દિવાળી એટલે દીવડા, રંગોળી અને ફટાકડાની રોશનીનો તહેવાર. જોકે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે એક અનોખી પરંપરા જોવા મળે છે. અહીં છેલ્લા આશરે 50 વર્ષથી દિવાળીની રાત્રે ‘ઈંગોરિયાનું યુદ્ધ’ રમવામાં આવે છે. દિવાળીની રાત્રે સાવર અને કુંડલા એમ બે જૂથમાં વહેંચાયેલા યુવાનો સામસામે સળગતા ઈંગોરિયા અને કોકડા ફેંકીને આ પરંપરાગત રમત રમે છે. આ અનોખી રમતને નિહાળવા દર વર્ષે સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. દિવાળી નજીક આવતાં જ શહેરના યુવાનો અને કારીગરો એકાદ મહિના અગાઉથી જ હજારો ઈંગોરિયા અને કોકડા તૈયાર કરવામાં લાગી ગયા છે. સાવરકુંડલાની આગવી ઓળખ બની 50 વર્ષ જૂની પરંપરા
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સાવરકુંડલામાં ઈંગોરિયાની રમત આશરે પાંચ દાયકાથી રમાય છે. વર્ષો પહેલાં સાવર અને કુંડલા એમ બે જૂથમાં વહેંચાયેલા યુવાનો દિવાળીની રાત્રે સામસામે સળગતા ઈંગોરિયા ફેંકીને આ રમત રમતા હતા. રાત્રે આશરે 11 વાગ્યાથી શરૂ થતી આ રમત મધરાત સુધી ચાલે છે. દિવાળીની રાત્રે સામાન્ય રીતે ફટાકડાની આતશબાજી જોવા મળે છે, પરંતુ સાવરકુંડલામાં આ પરંપરાગત રમત આકર્ષણનું કેન્દ્ર બને છે. આ રમત હવે શહેરની આગવી ઓળખ બની ગઈ છે.
શું છે ઈંગોરિયું અને કેવી રીતે તૈયાર થાય છે?
ઈંગોરિયું એક પ્રકારનું ફળ છે, જેનો આકાર ચીકુ જેવો હોય છે. અગાઉ આ ફળને સૂકવીને તેનો ઉપયોગ પરંપરાગત રમતમાં કરવામાં આવતો હતો. જોકે, સમય જતાં ઈંગોરિયાનાં વૃક્ષો ઘટતાં તેની ઉપલબ્ધતા પણ ઓછી થઈ છે. પરિણામે હવે ઈંગોરિયાના વિકલ્પ તરીકે કાગળનાં પૂઠાંમાંથી તૈયાર કરવામાં આવતાં કોકડાનો ઉપયોગ વધી રહ્યો છે. આ રમત માટે જરૂરી સામગ્રી તૈયાર કરવામાં કારીગરોને ખાસ મહેનત કરવી પડે છે. કારીગર તુષાર મકવાણાએ જણાવ્યું હતું કે, તેઓ ઈંગોરિયા અને કોકડા બંને તૈયાર કરે છે. આ માટે દિવાળીના એક મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. આ ઈંગોરિયા 8 થી 10 રૂપિયાની કિંમતે વેંચાય છે. દિવાળીની રાત્રે 7000થી વધુ ઈંગોરિયાનું વેચાણ થાય છે.
ઈંગોરિયાની અછતને કારણે કોકડાનો ઉપયોગ વધ્યો
ઈંગોરિયાનાં વૃક્ષો લુપ્ત થવાને કારણે હવે પરંપરાગત ફળ સરળતાથી મળતું નથી. આથી કારીગરો દ્વારા કાગળનાં પૂઠાંમાંથી કોકડા તૈયાર કરવામાં આવે છે. વેપારી પ્રકાશભાઈ ગેડિયાના જણાવ્યા મુજબ, કોકડા તૈયાર કરવા માટે કોલસા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામગ્રીની પ્રક્રિયા બાદ તેને તૈયાર કરવામાં ઘણી મજૂરી લાગે છે. સાવરકુંડલામાં દિવાળીના આશરે બે મહિના પહેલાંથી જ આ કામ શરૂ થઈ જાય છે અને શહેરનાં અનેક ઘરોમાં તેની તૈયારીઓ જોવા મળે છે. ગુજરાતનાં અન્ય શહેરોમાંથી પણ કોકડાની માગ
વેપારી પ્રકાશભાઈ ગેડિયાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલાની દિવાળી આખા ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે. છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી આ રમતમાં અગાઉ તેમના વડીલો પણ ભાગ લેતા હતા અને હવે નવી પેઢી પણ આ પરંપરા જાળવી રહી છે. સાવરકુંડલામાંથી તૈયાર કરાયેલા કોકડાની માગ અમદાવાદ, સુરત, મુંબઈ સહિતનાં શહેરોમાંથી પણ આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે અમરેલી જિલ્લામાં પણ આ પ્રકારની રમત શરૂ થઈ છે. દિવાળીની રાત્રે સાવરકુંડલા બનશે આકર્ષણનું કેન્દ્ર
દિવાળીની રાત્રે સાવર અને કુંડલા જૂથ વચ્ચે રમાતી આ રમત નિહાળવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સામસામે સળગતા ઈંગોરિયા અને કોકડા ફેંકાતાં આગના ઝબકારા સાથે અનોખો માહોલ સર્જાય છે. આ પરંપરા સાવરકુંડલાના સાંસ્કૃતિક જીવનનો વિશિષ્ટ હિસ્સો બની ગઈ છે. જોકે, આગ અને દારૂખાનાના ઉપયોગને કારણે આ રમતમાં જોખમ પણ રહેલું છે. તેથી પરંપરાની ઉજવણી દરમિયાન સુરક્ષાનાં પગલાં અને સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે.
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાશે ‘ઈંગોરિયાનું યુદ્ધ’:એક મહિનાથી તૈયારીઓ, બે જૂથના યુવાનો એકબીજા પર સળગતા ઈંગોરિયા અને ફટાકડા ફેંકી રમશે 50 વર્ષ જૂની પરંપરાગત રમત
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
