દરિયામાં ગેરકાયદે લાઇટ ફિશિંગનો પર્દાફાશ:સોમનાથ મરીન પોલીસે 5 બોટ પકડી, 40-50 LED લાઇટના ઝુમખા મળ્યા

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં અનધિકૃત અને ગેરકાયદેસર રીતે માછીમારી કરતા બોટ સંચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જુનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના બાદ સોમનાથ મરીન પોલીસ અને SOGની ટીમે વેરાવળના ઝાલેશ્વર દરિયાઈ વિસ્તારમાં બોટ ચેકિંગ હાથ ધરી પાંચ બોટને ઝડપી પાડી છે. પાંચેય બોટમાં મોટા પ્રમાણમાં LED લાઇટના ઝુમખા લગાવીને ‘લાઇટ ફિશિંગ’ કરવામાં આવતું હોવાનું પોલીસને મળી આવ્યું હતું. સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. વસાવા, SOGના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. રાયજાદા અને PSI એસ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ SOG તથા સોમનાથ મરીન પોલીસની સંયુક્ત ટીમ ઈન્ટરસેપ્ટર બોટ મારફતે દરિયામાં પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન જાલેશ્વર દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ રીતે માછીમારી કરતી બોટોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન IND-GJ-32-MO-5944 ‘મા કી દુવા’, IND-GJ-32-MO-6694 ‘સિકન્દરી-2’, IND-GJ-32-MO-5838 ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’, IND-GJ-32-MO-8172 અને IND-GJ-32-MO-6016 ‘સમા-6’ નામની પાંચ બોટમાં 40થી 50 જેટલા LED લાઇટના ઝુમખા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ લાઇટોનો ઉપયોગ કરીને દરિયામાં અનધિકૃત રીતે માછીમારી કરવામાં આવી રહી હતી. પાંચેય બોટને કબજે કરી વેરાવળ કોસ્ટ ગાર્ડ જેટી ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો/સુધારા-2020 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 હેઠળ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં પાંચ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે પાંચ બોટના માલિક/સંચાલકો તરીકે અહેમદભાઈ અબુભાઈ લુચાણી, ઓસમાણભાઈ આમદભાઈ લુચાણી, જુસબભાઈ સુલેમાનભાઈ રાડીયા, ગુલામભાઈ કાસમભાઈ લુચાણી અને ગુલામહુસેનભાઈ ઓસ્માણભાઈ રાડીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી દરિયામાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે લાઇટ ફિશિંગ કરતા માછીમારોમાં ફફડાટ ફેલાયો છે. દરિયાઈ પર્યાવરણ અને મત્સ્ય સંપદાના સંરક્ષણ માટે અનધિકૃત માછીમારી સામે પોલીસ અને મત્સ્ય વિભાગની કાર્યવાહી વધુ કડક બને તેવી શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *