દિવાળીને લઈને સુરત પોલીસનું મોટું એલર્ટ:10 સુરક્ષા સૂત્રોની ગાઈડલાઈન જાહેર, દિવાળી દરમિયાન કરોડો રૂપિયાના હીરા, રૂપિયા અને દાગીના માટે સતત થશે પેટ્રોલિંગ

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

આગામી દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા વેપાર-ધંધા સુરક્ષિત વાતાવરણમાં ચાલે તે હેતુથી સુરત શહેર પોલીસ સેક્ટર-1 દ્વારા એક મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનિબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે અધિક પોલીસ કમિશનર (સેક્ટર-1) ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના અગ્રણી જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો, બેંક અધિકારીઓ તથા ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તહેવારોમાં પૈસાની લેવડ-દેવડ વધતી હોવાથી સાવચેતી જરૂરી
બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં કરોડો રૂપિયાના સોના-ચાંદી, હીરા તેમજ રોકડ રકમની મોટા પાયે હેરફેર થતી હોય છે. આવા સમયે અસામાજિક તત્વો કે ગુનેગારો દ્વારા છેતરપિંડી કે લૂંટ જેવા ગુનાઓ આચરવામાં ન આવે તે માટે વેપારીઓએ આગોતરી તકેદારી રાખવી અનિવાર્ય છે. પોલીસે તમામ ઉપસ્થિત વેપારીઓને સલામતીના પગલાંઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. પોલીસ દ્વારા જાહેર કરાયેલા 10 મહત્વપૂર્ણ સુરક્ષા નિયમો કાર્યક્રમના અંતે વેપારીઓએ પોલીસ પ્રશાસનની આ સક્રિય પહેલને આવકારી હતી અને સુરક્ષા ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાની ખાતરી આપી હતી. આ સાથે વેપારીઓ દ્વારા પોલીસને અલગ અલગ સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જે અંગે પોલીસ અધિકારીઓ દ્વારા તેમના સૂચનોને લઈને કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. 10 લોકો મળશે તો પણ માર્ગદર્શન આપીશું
એડિશનલ કમિશનર બલરામ મીણાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા ભવિષ્યમાં સોસાયટીઓમાં જઈને સીધા લોકોને મળવા અને જાગૃતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે પોલીસના ઉત્સાહમાં કોઈ કમી નથી; જો 10 લોકો પણ મળશે, તો તેમને પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જો આ પ્રયાસોથી 10માંથી એક વ્યક્તિના મનમાં પણ સાચી સમજ બેસે અને કોઈ બનાવ કે ઘટના અટકી જાય, તો એ જ પોલીસ માટે સાચી સફળતા છે. તેમને ઉપસ્થિત લોકોને ખાતરી આપી હતી કે, પોલીસ વિભાગ અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય રીતે સંવેદનશીલ બનાવશે અને યોજનાબદ્ધ રીતે વધુમાં વધુ મેનપાવર ફીલ્ડ પર તૈનાત રાખશે. આ સાથે તેમણે નાગરિકો અને વેપારીઓને અપીલ કરી હતી કે કોઈપણ નાની શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક સમયસૂચકતા વાપરીને પોલીસને જાણ કરવી. ઘરથી લાંબા સમય બહાર રહેવાના હો તો વિશ્વસનીય પાડોશીને જાણ કરવી
વરાછા પીઆઇ એ. આર. વાળાએ નાગરિકોને બહારગામ જતી વખતે રાખવાની તકેદારીઓ વિશે માર્ગદર્શન આપતાં જણાવે છે કે સોશિયલ મીડિયા પર લાઈવ લોકેશન કે તસવીરો શેર કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી અજાણતા જ ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિને આમંત્રણ મળે છે. ઘરની બહાર જતી વખતે બારી-દરવાજા યોગ્ય રીતે લોક કરવા અને લાંબા સમય માટે જવાનું હોય તો માત્ર વિશ્વસનીય પડોશીઓ કે સંબંધીઓને જ જાણ કરવી. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી, પોલીસ પેટ્રોલિંગ વધારી શકે. ઘરમાં કિંમતી સામાન, રોકડ કે દાગીના બેંક લોકરમાં સુરક્ષિત રાખવા જોઈએ અને ઘરની ચાવી ગાદલા, ઓશિકા કે ડોરમેટ નીચે છુપાવવાની આદત ટાળવી જોઈએ. અજાણી વ્યક્તિના વિશ્વાસમાં આવીને વસ્તુઓ કે રોકડ ન આપવી
બીજા મુદ્દામાં તેઓ ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને સાવચેત રહેવા અપીલ કરે છે કે ડિલિવરી બોય કે અજાણ્યા વ્યક્તિઓ આવે ત્યારે દરવાજો સીધો ખોલવાને બદલે સુરક્ષિત રીતે વાતચીત કરવી. દિવાળી જેવા તહેવારોના સમયે ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓથી સાવધ રહેવું અને કોઈ અજાણી વ્યક્તિના વિશ્વાસમાં આવીને સોના-ચાંદીના દાગીના આપવા નહીં. વધુમાં, પોલીસ કે અન્ય બેંક કે સંસ્થાના નામે કોઈ વ્યક્તિ માહિતી કે દસ્તાવેજ માગે તો ખાતરી કર્યા વગર કશું આપવું નહીં અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક 112 નંબર પર કૉલ કરીને પોલીસને જાણ કરવી. લોકોએ ફરિયાદ બાદ કાર્યવાહીમાં પોલીસ પાસે અવાસ્તવિક આશા ન રાખવી
જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ પ્રતાપ જીરાએ રજૂઆત કરી હતી કે, જે પોલીસ સ્ટેશન તેમના ડિવિઝનમાં આવે છે, ત્યાંના PIને એવી વિનંતી કરવામાં આવે કે તેઓ દિવાળી સુધી તેમના ફોન ઉપાડે. તેઓ જણાવે છે કે તેમની પાસે ઘણીવાર રાત્રે કે અચાનક એવી ફરિયાદો અને સમસ્યાઓ આવે છે, જેના કારણે તાત્કાલિક ફોન કરવા પડતા હોય છે. ઘણીવાર પોલીસ અધિકારીઓ નાઈટ ડ્યુટી કરીને ગયા હોય કે વ્યસ્ત હોય અને નંબર સેવ ન હોવાથી ફોન ન ઉપડે ત્યારે તેઓ સીધા DCP ઝોન 1, 2 કે 4માં રજૂઆત કરવા પહોંચી જાય છે. આના કારણે અધિકારીઓને એવું પણ લાગે છે કે તેમને જાણ કર્યા વિના સીધા ઉચ્ચ સ્તરે પહોંચી ગયા, પરંતુ લોકો ધીરજ રાખ્યા વગર કે અરજી આપ્યા વગર સીધા કમિશનર સુધી પહોંચી જવાની ઉતાવળ કરતા હોય છે. વેપારીઓને પણ સમજાવે છે કે ચોરી કે ગુનાના કિસ્સામાં મુદ્દામાલ ઝડપથી પરત મેળવવા બાબતે પોલીસ પાસેથી અવાસ્તવિક આશા ન રાખવી જોઈએ, કારણ કે પોલીસ પણ પોતાની ક્ષમતા મુજબ સતત પ્રયાસ કરતી હોય છે. 1થી 6 તારીખ દરમિયાન પોલીસ પ્રોટેક્શન અને પેટ્રોલિંગ વધારવા વિનંતી કરી
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂટે જણાવ્યું હતું કે, સુરત શહેરના ડાયમંડ માર્કેટ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સુરક્ષા અંગે રજૂઆત કરી. સુરતમાં આવેલી અંદાજે ચાર મુખ્ય ડાયમંડ માર્કેટો અને ઉત્પાદન એકમો વચ્ચે 3થી 5 કિલોમીટર જેટલું અંતર હોવાથી માલ અને રોકડની અવરજવર વધુ રહે છે. ખાસ કરીને દિવાળીના તહેવાર નજીક કારીગરોના પગાર અને વેપાર સંબંધિત રોકડ તથા જોખમી કિંમતી સામાનની હેરફેર વધતી હોવાથી, 1થી 6 તારીખ દરમિયાન પોલીસ પ્રોટેક્શન અને પેટ્રોલિંગ વધારવા વિનંતી કરી. જેથી, લૂંટ કે ધાડ જેવા બનાવો અટકાવી શકાય. રસ્તા પર શંકાસ્પદ લોકો ઊભા રાખે તો ન રહેવું
મહિધરપુરા હીરા બજારની સ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે બજારમાં શાકભાજી અને ફ્રૂટની લારીઓ વધુ પ્રમાણમાં ઊભી રહે છે. હીરાના વેપારીઓ ખરીદી કરતી વખતે બેધ્યાન બને ત્યારે અસામાજિક તત્વો ખિસ્સાકાતરૂ બનીને કિંમતી સામાન ચોરી લેતા હોય છે. આથી દિવાળીના છેલ્લા 5-7 દિવસો દરમિયાન આ ભીડભાડવાળા માર્કેટ વિસ્તારમાંથી લારી-ગલ્લા દૂર રાખવા અંગે તેમણે અગાઉની ફરિયાદની જેમ કડક વ્યવસ્થા જાળવવા માગણી કરી. અંતમાં તેમણે તહેવારોના સમયે પોલીસ, આઈટી કે જીએસટી અધિકારીઓના નામે તપાસના બહાને વેપારીઓને રોકીને લૂંટ ચલાવતા લેભાગુ તત્વોથી સાવચેત રહેવા જણાવ્યું. પોલીસ કમિશનરની અગાઉ મળેલી સૂચના મુજબ, રસ્તા પર આવા કોઈ શંકાસ્પદ લોકો રોકે તો ઊભા ન રહેવું અને જરૂર જણાયે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. તેમણે સ્વીકાર્યું કે વેપારીઓએ પણ પોતાની સુરક્ષા બાબતે સજાગ રહેવું પડશે, જેથી પોલીસના સહયોગથી સૌની દિવાળી સુરક્ષિત અને શાંતિપૂર્ણ બની રહે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *