દાણીલીમડા વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકી ટ્યુશનથી ઘરે આવતી હતી. ત્યારે શખ્સે બાળકીનો પીછો કરી તેની સામે બિભત્સ ચેનચાળા કર્યા હતા. રાત્રે બનેલી આ ઘટના અંગે બાળકીએ પરિવારને જાણ કરતાં પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં શખ્સની કરતૂતો કેદ થઈ ગઈ હતી. પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને પીછો કરી નજીક જવાનો પ્રયાસ કર્યો
દાણીલીમડામાં રહેતા અને સ્ક્રેપનો વ્યવસાય કરતા પિતાની 7 વર્ષની પુત્રી ધોરણ-1માં અભ્યાસ કરે છે. ગત 17 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે સગીરા સોસાયટીમાં જ આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. રાત્રે આશરે 8 વાગ્યે તે ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક અજાણ્યા શખ્સે તેનો પીછો શરૂ કર્યો હતો. બાદમાં શખ્સે સગીરા સામે બિભત્સ ચેનચાળા કર્યા હતા. અને સગીરા લિફ્ટમાં પ્રવેશી ત્યારે પણ તે પાછળ લિફ્ટ સુધી પહોંચી ગયો હતો. બાળકીએ સમયસૂચકતા વાપરી લિફ્ટનો દરવાજો તુરંત બંધ કરી દીધો હતો અને ઘરે પહોંચી પિતાને સમગ્ર આપવીતી જણાવી હતી. સીસીટીવીના આધારે આરોપીની ઓળખ
પિતાએ રેસિડેન્સીના પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર તથા લિફ્ટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં સામે આવેલા જીન્સના કારખાનામાં સ્ટીમ પ્રેસનું કામ કરતો બિલાલ અલીહુસેન શેખ બાળકીનો પીછો કરતો અને બિભત્સ હરકત કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. ઘટના બાદ આરોપી કારખાનેથી ગાયબ થઈ ગયો હતો. બીજા દિવસે શખ્સ નજરે પડતાં પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.
દાણીલીમડામાં 7 વર્ષની બાળકી સામે યુવકના બિભત્સ ચેનચાળા:ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરાનો પીછો કર્યો, પિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
