દિવાળી વેકેશન પહેલાં સુરત RTOની અરજદારોને મોટી રાહત:રવિવારે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયા, મોટી સંખ્યામાં અરજદારો ઉમટ્યા

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી કચેરીઓમાં રજાઓનો માહોલ શરૂ થઈ રહ્યો છે. તહેવારો દરમિયાન અરજદારોનાં કામ અટકી ન પડે અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ ન થાય તે હેતુથી સુરત RTO પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને રવિવારની સાપ્તાહિક રજા હોવા છતાં સુરત RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. 8થી 11 તારીખ સુધી કચેરી બંધ રહેશે
દિવાળીના તહેવાર નિમિત્તે આગામી 8થી 11 તારીખ સુધી સુરત RTO કચેરીમાં રજાઓ રહેશે. આ સમયગાળા દરમિયાન કચેરીનું કામકાજ બંધ રહેવાનું હોવાથી અગાઉથી ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ મેળવનારા અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા રવિવારે પણ ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટ લેવાયા
રવિવારે વહેલી સવારથી જ સુરત RTO ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવ્યા હતા. સવારથી બપોર સુધી મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટ આપવા પહોંચ્યા હતા. અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં નિયમ મુજબ તમામ અરજદારોની ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અરજદારોએ સંતોષ વ્યક્ત કરી નિર્ણયને આવકાર્યો
સામાન્ય રીતે રવિવારે સરકારી કચેરીઓ બંધ રહેતી હોય છે, પરંતુ સુરત RTO દ્વારા રવિવારે પણ કામગીરી ચાલુ રાખવાના નિર્ણયથી અરજદારોને મોટી રાહત મળી છે. જો આ દિવસે ટેસ્ટ લેવામાં ન આવ્યા હોત તો અરજદારોને દિવાળી બાદની લાંબી તારીખો મેળવવી પડત અને ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા હતી. RTOની આ વ્યવસ્થાને કારણે અરજદારોએ સંતોષ વ્યક્ત કરી તંત્રના નિર્ણયને આવકાર્યો હતો. કુલ 1232 અપોઇન્ટમેન્ટની વ્યવસ્થા કરાઈ
આ અંગે ARTO એન.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી મળેલી સૂચના મુજબ સુરત RTO ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શનિવાર અને રવિવાર જેવા જાહેર રજાના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની જેમ જ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને કુલ 1232 અપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન અરજદારોને બહારગામ જવાનું હોય ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટને લઈને કોઈ અગવડ ન પડે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે 364 અરજદારોએ ટેસ્ટ આપ્યો
ARTOના જણાવ્યા અનુસાર, શનિવારે કુલ 364 જેટલા અરજદારોએ એપોઇન્ટમેન્ટ બુક કરાવી ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો. જ્યારે રવિવારે પણ ટેસ્ટ ટ્રેક બંને શિફ્ટમાં કાર્યરત રાખવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાથી અરજદારોને સરળતાથી એપોઇન્ટમેન્ટ મેળવી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની તક મળી હતી. દિવાળીના વેકેશન પહેલાં RTO દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા વાહનચાલકો અને લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારો માટે રાહતરૂપ બની છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *