દુબઈ – ધી ન્યુ ડેસ્ટિનેશન ફોર ગ્લોબલ બિઝનેસ:GCCIના NRG સેન્ટર દ્વારા વિશેષ સત્ર યોજાયું, દુબઈમાં આંતરરાષ્ટ્રીય વેપાર, રોકાણ અને વ્યવસાયના વિસ્તરણની તકો અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું

📅 Published: October 26, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCIના NRG સેન્ટર દ્વારા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદમાં ‘Dubai: The New Destination for Global Business’ વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 ઓક્ટોબર, 2026ના રોજ GCCIના એસ્ટ્રલ-A હોલ ખાતે યોજાયેલા આ સત્રમાં દુબઈના વ્યવસાયિક માળખા, આંતરરાષ્ટ્રીય વેપાર, રોકાણ અને ભારતીય ઉદ્યોગો માટે ઉપલબ્ધ તકો અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત GCCIના માનદ ખજાનચી ધ્રુવિલ પટેલના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ GCCIની NRG ટાસ્કફોર્સનાં ચેરપર્સન વિતસ્તા કૌલ વ્યાસે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે મહેમાન વક્તાઓનો પરિચય કરાવ્યો હતો. દુબઈ વૈશ્વિક વ્યવસાય અને રોકાણનું કેન્દ્ર
દુબઈ ચેમ્બર્સના ચીફ રિપ્રેઝન્ટેટિવ – ઇન્ડિયા ઑફિસ અભિજીત જાડેજાએ દુબઈને વૈશ્વિક વ્યવસાય અને રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવામાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી. તેમણે ઉત્પાદન, વેપાર, લોજિસ્ટિક્સ, ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ, આરોગ્યસેવા, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય વ્યવસાયો માટે ઉપલબ્ધ તકો અંગે સમજાવ્યું હતું. દુબઈનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય જોડાણો ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં મદદરૂપ બની શકે છે. તેમણે ભારત અને દુબઈ વચ્ચેના વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ સરહદપાર રોકાણ અને સહયોગની નવી તકો શોધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયના વિસ્તરણની તકો અંગે માર્ગદર્શન
DMCC ઇન્ડિયા પ્રમોશનલ ઑફિસના કન્ટ્રી હેડ સિદ્ધાર્થ શાહે દુબઈના વ્યવસાયિક માળખા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાયનું વિસ્તરણ કરવા ઇચ્છતી ભારતીય કંપનીઓ માટે ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કોમોડિટીઝ ટ્રેડિંગ, કિંમતી ધાતુઓ અને હીરા, ઊર્જા, ખાદ્યપદાર્થો અને કૃષિ, ટેક્નોલોજી તથા નાણાકીય સેવાઓ સહિતનાં ક્ષેત્રોમાં રહેલી તકો અંગે પ્રકાશ પાડ્યો હતો. દુબઈનું વૈશ્વિક જોડાણ, વિશિષ્ટ વ્યવસાયિક માળખું અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક વ્યવસાયોને વેપાર વધારવા તથા નવા બજારો સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે. તેમણે ભારતીય ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયોને દુબઈના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ભાગીદારી વિકસાવવા અને લાંબા ગાળાના વ્યવસાયિક વિકાસ માટે ઉપલબ્ધ તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રશ્નોત્તરી દ્વારા સહભાગીઓને માર્ગદર્શન
સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગીઓએ વક્તાઓ સાથે સંવાદ સાધી દુબઈમાં વ્યવસાય અને રોકાણની તકો અંગે પોતાના પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાયના વિસ્તરણ માટે જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે GCCIની NRG ટાસ્કફોર્સના કો-ચેરમેન પૃથ્વી પટેલે આભારવિધિ કરી હતી. આ સત્ર દ્વારા ભારતીય ઉદ્યોગો અને ઉદ્યોગસાહસિકોને દુબઈના વ્યવસાયિક માળખા તથા આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણની તકો અંગે માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *