સંસ્કારી નગરી વડોદરામાં અંડરવર્લ્ડ સિન્ડિકેટના ભયાનક પગપેસારાથી ઔદ્યોગિક આલમમાં ભૂકંપ સર્જાયો છે. કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગના સક્રિય સાગરીત મહેન્દ્ર ડેલાણા દ્વારા વડોદરાના કેમિકલ ઉદ્યોગપતિને થોડા દિવસ અગાઉ વૉટ્સએપ ઓડિયો કૉલ અને મેસેજ મોકલી રૂા.10 કરોડની માતબર ખંડણીની માગણી કરવામાં આવી છે. ગેંગસ્ટર દ્વારા અપાયેલી લોહી થીજવી દેતી તમામ ચાર ઓડિયો ક્લિપ્સ સંદેશને મળી છે. બીજી તરફ, ગેંગસ્ટરને પોલીસની જરા પણ ધાક ન હોય તેમ દિલ્હીમાં ખંડણીમાં રૂપિયા લેવા ગયેલો સાગરીત 4 કરોડના હેરોઈન સાથે પકડાયા બાદ ઉશ્કેરાયેલા ગેંગસ્ટર તરફથી ઉદ્યોગપતિને ધમકી અપાઈ હતી.
વડોદરાથી દેશ-વિદેશમાં કેમિકલનો બિઝનેસ કરતા ઉદ્યોગપતિનો વેપાર લગભગ છેલ્લાં દોઢ-બે વર્ષમાં મોટો થયો છે. તેમનું બિઝનેસ નેટવર્ક દુબઈ સહિતના વિદેશી બજારો સુધી વિસ્તરેલું હોવાથી તેઓ અંડરવર્લ્ડ સિન્ડિકેટના રડાર પર આવ્યા હોવાની શંકા છે. થોડા દિવસ અગાઉ રોહિત ગોદારા ગેંગે ઉદ્યોગપતિને ધમકાવી ટોકન પેટે 10 લાખ મગાવ્યા હતા. દિલ્હીમાં આ રકમ લેવા પહોંચેલા ગેંગના સાગરીતને પોલીસે 4 કરોડના હેરોઇન સાથે દબોચી લીધો હતો. સાથીદાર જેલમાં ધકેલાતાં અને કરોડોનું ડ્રગ્સ જપ્ત થતાં પિત્તો ગુમાવેલા ગોદારા ગેંગના મહેન્દ્ર ડેલાણાએ ઉદ્યોગપતિને ઉપરા-ઉપરી ધમકીભરી ઓડિયો ક્લિપ્સ મોકલીને આતંક મચાવ્યો હતો. ઓડિયો ક્લિપ્સમાં ડેલાણા બીભત્સ ગાળાગાળી કરીને લલકારતો સંભળાય છે. બેખૌફ મહેન્દ્રએ 1 મિનિટ 48 સેકેન્ડ કરેલી વાતચીતમાં ધમકી આપી હતી કે, મારી વાત સાંભળ તું…જો એ ભાઈ પર કોઈ તકલીફ્ આવી કે એના પર કેસ થયો, તો તું એવું ન વિચારતો કે તારા પરિવારમાં કોઈ નાનું બાળક પણ જીવતું બચશે. તારા ઘરમાં રહેલી સ્ત્ર્રીઓને પણ નહીં છોડીએ, એમને પણ મારી નાખીશું, જો તું પૈસા ન આપત તો કદાચ તને જીવતો છોડી પણ દેત, પણ હવે નહીં છોડીએ. જો તું જીવવા માગતો હોય અને તારા પરિવારને બચાવવા માગતો હોય, તો પેલા છોકરાને છોડાવી દેજે. જો એના પર કોઈ કેસ થયો, તો તારી હાલત ખરાબ કરી નાખીશ. તારા ઘરમાં બંકર બનાવીને રહીશ તો પણ નહીં છોડું. ઉલ્લેખનિય છે કે, ગેંગસ્ટરે પોલીસ પાસે જવાની સ્થિતિમાં 10 કરોડના બદલે 20 કરોડ પડાવવાની ખૂલ્લી ચેતવણી ઉચ્ચારી હોવાથી સમગ્ર કેસની ગુપ્ત તપાસ ચાલી રહી છે.
