ધક્કામુક્કી ને ટેબલ તૂટી પડતાં લોકો પટકાયા:સુરતમાં ગણેશ આગમનમાં સંજય દત્ત વીડિયો કોલથી જોડાયા, પોલીસ-આયોજકોનું મેનેજમેન્ટ ફ્લોપ;8 દિવસમાં બીજીવાર અફરાતફરી

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ઘોડદોડ રોડ નજીક આવેલા રામચોકમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન ફરી એકવાર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકાર ગ્રુપ આયોજિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો અને ભક્તો ઉમટી પડ્યા હતા. અપેક્ષા કરતાં વધુ ભીડ એકત્ર થઈ જતાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ધક્કામુક્કી દરમિયાન અચાનક ટેબલ તૂટી પડતાં કેટલાય લોકો નીચે પટકાયા હતા અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. માત્ર 8 જ દિવસમાં બીજી વખત આવી ગંભીર ગેરવ્યવસ્થા જોવા મળતા પોલીસ અને આયોજક સામે મોટા સવાલો ઊભા થયા છે. સંજય દત્ત વીડિયો કોલથી જોડાયા
આ ભવ્ય ગણેશ આગમન યાત્રામાં બોલિવૂડ સ્ટાર સંજય દત્ત વીડિયો કોલ મારફતે જોડાયા હતા. સંજય દત્ત સ્ક્રીન પર આવતાં જ તેમને જોવા માટે પ્રતિમા નજીક લોકોનો ભારે જમાવડો થઈ ગયો હતો. ટેબલ તૂટતાં લોકો પટકાયા, નાની-મોટી ઈજા
રસ્તા પર પગ મૂકવાની પણ જગ્યા ન રહેતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. યાત્રા દરમિયાન કવરેજ કરી રહેલા વીડિયોગ્રાફર્સ માટે બનાવવામાં આવેલું ઊંચું ટેબલ ભીડના લીધે અચાનક તૂટી પડ્યું હતું. ટેબલ ધરાશાયી થતાં તેના પર ઉભેલા વીડિયોગ્રાફર્સ તેમજ અનેક લોકો પટકાયા હતા. કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ભીડ એટલી બેકાબૂ હતી કે નીચે પડેલા લોકો અન્યોના પગ નીચે કચડાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ગણેશ આગમન યાત્રા દરમિયાન અફરાતફરીનો માહોલ પોલીસ અને આયોજકોનું મેનેજમેન્ટ ફેલ, ટ્રાફિક જામ
ભારે ભીડ સામે સરકાર ગ્રુપના આયોજકો તેમજ સુરત પોલીસનું સુરક્ષા મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ સાબિત થયું હતું. આ ગેરવ્યવસ્થાનો લાભ ઉઠાવીને ખિસ્સાકાતરુઓ પણ સક્રિય થઈ ગયા હતા અને અનેક ભક્તોના કિંમતી સામાન ચોરાયા હતા. આ ઉપરાંત ઘોડદોડ રોડ અને રામચોક આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. 8 દિવસમાં બીજી વાર પુનરાવર્તન, ભક્તોનો શ્વાસ રુંધાયો
અગાઉ 23 ઓગસ્ટના રોજ પણ આ જ રામચોક ખાતે સરકાર ગ્રુપના ગણેશ આગમનમાં આવી જ અવ્યવસ્થા જોવા મળી હતી. જૂની ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધા વિના 30 ઓગસ્ટે ફરીથી અન્ય સરકાર ગ્રુપ દ્વારા યાત્રા યોજાતાં એ જ ભૂલોનું પુનરાવર્તન થયું હતું. ભારે ધક્કામુક્કી અને ગૂંગળામણના કારણે ભીડમાં દબાઈ ગયેલા અનેક ભક્તોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. વારંવાર સર્જાતી આવી બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો દોઢ મહિના પહેલાં જ ગણેશજીની એક ઝલક જોવા અફરાતફરી મચી સુરતમાં ગણેશ ચતુર્થીના દોઢ મહિના અગાઉ જ શ્રીજીના આગમનની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે, પરંતુ 23 ઓગસ્ટની રાતે ઘોડદોડ રોડ સ્થિત રામચોક ખાતે “સરકાર” ગ્રુપના ગણેશજી દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં અફરાતફરી સર્જાઈ હતી. જેમાં મહિલાઓ દબાઈ ગઈ હતી અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે બાળકના છૂટા પડવાની ઘટના પણ બની હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે નાસભાગનો માહોલ સર્જાતાં રસ્તાઓ પર ચંપલો અને જૂતાંના ઢગલા જોવા મળ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *