સુરત શહેરમાં લાલગેટ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બે જાણીતા ચર્ચમાં ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. ગત 14 સપ્ટેમ્બરે ચોક ચાર રસ્તા પાસે આવેલા CNI ક્રાઈસ્ટ ચર્ચમાં પાછળની બારીમાંથી પ્રવેશી, મેઈન ઓફિસનું તાળું તોડી 36 હજાર રોકડા અને મ્યુઝિક સિસ્ટમ મળી 46 હજારની ચોરી થઈ હતી. ત્યારબાદ 23મી સપ્ટેમ્બરે અઠવાલાઇન્સના ‘અવર લેડી ઓફ માઉન્ટ કારમેલ ચર્ચ’માંથી પણ 40 હજારની રોકડ ચોરાઈ હતી. આ અજાણ્યો ચોર ચર્ચમાં પ્રાર્થના કરવાના બહાને જઈ દાનપેટીમાં દાન નાખી રેકી કરતો હતો અને બાદમાં રાત્રિના અંધારામાં તિજોરીઓ સાફ કરતો હતો. CCTV ફૂટેજ બન્યા મહત્વના, ગુનાનો ભેદ ઉકેલાયો
ધાર્મિક સ્થાનો પર થયેલી આ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા સુરત શહેર ‘ક્રાઈમ બ્રાન્ચ’ સક્રિય થઈ હતી. પોલીસે બંને ચર્ચ અને આસપાસના વિસ્તારોના અનેક CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસ્યા હતા. સીસીટીવીમાં એક શંકાસ્પદ શખ્સની હિલચાલ કેદ થઈ હતી. આ ફૂટેજના આધારે અને હ્યુમન સોર્સીસની ચોક્કસ બાતમીને જોડીને મોબાઈલ ચોરી સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવીમાં દેખાતા શખ્સનું પગેરું પોલીસે છેક પાલિયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટી સુધી શોધી કાઢ્યું હતું, જેના આધારે ગુનેગારની ચોક્કસ ઓળખ છતી થઈ હતી. મધ્યપ્રદેશના રીઢા ગુનેગારની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે ગુનાને અંજામ આપનાર આરોપી અનિલ જલિયા પારગી (ઉ.વ.27) ને પોલીસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે, પાલિયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટી ખાતેથી દબોચી લીધો હતો. મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ડુંડકા પંચકુઈનો વતની અને હાલ જીલાની બ્રિજ નીચે રહેતો અનિલ એક રીઢો ગુનેગાર છે. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે રાત્રે તાપી નદીના પાળા પર ચાલતો આવી ચર્ચની પાછળની બારી ખોલી અંદર પ્રવેશ કરતો હતો. તેણે બંને ચર્ચમાં ચોરી કર્યાની સ્પષ્ટ કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે. રોકડ અને સાધનો સહિત 85 હજારનો મુદ્દામાલ જપ્ત
આરોપીની ધરપકડની સાથે જ પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી અનિલ પાસેથી MUSIMAX કંપનીનું મલ્ટીમીડિયા સ્પીકર, 54,500 રૂપિયાની રોકડ રકમ, એક સીલિંગ ફેન અને 20 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આ ઉપરાંત ચોરી કરવા માટે તાળા તોડવામાં ઉપયોગમાં લેવામાં આવતી એક હથોડી અને બે પાના (ટૂલ્સ) પણ મળી આવ્યા છે. આમ, કુલ 85,500 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના ચર્ચમાં થતી ચોરીઓના સિલસિલાનો અંત આણ્યો છે.
દાન કરવાના બહાને રેકી કરી ચર્ચમાં કરતો ચોરી:અઠવાલાઇન્સના ચર્ચમાં થયેલી ચોરીનો ભેદ CCTVથી ઉકેલાયો, મધ્યપ્રદેશનો રીઢો ચોર ઝડપાયો
📅 Published: September 26, 2026 |
📂 Category: gujarati-news
