દિવાળીના તહેવારોમાં ગઢડા શહેરમાં ગંભીર ટ્રાફિક જામ:બોટાદ રોડથી મોટા પુલ સુધી વાહનોની કતારો; ગોપીનાથજી અને BAPS મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ગ્રાહકો અને દર્શનાર્થીઓની ભારે ભીડ જામતાં ટ્રાફિકની મુશ્કેલી સર્જાઈ હતી. પ્રસિદ્ધ ગોપીનાથજી દેવ મંદિર તેમજ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા. મંદિરોમાં દર્શનાર્થીઓની અવિરત ચહલપહલના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની ભારે ગીચતા જોવા મળી હતી, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. બોટાદ રોડથી મોટા પુલ સુધી કતારો
તહેવારના દિવસોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં બોટાદ રોડથી લઈને હાઈસ્કૂલ ચાર રસ્તા અને મોટા પુલ સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. રસ્તાઓ પર વાહનો થંભી જતાં સ્થાનિક વેપારીઓ તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓના વાહનોના ધસારાને કારણે મુખ્ય બજારોમાંથી પસાર થતાં નાના-મોટા તમામ વાહનો ગોકળગાય ગતિએ આગળ વધતા નજરે પડ્યા હતા. પોલીસ કાફલાએ ટ્રાફિક હળવો કરાવ્યો
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ હેરમા સહિત પોલીસ જવાનોનો કાફલો તાત્કાલિક રોડ પર ઊતરી આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ મુખ્ય ચોકડીઓ અને માર્ગો પર તૈનાત થઈને વાહનોની અવરજવરનું નિયમન કરવાનું શરૂ કર્યું હતું. તંત્રની સતત કામગીરી અને ચોક્કસ આયોજનના આધારે રસ્તા પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવીને ટ્રાફિક હળવો કરાયો હતો, જેથી દર્શનાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને વધુ મુશ્કેલી ન પડે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *