મોડાસાનો રહેવર પરિવાર પોતાના દીકરા યુવરાજસિંહ માટે કન્યા (છોકરી) જોવા માટે હળવદ ગયો હતો. કન્યા જોઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પાટડી તાલુકાના માલવણ-વિરમગામ હાઈવે પર માલવણ ટોલ નાકા નજીક તેમની કાર અચાનક પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં આગળની સીટ પર બેઠેલા દાદા સોનસિંહનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઘવાયા હતા. કાર કાબૂ બહાર જતાં ખાડામાં પલટી
આ કાર યુવરાજસિંહ પોતે ચલાવી રહ્યા હતા. માલવણ-વિરમગામ હાઈવે પરથી પસાર થતી વખતે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડના ડિવાઈડર સાથે જોરદાર અથડાઈને માર્ગ સાઈડના ખાડામાં પલટી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ બેઠેલા દાદા સોનસિંહ કારનો કાચ તૂટતાં સીધા બહાર ફેંકાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારના પાંચ સભ્યોને ઈજાઓ પહોંચી
આ અકસ્માતમાં કારમાં સવાર દાદી જનકબા, માતા પારૂલબેન, પિતા દિગ્વિજયસિંહ, બહેન માનસી અને ચાલક યુવરાજસિંહને શરીરના અલગ-અલગ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારના કેટલાક સભ્યોને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પણ થઈ હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દાદા સોનસિંહને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પિતા દિગ્વિજયસિંહની ફરિયાદના આધારે બજાણા પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દીકરા માટે કન્યા જોઈને પરત ફરતાં અકસ્માત:વિરમગામ હાઈવે પર માલવણ ટોલ નાકા નજીક કાર પલટતાં દાદાનું મોત; મોડાસાના પરિવારના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત
📅 Published: October 24, 2026 |
📂 Category: gujarati-news
