'દીકરીને પાછી લાવો' કહી યુવતીના કાકાનો વૃદ્ધ પર ધારિયાથી હુમલો:પૌત્રના પ્રેમ લગ્નની દાઝ રાખી વૃદ્ધાના મોઢે ધારીયું ઝીંક્યું, ઘર અને નળિયાં તોડી નાખ્યા

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકમાં આવેલા જુના કોટડા ગામે પૌત્રના પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવતીના કાકાએ વૃદ્ધ દંપતી પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ઉશ્કેરાયેલા શખ્સે ઘરમાં ઘૂસીને વૃદ્ધાના મોઢાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ વચ્ચે પડેલા વૃદ્ધ પર પણ હુમલો કરી ઘરના દરવાજા અને નળિયાંની તોડફોડ કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટેલા હુમલાખોર સામે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૌત્રના પ્રેમ લગ્ન પસંદ ન આવતાં કાકાએ દાઝ રાખી
વેળાવદર ભાલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, જુના કોટડા ગામે રહેતા ગેલાભાઈ તળશીભાઈ પરમારના પૌત્ર સુનિલભાઈ ભુપતભાઈએ ગત 19 ઓગસ્ટના રોજ ગામના જ પ્રવિણ શાંતીભાઈ રાઠોડના ભાઈની દીકરી દક્ષાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પક્ષની મરજી વિરુદ્ધ થયેલા આ પ્રેમ લગ્ન પ્રવિણ રાઠોડને જરાય પસંદ આવ્યા નહોતા અને તે મનમાં ભારે અદાવત રાખીને ફરતો હતો. ઘરમાં ઘૂસી વૃદ્ધાના મોઢા પર ધારીયાનો ઘા ઝીંક્યો
ગત 29 ઓગસ્ટના રોજ પ્રવિણ રાઠોડ હાથમાં ધારદાર ધારીયું લઈને ગેલાભાઈના ઘરે ધસી આવ્યો હતો. ઘરમાં ઘૂસતાં જ તેણે ‘દીકરી દક્ષાને તાત્કાલિક પાછી લાવો’ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા પ્રવિણે ગેલાભાઈના પત્ની મંગુબેન પર સીધો હુમલો કરી મોઢાના ભાગે ધારીયાનો જોરદાર ઘા ઝીંકી દેતાં વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પત્નીને બચાવવા ગયેલા વૃદ્ધ પર હુમલો અને તોડફોડ
પત્નીને લોહીલુહાણ જોઈ ગેલાભાઈ વચ્ચે બચાવવા પડતાં હુમલાખોર પ્રવિણે તેમના પર પણ ધારીયાના આડેધડ ઘા મારી દીધા હતા. હુમલા બાદ શખ્સે ઘરના લાકડાના દરવાજા અને છતના નળિયાંની ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ‘હવે પછી જો આ બાબતે બોલશો તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગેલાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદના આધારે વેળાવદર ભાલ પોલીસે આરોપી પ્રવિણ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *