દિવાળી વેકેશનમાં સુરતના સરથાણા નેચરપાર્ક હાઉસફુલ:5 દિવસમાં  78,000થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા, મનપાની તિજોરીમાં લાખોની આવક

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રજાઓમાં શહેરમાં રોકાતા પરિવારો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા નેચરપાર્કમાં જાણે ‘હાઉસફુલ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા પાંચ દિવસમાં જ હજારો મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લઈને પ્રકૃતિના સાંનિધ્યમાં નવરાશની પળો માણી છે, જેનાથી મનપાની તિજોરીમાં લાખો રૂપિયાની જંગી આવક પણ જમા થઈ છે. 9 દિવસમાં 90,537 મુલાકાતીઓએ મુલાકાત લીધી
મળતી માહિતી મુજબ, છેલ્લા પાંચ દિવસમાં કુલ 78,368 મુલાકાતીઓએ સરથાણા નેચરપાર્કની મુલાકાત લીધી છે, જેના થકી સુરત મનપાને કુલ રૂ. 22,64,520 ની માતબર આવક પ્રાપ્ત થઈ છે. જો દિવસવાર આંકડાઓ પર નજર કરીએ તો, તા. 9 નવેમ્બરે 16,004 મુલાકાતીઓ થકી રૂ. 4,72,020 ની આવક થઈ હતી. ત્યારબાદ તા. 10 નવેમ્બરે સૌથી વધુ 21,805 મુલાકાતીઓ ઉમટતા એક જ દિવસમાં રૂ. 6,39,820ની વિક્રમી આવક નોંધાઈ હતી. આ ભીડ ત્યારબાદ પણ યથાવત રહી હતી, જેમાં તા. 11 નવેમ્બરે 15,555 મુલાકાતીઓ સાથે રૂ. 4,48,360, તા. 12 નવેમ્બરે 13,515 મુલાકાતીઓ સાથે રૂ. 3,83,880 અને તા. 13 નવેમ્બરે 11,489 મુલાકાતીઓ સાથે રૂ. 3,20,440ની આવક મનપાને મળી છે. આ ઉપરાંત, દિવાળી વેકેશન શરૂ થયું ત્યારથી એટલે કે તા. 5 નવેમ્બરથી 13 નવેમ્બર સુધીના કુલ 9 દિવસમાં 90,537 મુલાકાતીઓએ મુલાકાત લઈ કુલ રૂ. 25,54,170ની આવક રળી આપી છે. યાદગાર સમય વિતાવવા માટે લોકોની પહેલી પસંદ
તહેવારોના આ દિવસોમાં સુરતમાં રોકાયેલા નાગરિકો તેમજ સુરત ઉપરાંત નવસારી, વલસાડ, બારડોલી અને ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સહેલાણીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. પરિવારજનો અને નાના બાળકો સાથે વિવિધ વન્યપ્રાણીઓ અને રંગબેરંગી પક્ષીઓ નિહાળવા તથા યાદગાર સમય વિતાવવા માટે લોકોની આ પહેલી પસંદ બની ગઈ છે. આમ, સરથાણા નેચરપાર્ક દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે રજાઓ માણવાનું સૌથી લોકપ્રિય અને મનપસંદ પ્રવાસન સ્થળ સાબિત થયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *