દિવાળીની ખરીદી માટે પાટણના બજારોમાં ભીડ:કાપડ, ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ અને મીઠાઈની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો

📅 Published: November 6, 2026 | 📂 Category: gujarati-news

પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતાં જ સ્થાનિક બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ધનતેરસ અને દિવાળીના પર્વને ધ્યાને રાખી લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે, જેના કારણે કાપડ, ઈલેક્ટ્રોનિક્સ, ફૂટવેર અને મીઠાઈ સહિતના તમામ વેપાર ક્ષેત્રે જોરદાર તેજી નોંધાઈ છે. પાટણ શહેર તેમજ જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં દિવાળી પર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ધનતેરસ અને દિવાળીના આગમનને પગલે લોકો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવા માટે બજારોમાં પહોંચી રહ્યા છે. જિલ્લાના મુખ્ય વ્યાપારી મથકો ઉપરાંત નાના કસબાઓ અને ગ્રામીણ વિસ્તારોના બજારોમાં પણ ખરીદી માટે લોકોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. તહેવારોની અંતિમ ઘડીની ખરીદી બાકી ન રહી જાય તે માટે સવારથી મોડી રાત સુધી બજારો ધમધમી રહ્યા છે. ખાસ કરીને રેડીમેડ ગારમેન્ટ્સ, ફૂટવેર, ઘરગથ્થુ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, સુશોભનની સામગ્રી તેમજ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર લાંબા સમય બાદ બજારમાં આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો નીકળતા તમામ ક્ષેત્રના વેપારીઓમાં સારો એવો આર્થિક સળવળાટ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં પણ આ ઘરાકી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટણ સુદામા ચોકડી પાસે આવેલ દુકાન ફૂટવેર ધ વોલ્ક લેબના માલિક નરેશ ભાઈ ચૌધરી એ જણાવ્યું હવે ફૂટવેરમાં ખરીદી નો માહોલ જામ્યો છે જેમ જેમ દીવલી નજીક આવશે એમ ગ્રાહકો વધશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *