રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી દિવસ દરમિયાન રૂ.7.95 લાખની ચોરીના ગુનાનો રાજકોટ ગ્રામ્ય LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સના આધારે ‘ઘાંટવડિયા ગેંગ’ના ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.8.17 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હજુ પણ એક ફરાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોવિયા-કંટોલિયા રોડ પર આવેલી વાડીમાં રહેતા નનેશભાઈ માવી અને તેમનો પરિવાર 11 ઓગસ્ટના રોજ સવારે ખેતીકામ માટે અન્ય વાડીએ ગયો હતો અને સાંજે પરત ફર્યા ત્યારે ઘરમાં ઘઉં ભરવાની કોઠીના તાળાના મીજાગરા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તપાસ કરતા કોઠીમાં રાખેલા રૂ.3 લાખ રોકડા તથા રૂ.4.95 લાખની કિંમતના ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ તપાસમાં ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચાર શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર CCTV કેમેરામાં જોવા મળી હતી. પોલીસે અગાઉ દિવસ દરમિયાન વાડી-ખેતરોમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અંગે માહિતી એકત્ર કરતાં ઘાંટવડિયા ગેંગ સક્રિય હોવાની માહિતી મળી હતી. જેના આધારે ગોંડલ-ગુંદાળા ચોકડી નજીક ઝૂંપડામાં રહેતા શંકાસ્પદોની તપાસ દરમિયાન તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ હ્યુમન સોર્સના આધારે ભુણાવા ગામના પાટિયા પાસેથી આરોપી લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને તેની પત્ની નિશા વિજયભાઈ રાઠોડને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીઓ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ ઘાંટવડ ગમના વતની હોવાનું સામે આવ્યું છે જ્યારે રૂપસંગ રાઠોડ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગેંગના સભ્યો દિવસ દરમિયાન પગપાળા ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા અને બંધ ખેતર-વાડીના મકાનોની રેકી કરતા હતા જેમાં તક મળતાંની સાથે મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ તથા દાગીના ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે ચાંદીના વાઘ, બે કમરપટ્ટા, ચાંદીની સાંકળી-માળા, બાવડાના જેલા, બંગડીઓ, પગના સાંકળા તથા કાંડાના મઠીયા સહિત ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.8,17,250નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. જયારે ફરાર આરોપી રૂપસંગ રાઠોડની શોધખોળ સાથે ગેંગ દ્વારા અન્ય કોઈ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દિવસ દરમ્યાન વાડીમાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ, ‘ઘાંટવડિયા ગેંગ’ના 3 ઝડપાયા:ગોંડલમાં રૂ.7.95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.8.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
