દિવાળી પહેલાં કાપડ મોંઘું થશે:425 પ્રોસેસિંગ મિલોનું પ્રોડક્શન બજેટ ખોરવાયું, કોલસામાં 45-50%નો તોતિંગ ઉછાળો, જોબચાર્જમાં પ્રતિ મીટર ₹2 થી 3 વધારવાની તૈયારી

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

આગામી દિવાળીના તહેવારો પહેલાં સુરતના કાપડ ઉદ્યોગ પર મોંઘવારીનો મોટો માર પડવાની શક્યતા છે. મુખ્યત્વે ઇન્ડોનેશિયાથી આયાત થતા કોલસાના ભાવમાં સીધો 45 થી 50% સુધીનો તોતિંગ વધારો થયો છે. કાપડ રંગવા અને પ્રોસેસ કરવા માટે જરૂરી એવા કોલસા અને કેમિકલના ખર્ચમાં મોટો ઉછાળો આવતાં હવે પ્રોસેસિંગ મિલો પ્રતિ મીટર કાપડ પર ₹2 થી 3 જેટલો જોબચાર્જ વધારવાની ગણતરી કરી રહી છે. દિવાળીની સીઝન પૂર્વે જ પ્રોડક્શન કોસ્ટ વધી જતાં બજારમાં તૈયાર કાપડના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. કોલસાના ભાવમાં ટને ₹4,000 થી ₹6,000 સુધીનો વધારો
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસા દરમિયાન કોલસાના ભાવમાં સામાન્ય રીતે 10 થી 15%નો વધારો થતો હોય છે. જોકે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ અલગ-અલગ કેલરીફિક વેલ્યુ ધરાવતા કોલસાના ભાવમાં 45 થી 50% સુધીનો ઉછાળો આવ્યો છે. ગણતરી કરીએ તો પ્રતિ ટન કોલસા પાછળ ₹4,000, ₹5,000 થી ₹6,000 સુધીનો સીધો ખર્ચ વધ્યો છે. એક-દોઢ મહિના પહેલાં જે કોલસો ₹6,000માં મળતો હતો, તેનો ભાવ અત્યારે વધીને ₹8,500 થી ₹10,000 થઈ ગયો છે, જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળો કોલસો ₹12,000 થી ₹13,000 સુધી પહોંચ્યો છે. સુરતની 425 પ્રોસેસિંગ મિલોનું પ્રોડક્શન બજેટ ખોરવાયું
સુરતમાં અંદાજે 425 જેટલી ટેક્સટાઇલ પ્રોસેસિંગ મિલો કાર્યરત છે અને એક મિલમાં દૈનિક સરેરાશ 30 થી 50 ટન જેટલો કોલસો વપરાય છે. આટલા મોટા જથ્થામાં કોલસાની જરૂરિયાત હોવાથી ભાવવધારાની સીધી અસર મિલોના દૈનિક પ્રોડક્શન બજેટ પર પડી રહી છે. વરસાદના કારણે કોલસામાં 5 થી 15% જેટલો ભેજ અને પાણીનું વજન આવી જવાથી મિલ માલિકોને વજન અને ક્વોલિટી બંને રીતે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ક્રૂડ અને ડાઈઝ-કેમિકલ પણ મોંઘા થતાં બેવડો માર
કોલસા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધતાં કાપડ પ્રોસેસિંગમાં વપરાતા ડાઈઝ અને કેમિકલ્સના ભાવ પણ સતત વધી રહ્યા છે. કોલસા જેટલો નહિ પરંતુ કેમિકલ્સનો વધારો પણ પ્રોસેસિંગ કોસ્ટ વધારવા માટે જવાબદાર બન્યો છે. જીતુભાઈ વખારિયાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે દિવાળી પૂર્વે વેપાર-ઉદ્યોગમાં ખુશાલી અને તેજીનો માહોલ હોવો જોઈએ, પરંતુ વર્તમાન સ્થિતિમાં વધતા ખર્ચાઓ અને અનિશ્ચિતતાને પગલે ઉદ્યોગકારો ભારે ચિંતામાં મુકાયા છે. જોબચાર્જ નક્કી કરવા 27મીએ મહત્ત્વની બેઠક મળશે
પ્રોસેસિંગ મિલોને આર્થિક નુકસાનમાંથી બચાવવા અને દિવાળીની સીઝન ન બગડે તે માટે એસોસિએશન દ્વારા આગામી 27 તારીખે એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. ઉદ્યોગ સરળતાથી ટકી રહે તે માટે મિનિમમ કેટલો જોબચાર્જ વધારવો તે અંગે તમામ મિલ સંચાલકો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવાશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે પડતી મુશ્કેલીઓ અંગે ચોક્કસ ગણતરી કરી જરૂર પડ્યે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે. ઉદ્યોગ ટકાવી રાખવા નિર્ણય લેવો જરૂરી: જીતુભાઈ વખારિયા
જીતુભાઈ વખારિયા (પ્રમુખ, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન)એ જણાવ્યું હતું કે, ‘દર ચોમાસામાં કોલસાના ભાવ 10-15% વધતા હોય છે, પરંતુ આ વખતે સીઝનની શરૂઆતમાં જ ભાવ 45 થી 50% વધી ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ વધતાં ડાઈઝ-કેમિકલ પણ મોંઘા થયા છે. અત્યારે વેપારમાં દિવાળી જેવો તેજી અને ખુશાલીનો માહોલ હોવો જોઈએ તે નથી. સુરતના કાપડ ઉદ્યોગની દિવાળી ન બગડે અને મિલો સર્વાઇવ થઈ શકે તે માટે અમે 27 તારીખે બેઠક કરી મિનિમમ જોબચાર્જ વધારવા અંગે નિર્ણય લઈશું. જરૂર પડ્યે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *