દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતની દિશામાં સરકારનું મોટું પગલું:મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિ રચાઈ; કેન્દ્રની નીતિ, અન્ય રાજ્યોની વ્યવસ્થા અને કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ થશે

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ મુદ્દે સર્વગ્રાહી અભ્યાસ કરવા 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. સમિતિના અભ્યાસ અને ભલામણ બાદ દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતની નીતિ અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્ય સચિવ અધ્યક્ષ, ચાર વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સભ્ય
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિમાં સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ઠરાવની સંપૂર્ણ કોપી વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો કેન્દ્રની સૂચનાઓ અને કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ
સમિતિ રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને બઢતીમાં અનામત આપવા અંગેની પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરશે. આ સાથે ભારત સરકારની સૂચનાઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓનો પણ સઘન અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય રાજ્ય સરકારો દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત કેવી રીતે આપે છે, તેમની નીતિ શું છે અને તેનો અમલ કઈ રીતે થાય છે, તેનો પણ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે. અનામતની ટકાવારી સહિતના મુદ્દે ભલામણ
સમિતિ ખાસ કરીને દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે કઈ નીતિ યોગ્ય રહેશે અને તેના અમલ માટે કયા પગલાં જરૂરી છે, તે અંગે વિગતવાર ભલામણ કરશે. બઢતીમાં અનામતની ટકાવારી, કાયદાકીય જોગવાઈઓ અને અમલીકરણની પ્રક્રિયા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અભ્યાસના કેન્દ્રમાં રહેશે. જરૂરી માહિતી મેળવવાની સત્તા
સમિતિને જરૂર જણાય ત્યારે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ અથવા કચેરી પાસેથી જરૂરી માહિતી, દસ્તાવેજો અને અભિપ્રાય મેળવવાની સત્તા આપવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી સમયમર્યાદા મુજબ સમિતિ પોતાની કામગીરી પૂર્ણ કરીને ભલામણો રજૂ કરશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના દિવ્યાંગ કર્મચારીઓમાં બઢતીની તકો અને કારકિર્દીમાં સમાન અવસર અંગે નવી આશા ઊભી થઈ છે. હવે સમિતિના અભ્યાસ અને ભલામણો બાદ બઢતીમાં અનામતની નીતિ અંગે રાજ્ય સરકાર કયો નિર્ણય લે છે તેના પર દિવ્યાંગ કર્મચારીઓની નજર રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *