇવાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવક પોતાના ખર્ચે તાઇવાનથી હોંગકોંગ અને ત્યાંથી મુંબઈ પરત ફર્યો હતો.
તાઇવાનમાં નોકરી અપાવવાના બહાને મહારાષ્ટ્રના યુવક પાસેથી 5.71 લાખ પડાવ્યા:બે શખ્સોએ વર્ક પરમિટ અને નોકરી અપાવવાની લાલચ આપી, બનાવટી વિઝા આપી તાઇવાનમાં 77 દિવસ ગેરકાયદે રાખ્યો
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
