નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે દીપડાએ ઘરની બહાર નાહવા બેઠેલી 12 વર્ષની બાળકી પર હુમલો કર્યો. બાળકી માનસિક રીતે અસ્થિર છે. બે મહિનામાં બાળકો પર દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે. મળતી માહિતી મુજબ, બાળકી સાંજના સમયે અંધારું થયા પછી ઘરની બહાર નાહવા બેઠી હતી. નજીકના શેરડીના ખેતર કે ઝાડી-ઝાંખરામાં છુપાયેલા દીપડાએ તેના પર હુમલો કર્યો. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. લોકોનો અવાજ સાંભળીને દીપડો ઇજાગ્રસ્ત બાળકીને ત્યાં જ છોડીને નજીકના જંગલ તરફ ભાગી ગયો. હુમલામાં બાળકીના શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. પરિવારજનો અને ગ્રામજનો તેને સારવાર માટે વાંસદાની હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં વાંસદા વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. ટીમે દીપડાના પગલાંના આધારે તે કઈ દિશામાં ગયો તેની તપાસ કરી. વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તૈયારી શરૂ કરી છે. બે મહિનામાં ત્રીજી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ
વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનામાં દીપડાએ માસૂમ બાળકોને નિશાન બનાવ્યા હોય તેવી આ ત્રીજી ઘટના છે. જંગલ વિસ્તારને અડીને આવેલા ગામો અને શેરડીના ખેતરોમાં દીપડાઓએ કાયમી વસવાટ બનાવ્યો હોવાથી વારંવાર માનવ વસાહત પર હુમલા થઈ રહ્યા છે. સતત બનતી આ ઘટનાઓને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનોની માંગ છે કે વન વિભાગ માત્ર પાંજરા મૂકીને સંતોષ ન માને, પરંતુ આ માનવભક્ષી દીપડાને તાત્કાલિક પકડીને ગામલોકો અને ખાસ કરીને નાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
દીપડાએ 12 વર્ષની બાળકી પર હુમલો કર્યો:વાંસદાના કેળકચ્છ ગામની ઘટના; બે મહિનામાં બાળકો પર હુમલાની ત્રીજી ઘટના
📅 Published: November 24, 2026 |
📂 Category: gujarati-news
