જે સાપને પાકિસ્તાને દૂધ પીવડાવીને મોટો કર્યો, એ જ સાપ આજે પાકિસ્તાન આર્મીને ભરખી રહ્યો છે. અફઘાનિસ્તાન પર હુમલા પછી પાકિસ્તાનના 5 હજારથી વધુ સૈનિકોને રાતોરાત અફઘાનિસ્તાન બોર્ડર પરની પોસ્ટ છોડીને જીવ બચાવવાનો વારો આવ્યો છે. દુનિયાની છઠ્ઠા નંબરની સૌથી મોટી આર્મી પાકિસ્તાનને શીખાઉ તાલિબાને ઘૂંટણિયે પાડી દીધી છે. પણ કેવી રીતે અને આ આખો મામલો શું છે? કેવી રીતે પાકિસ્તાન આતંકવાદ વચ્ચે સેન્ડવિચ બન્યું છે? ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર… આખા મામલાની સ્ટાર્ટિંગ થાય છે પહેલી ઓક્ટોબરથી. પાકિસ્તાની ફાયટર જેટ્સ અફઘાનિસ્તાનની હદમાં ઘૂસ્યા હતા. એના પછી અફઘાનિસ્તાનના કુનાર અને હેલમંડ વિસ્તારોમાં પાકિસ્તાને બોમ્બમારો કર્યો. અફઘાનિસ્તાના કારણે મુલ્લા મુનીરનો પરસેવા છૂટ્યો આ કાંડ પછી પાકિસ્તાન આર્મીએ દાવો કર્યો કે અમે 22 આતંકીઓને પતાવી દીધા છે. પણ અહીં જ પાકિસ્તાન ભૂલ ખાઈ ગયું. કારણ કે યુનાઈટેડ નેશન્સ અને અફઘાનિસ્તાન સરકારના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ પાકિસ્તાનીઓએ આતંકવાદીઓને નહીં પણ 10 નિર્દોષ લોકોનો ભોગ લઈ લીધો છે. આમાં નાના બાળકો પણ હતાં. આ ઘટનામાં બળતામાં ઘી હોમવાનું કામ અફઘાનિસ્તાન સરકારની કામગીરીએ કર્યું. જેના કારણે પાકિસ્તાની આર્મીના ચીફ જનરલ આસિમ મુનીરના પરસેવા છૂટી ગયા છે. પાક.ના 5 હજાર સૈનિકો ઉભી પૂંછડીએ ભાગ્યા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2,640 કિલોમીટરની વિવાદિત ડ્યુરન્ડ લાઈન નામની સરહદ આવેલી છે. તેની નજીક પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા નામનો વિસ્તાર આવેલો છે. અફઘાનિસ્તાનના વળતા જવાબમાં અહીંના ફ્રન્ટિયર અને વઝીરિસ્તાની લગભગ 30 પોસ્ટ છોડીને પાકિસ્તાનના 5 હજાર સૈનિકોને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું છે. ઈન્ટરનેશનલ મીડિયાના દાવાઓ મુજબ પાકિસ્તાની સૈનિકો પોતાનો જીવ બચાવીને પેશાવર અને બીજી સુરક્ષિત જગ્યાઓ પર નાસી છૂટ્યા છે. આ સાંભળીને આપણને થાય કે, “ભાઈ તાલિબાન તો પાકિસ્તાનની જ કઠપૂતળી છે ને? તો પછી બે ઈસ્લામિક ભાઈઓ કેમ બાખડી પડ્યા?” પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ શા માટે? અફઘાન તાલિબાન અને TTP અલગ-અલગ સંગઠનો છે, પરંતુ બંને વચ્ચે વૈચારિક અને ઐતિહાસિક સંબંધો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા બાદ TTPને ત્યાં વધુ સુરક્ષિત ઠેકાણા મળી ગયા છે. જોકે, અફઘાન તાલિબાન સરકાર આ આરોપને ફગાવી દે છે અને કહે છે કે પાકિસ્તાનની સુરક્ષા સમસ્યાઓ માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. તાલિબાન સત્તામાં આવતા પાક.માં પેંડા વહેંચાયા તો અહીં સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવે છે. તમે ઓગસ્ટ 2021નો સમય યાદ કરો. ત્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું અને તેના પછી તાલિબાનીઓએ કાબૂલ પર કબજો કરી લીધો હતો. તાલિબાન સરકારમાં આવતા પાકિસ્તાનના મંત્રીઓના ઘરમાં પેંડા વહેંચાયા હતા. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના પૂર્વ હેડ ફૈઝ હમીદ કાબુલની ફાઈવ સ્ટાર હોટલમાં બેસીને હસતા મોઢે ચાની ચૂસ્કીઓ લેતા ફોટોમાં નજરે પડ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે જે આતંકી ગ્રુપ તાલિબાનને પાકિસ્તાને તાકાત આપી તે અફઘાનિસ્તાનમાં સત્તા પર બેઠી તેના લીધે પાકિસ્તાનને મોજ પડી ગઈ હતી. તાલિબાનને મદદ કરવા પાછળ પાક.ની શું મંશા હતી? પણ પાકિસ્તાનીઓએ અહીં બહુ મોટી ભૂલ કરી દીધી. તેમને લાગતું હતું કે અફઘાનિસ્તાનમાં પોતાના તાલિબાનોને સત્તા પર બેસાડવામાં આવશે. પછી તે ભારત સામે તાલિબાનનો ઉપયોગ કરી શકશે. સાવ સાદી રીતે સમજીએ તો માની લો કે ભારત સાથે ક્યારેય પાકિસ્તાનનું યુદ્ધ થઈ જાય તો પાકિસ્તાનની સેનાને સંતાવા માટે અથવા તો વોર ઓપરેટ કરવા માટે અફઘાનિસ્તાનનું મોકળું મેદાન મળી શકે. પણ પાકિસ્તાનના કમનસીબ કે એવું થઈ ન શક્યું. પાકે. અબજોની બોર્ડર બનાવી, તાલિબાને ટ્રેક્ટર ફેરવ્યા પાકિસ્તાને પોતાની સરહદ સાચવવા માટે જે અબજો રૂપિયા નાખીને કાંટાળી વાડ બનાવી હતી, તેના પર તાલિબાનોએ સત્તામાં આવતાની સાથે જ ટ્રેક્ટર ફેરવી દીધા. સરહદની હાલત એવી છે કે જ્યાં ક્યારેક પાકિસ્તાનનો કાયદો ચાલતો હતો, ત્યાં આ ખાલી પડેલી 30 ચોકીઓ પર લોકલ આદિવાસીઓની પંચાયત એટલે કે લોયા જિરગા શાસન કરશે. એવું કહીએ કે ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની બંદૂકોની ધાક ખતમ થઈ ગઈ છે તો એ પણ અતિશયોક્તિ ન કહી શકાય. પણ એક સવાલ થાય કે તાલિબાન પાસે એવી તો કઈ તાકત આવી ગઈ કે પાકિસ્તાન આર્મીને પાણી ભરતા કરી દીધા? તો આ સવાલનો જવાબ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં નહીં પણ અમેરિકામાં છૂપાયેલો છે. અમેરિકી હથિયારોના જોરે ઉડતું તાલિબાન જ્યારે 2021માં અમેરિકાની આર્મીએ હડબડીમાં અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે ઉતાવળમાં અબજો ડોલરના એડવાન્સ હથિયારો અને લશ્કરી સાધનો ત્યાં જ મૂકીને જતા રહ્યા હતા. આજે એ જ અમેરિકન હથિયારો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને અફઘાન તાલિબાનના હાથમાં છે એવા દાવા છે. અને આ જ હથિયારોએ આખી ગેમ બદલી નાખી છે. કેવી રીતે? તો ચાલો ડેટાથી જ સમજીએ. પાકિસ્તાનનું કાળ બન્યું PSRL-1 લોન્ચર અત્યારે પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો બન્યું છે અમેરિકાની બનાવટનું PSRL-1 લોન્ચર. આ એવું ખતરનાક હથિયાર છે જે ખભા પર રાખીને ફોડવામાં આવે છે. અફઘાની લડવૈયાઓ આ જ લોન્ચરને ઉપયોગ કરીને સીધા પાકિસ્તાન આર્મીના બંકરો અને આર્મ્ડ વેહિકલ્સ ઉડાવી રહ્યા છે. આ રોકેટ લોન્ચર પાકિસ્તાની સૈનિકો માટે કાળ સાબિત થયું છે. અમાસના અંધારામાં પણ તાલિબાની હેડશોટ આટલું જ નહીં ઈન્ટરનેશનલ રિપોર્ટ્સનું કહેવું છે કે તાલિબાની સૈનિકો પાસે હવે થર્મલ સ્નાઈપર સ્કોપ અને નાઈટ વિઝન ગોગલ્સ પણ આવી ગયા છે. અમાસના ગમે એવા અંધારામાં પાકિસ્તાની સૈનિક બોર્ડર પાસે છૂપાયો હશે તો તાલિબાનીઓ થર્મલ સ્કોપ અને સ્નાઈપરથી તેને મોતને ઘાટ ઉતારી દે છે. જૂની AK-47ની જગ્યાએ હવે અફઘાન લડવૈયાઓના હાથમાં અમેરિકાની M4 અને M16 એસોલ્ટ રાઈફલ્સ છે. આનો ટારગેટ એકદમ પર્ફેક્ટ હોય છે અને શોટની રેન્જ પણ વધારે હોય છે. આ જ બધી વાતોને ધ્યાનમાં લઈને બ્રિટનની ફેમસ રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટના પૂર્વ લશ્કરી અધિકારી એન્ડ્રુ ફોક્સે કહ્યું હતું કે, “કાગળ પર ભલે પાકિસ્તાની સેના સંખ્યાબળ અને શસ્ત્રોમાં મજબૂત દેખાતી હોય, પરંતુ જમીની સ્તર પર હિન્દુકુશના પહાડોમાં અફઘાન લડવૈયાઓનો કોઈ મુકાબલો નથી.” ગ્લોબલ ટેરિરિઝમ મુજબ પાક.માં વધતો આતંકવાદ પણ જો તમને એવું લાગતું હોય કે આ બધુ ખાલી સરહદ પૂરતું સિમિત છે તો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સનો ડેટા પણ ચોંકાવી જાય છે. સતત છઠ્ઠા વર્ષે પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 2026ના એક જ વર્ષમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં 1,045 જેટલા આતંકી હુમલા થયા અને 1,139 લોકોના મોત થયા! આમાંથી એકલા TTP એ જ 637 લોકોનો ભોગ લીધો, જેમાં મોટાભાગના પાકિસ્તાની લશ્કરી કે પોલીસ જવાનો હતા. મુનીરે અનેક ઓપરેશન ચલાવ્યા પણ મેળ ન પડ્યો પાકિસ્તાન સરકારે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભૂતકાળમાં ઓપરેશન અલ-મિઝાન, ઝર્બ-એ-અઝબ અને હાલમાં જનરલ મુનીરની લીડરશીપમાં નવું ઓપરેશે અઝમ-એ-ઈસ્તેહકામ શરું કર્યું છે. છતાં પાકિસ્તાનને કોઈ પરિણામ નથી મળી રહ્યું. કેમ? કારણ કે આતંકીઓ હવે પાકિસ્તાન પર હુમલો કરીને આરામથી ડ્યુરન્ડ લાઈન પાર કરી અફઘાનિસ્તાનમાં જતા રહે છે. પાક.-અફઘાન ડખાથી આપણે શું લેવાદેવા? તો સવાલ થાય કે આ બધુ તો પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં ચાલે છે. આનાથી આપણે શું લેવાદેવા? તો અહીં જ પડદા પાછળની આખી ગેમ સામે આવે છે. જ્યારે 2021માં તાલિબાનીઓ સત્તા પર આવ્યા તે પહેલાનો પાકિસ્તાનનો સૌથી મોટો પ્લાન એ હતો કે અફઘાનિસ્તાનમાંથી ભારતનું પત્તું કાયમ માટે કટ થઈ જાય. પાકિસ્તાનને હતું કે અમે કહીંશું એ કાબુલની સરકાર કામ કરશે. પણ અહીં પાકિસ્તાન મોટી ભૂલ કરી ગયું. અને ભારતે સ્માર્ટ રીતે ડિપ્લોમસીથી ગેમ પલટાવી દીધી. તાલિબાનથી દૂરી રાખી ભારતની અફઘાની પ્રજાને મદદ જ્યારે અફઘાનિસ્તાનની પ્રજાને તકલીફ પડી ત્યારે ભારત તેમની માટે આગળ આવ્યું છે. હાં એક વસ્તુ અહીં નોટ કરવા જેવી એ છે કે ભારતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે તો દૂરી બનાવી જ રાખી. કારણ કે તાલિબાન સાથે હાથ મિલાવવો એટલે આપણા હાથ આતંકવાદના લોહીથી ગંદા કરવા. ભારતે શરત વિના ઘઉં, જીવન જરૂરી દવા અને અનેક વસ્તુઓ અફઘાનિસ્તાન મોકલી. જેના લીધે અફઘાનીઓ આજે પાકિસ્તાનને દુશ્મન અને ભારતને દોસ્ત સમજે છે. પાકિસ્તાને તાલિબાનને બ્લેકમેલ કર્યું પણ ધાર્યું ન થયું પાકિસ્તાન પાસે અફઘાનિસ્તાનને કન્ટ્રોલ કરવા માટેનું સૌથી મોટું હથિયાર વેપાર હતું. અફઘાનિસ્તાન ચારેબાજુથી જમીનથી ઘેરાયેલો એટલે કે લેન્ડલોક દેશ છે. જેના કારણે દરિયાથી વેપાર કરવાની વાત આવે ત્યારે અફઘાનિસ્તાનને પાકિસ્તાનના કરાચી પોર્ટના ભરોસે રહેવું પડે છે. પાકિસ્તાને તાલિબાનને બ્લેકમેલ કરવા માટે પોતાની વેપારી બોર્ડર બંધ કરી દીધી. તેમને એમ લાગ્યું કે અફઘાનિસ્તાનની જનતા ભૂખે મરશે તો તાલિબાન આપમેળે ઘૂંટણિયે આવી જશે. ‘તમતમારે વેપારી રસ્તો બંધ કરો, અમે લડી લઈશું’ પણ સામે બાજુથી અફઘાને એવો તમાચો માર્યો કે તેનો અવાજ આખી દુનિયામાં સંભળાયો. ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટ બનાવવાની શરૂઆત કરી હતી. અત્યારે આ મુદ્દો અરબ પટ્ટાના યુદ્ધના કારણે ડામાડોળ છે પણ ત્યારે તાલિબાને પાકિસ્તાનને કહી દીધું હતું કે તમારે તમારો રસ્તો બંધ રાખવો હોય તો રાખો અમે ઈરાનથી વેપાર કરી લેશું. જનરલ મુનીર ચારેબાજુથી ઘેરાયા હવે આ આખી જીઓપોલિટિકલ ગેમમાં પાકિસ્તાન આજે સેન્ડવિચ બનીને રહી ગયું છે. પશ્ચિમમાં અફઘાન તાલિબાન અને ટીટીપી પાકિસ્તાની આર્મીને ધડાધડ મારી રહ્યા છે. તો દક્ષિણ-પશ્ચિમમાં પોતાનું જ બલૂચિસ્તાન સળગી રહ્યું છે, જ્યાં બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાની સૈનિકોના મમરા ભરી રહ્યું છે. ટ્રેન હાઈજેક કરે છે, બ્લાસ્ટ કરાવે છે, આત્મઘાતી હુમલા કરાવે છે. અને પૂર્વમાં તો ભારત બેઠું જ છે. જેના કારણે મુલ્લા મુનીરની આર્મી ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે. રૂપિયાના વરસાદ કરી ચીન પાકિસ્તાનમાં ભરાયું પાકિસ્તાન આજે પોતાના જ તાલિબાન નામના ખોદેલા ખાડામાં એ હદે ઘૂસી ગયું છે કે હવે બહાર નીકળી શકે એમ જ નથી. ચીનનો સીપેક પ્રોજેક્ટ હોય કે બેલ્ટ એન્ડ ઈનિશિયેટિવ, આતંકવાદના કારણે ડબ્બા ગુલ થઈ રહ્યા છે. જો પાકિસ્તાનની સેના આમ જ 30-30 બોર્ડર પોસ્ટ છોડીને જીવ બચાવીને ભાગતી રહેશે તો એ દિવસ બહુ દૂર નહીં હોય જ્યારે પાકિસ્તાનના નકશાની ભૂગોળ જ કાયમી બદલાય જાય. અને છેલ્લે… ચીન પાકિસ્તાનમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ અને સીપેક કોરિડોર પર કામ કરી રહ્યું છે. પાકિસ્તાન પર ભરોસો મૂકતા તો મૂકાઇ ગયો, પણ હવે એ જ પાકિસ્તાનનો આતંકવાદ ચીનના વિકાસને શિંગડા ભરાવી રહ્યો છે. એટલે આ બન્ને દેશ બરાબરના ભેરવાયા છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
તાલિબાનોએ પાકિસ્તાનમાં હાહાકાર મચાવ્યો:સરહદ પરથી 5 હજાર સૈનિકોને ઉભી પૂંછડીએ ભગાડ્યા, 30 ચોકીઓ પર કબજો કરી લેતાં મુનીરની આબરુના ધજાગરા
📅 Published: October 5, 2026 |
📂 Category: International
