તેરા તુજકો અર્પણ:રાજકોટ ગ્રામ્ય પોલીસે બે વ્યાજખોરો પાસેથી 90 અરજદારની 1 કરોડથી વધુ કિંમતની વસ્તુઓ પરત અપાવી

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા બે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી અરજદારોને પોતાની વસ્તુ પરત અપાવી છે. જેમાં પોલીસે વાસાવડના વ્યાજખોર બંધુ પાસેથી સોના-ચાંદીના દાગીના, જમીન- મકાન-પ્લોટના દસ્તાવેજ, આરસી બુક, કોરા ચેક સહીત 1 કરોડ 5 લાખ 79 હજાર 450 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી 90 અરજદારોને પરત અપાવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં રહેતા લલિત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારીયાએ વાસાવડના વ્યાજખોર બે ભાઈઓ સોહીલ રફીક ઉર્ફે બાબુ સલાટ અને તેના ભાઈ ઈરફાન સામે વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં 44,000 રૂપિયા 3% વ્યાજે લીધા બાદ 22,000 રકમ ભરપાઈ કરી હતી તે પછી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતા પોતે વ્યાજ નહીં ભરી શકતા બંને ભાઈઓ પઠાણી ઉઘરાણી કરી ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાની જાણ થતા એક બાદ એક ભોગબનનાર લોકો પોલીસનો સંપર્ક કરતા કુલ 90 લોકોએ સુલતાનપુર પોલીસ આવી વ્યાજખોરો અંગે પોતે કેવી રીતે શિકાર બન્યા તેની હકીકત જણાવી હતી. આ પછી આરોપી દ્વારા તમામ અરજદારોની વસ્તુઓ પરત અપાવવા માટે સહમતી દાખવતા આજરોજ તમામ 90 અરજદારોને પોતાની વસ્તુ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં સુલતાનપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી પરત કરવામાં આવી હતી. પોલીસે આજ રોજ વ્યાજખોર બેલડી પાસેથી કબ્જે કરેલા 27,48,450 રૂપિયાના 180.65 ગ્રામ સોનાના દાગીના, 49.31 લાખના 19 કિલો 724 ગ્રામ ચાંદીના દાગીના, 29 લાખના જમીન, મકાન, પ્લોટના દસ્તાવેજ તેમજ આરસી બુક અને 6 કોરા ચેક સહીત 1 કરોડ 5 લાખ 79 હજાર 450 રૂપિયાની વસ્તુઓ પરત અપાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *