“રામ રાખે તેને કોણ ચાખે” આ કહેવત તાલાલાની મારુતિનંદન હોસ્પિટલમાં સાચી સાબિત થઈ છે. જ્યારે જીવન કટોકટીમાં હોય ત્યારે તબીબોની અથાગ મહેનત અને ઈશ્વરકૃપાથી ચમત્કારો સર્જાતા હોય છે. આવો જ એક અદભુત કિસ્સો તાલાલામાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મંડોર ગામના આશાબેન પરેશભાઈ ગોહિલના ઘરે સાતમા મહિને જન્મેલા અતિ નાજુક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટનાથી બાળકના માતા-પિતા તેમજ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અગાઉ બે ગર્ભપાતનો કડવો અનુભવ
હોસ્પિટલના ગાયનેક મહિલા તબીબ ડૉ. અંજના બાલાજીના જણાવ્યા મુજબ, દર્દી આશાબેનને અગાઉ બહારની હોસ્પિટલની સારવાર દરમિયાન પાંચમા મહિને બે વખત ગર્ભપાત થઈ ગયો હતો, જેથી તેમને સંતાન સુખ મળ્યું ન હતું. આ વખતે દર્દીને મારુતિનંદન હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી હતી. બ્લડ પ્રેશર (BP)ની તકલીફ હોવા છતાં ગર્ભમાં સાત મહિના સુધી બાળકનો વિકાસ કરવામાં આવ્યો, જેના કારણે અધૂરા મહિને જન્મ હોવા છતાં બાળકને શ્વાસની ગંભીર તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો. છઠ્ઠા દિવસે અચાનક થંભી ગયા બાળકના ધબકારા
જન્મના છઠ્ઠા દિવસે બાળકને અપ્નિયાની તકલીફ થતા અચાનક તેના ધબકારા થંભી ગયા હતા. ફરજ પર હાજર બાળરોગ નિષ્ણાત ડૉ. પરાગ નિમાવત અને હોસ્પિટલની ટીમે તાત્કાલિક ધોરણે બાળકને ઇન્ટ્યુબેશન કરી કૃત્રિમ શ્વાસ આપ્યો અને CPR દ્વારા ધબકારા શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા. સામાન્ય રીતે 30 મિનિટ સુધી પ્રયત્ન કરવા છતાં ધબકારા પાછા ન આવે તો દર્દીને મૃત જાહેર કરવામાં આવતા હોય છે. પરંતુ, હોસ્પિટલની ટીમે હાર ન માનતા આશરે સવા કલાક (1 કલાક અને 15 મિનિટ) સુધી સતત CPR ચાલુ રાખ્યું હતું. એડ્રેનાલિન ઇન્જેક્શન અને ભારે જહેમત રંગ લાવી
CPRની પ્રક્રિયા દરમિયાન એડ્રેનાલિન અને અન્ય જરૂરી ઇન્જેક્શન આપી તબીબોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેના પરિણામે અચાનક જ બાળકના ધબકારા ફરી શરૂ થઈ ગયા હતા. ધબકારા શરૂ થવાની સાથે જ બાળકનું ઓક્સિજન સ્તર 30 ટકામાંથી વધીને 92 ટકા પર પહોંચી ગયું હતું. મેડિકલ જગતમાં ભાગ્યે જ કોઈએ આ પ્રકારનો અદભુત કિસ્સો જોયો કે સાંભળ્યો હશે. તાલાલાની અન્ય હોસ્પિટલના ડૉ. ગોહિલ (જે દર્દીના સગા થાય છે) પણ આ ચમત્કાર રૂપી દ્રશ્ય પોતાની નજરે નિહાળ્યું હતું. વાલીઓ અને તબીબોમાં આનંદની લાગણી
આ પડકારજનક પરિસ્થિતિમાં બાળકની સઘન સારવાર થકી તેનો જીવ બચી જતા બાળકના માતા-પિતાએ ઈશ્વર તેમજ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.
તાલાલામાં 7 મહિને જન્મેલા બાળકને સવા કલાક CPR આપી બચાવાયું:જન્મના છઠ્ઠા દિવસે જ ધબકારા થંભી ગયા, ડોક્ટરોની મહેનત સાથે ઈન્જેક્શનનો ચમત્કાર
📅 Published: October 27, 2026 |
📂 Category: gujarati-news
