દિવાળી તહેવાર પુર્વે બજારમાં બ્લેડ ગેંગ સક્રિય!:કાલુપુરમાં થેલીમાં બ્લેડ મારી એજન્ટના રૂ. 2 લાખની ચોરી, રીક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી 1.70 લાખની રકમ ઉઠાવી ગયા

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના કાલુપુર ચોખા બજાર બસ સ્ટેન્ડ પાસે થેલીમાં બ્લેડ મારી એજન્ટના રોકડા રૂ. 2 લાખ લઈ તસ્કરો ફરાર થઇ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદનાં બજારોમાં ખરીદીની સાથે રોકડના વ્યવહારો પણ વધ્યા છે. માણેકચોક, કાલુપુર અને આંગડિયા પેઢીઓમાં લાખો-કરોડો રૂપિયાના વ્યવહારો વચ્ચે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ હથિયાર તરીકે બ્લેડનો ઉપયોગ કરે છે. ભીડભાડવાળી બસમાં ચડતી-ઉતરતી વખતે કે શટલરિક્ષામાં મુસાફરી દરમિયાન મુસાફરોના થેલા અને બેગમાં બ્લેડ મારી રોકડ સેરવી લેવામાં આવે છે. ભોગ બનનારને ચોરીની જાણ થાય ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ જાય છે. ભીડનો લાભ લઈ કોઈએ 2 લાખની રકમ ચોરી લીધી
થલતેજના સાગર બંગ્લોઝમાં રહેતા વિનોદ કંસારા કાલુપુર ચોખા બજારના કબૂતરખાના કોમ્પ્લેક્ષમાં મેક્સ કોર્પોરેશન નામની પેઢી ધરાવે છે. અહીં તેઓ ડિમાન્ડ ડ્રાફ્ટ અને બેન્કિંગ કામમાં કમિશન એજન્ટ તરીકે કામગીરી કરે છે. પેઢીના કામકાજ માટે તેમની પાસે મોટી રોકડ રકમ રહેતી હોય છે. કમરના થાપાના ભાગે ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ વાહન ચલાવી શકતા નથી અને ઓફિસ આવવા માટે એએમટીએસ બસનો ઉપયોગ કરે છે. તેઓ ઘરેથી કપડાની થેલીમાં રૂપિયા બે લાખ રોકડ મૂકીને સતાધારથી કાલુપુર જવા નીકળ્યા હતા. બાદ કાલુપુર ઊતરતી વખતે ભારે ભીડ હતી. આ દરમિયાન કોઈએ થેલો ખેંચ્યો હોય તેવો તેમને ભાસ થયો હતો. તપાસ કરતાં થેલો બ્લેડથી કપાયેલો જોવા મળ્યો અને અંદર રાખેલા બે લાખ રૂપિયા ગાયબ હતા. વેપારના કામ માટે લઈ જવાતી રોકડ રકમની ચોરી થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ અંગે તેમને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા તસ્કરે 1.70 લાખની રકમ ચોરી
બીજા બનાવમાં મેઘાણીનગરના જય ગાયત્રીનગરમાં રહેતાં 67 વર્ષીય સજનબા કિરીટસિંહ જાડેજા ગત 6 મે એ ગીતામંદિર એસટી સ્ટેન્ડથી સિવિલ હોસ્પિટલ જવા શટલરિક્ષામાં બેઠાં હતાં. રિક્ષામાં અગાઉથી ત્રણ શખ્સો બેઠા હતા. જગ્યા ઓછી હોવા છતાં ચાલકે જગ્યા કરી આપવાનું કહી તેમને બેસાડ્યાં હતાં. રિક્ષા સારંગપુર બ્રિજ પહોંચે ત્યાં સુધીમાં કોઈએ તેમના થેલામાં બ્લેડ મારી અંદર રાખેલા રૂ. 1.70 લાખ ચોરી લીધા હતા. ત્યારબાદ રિક્ષાચાલકે એક પેસેન્જરને ઉતારીને આવવાનું કહી વૃદ્ધાને સારંગપુર બ્રિજ પાસે ઉતારી દીધાં અને ભાડું લીધા વિના રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. થોડા સમય બાદ થેલો તપાસતાં નીચેના ભાગે કાપો જોવા મળ્યો અને રોકડ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *