ભીલાડ નજીક આવેલા ધનોલી ગામે 43 વર્ષીય જયંતીભાઈ વારલી (રહે. અચ્છારી, તળાવ ફ્ળિયા) હાઈટેન્શન વીજ લાઈનના થાંભલા ઉપર ચઢી ગયા હતા. ઘટનાની જાણ થતાં ગામમાં લોકો ભેગા થયા હતા.
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તેમજ ફાયર વિભાગ તથા વીજ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સૌ પ્રથમ સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. આખરે જયંતીભાઈને નીચે ઉતારવા સૌપ્રથમ સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમિયાન વીજ વિભાગના કર્મચારીઓએ પણ તેમને નીચે ઉતારવા પ્રયાસ શરૂ કર્યા હતા.
જોકે, જયંતીભાઈ નીચે આવવાને બદલે ટાવરના ઉપરના ભાગે પહોંચી ગયા હતા. દરમિયાન વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. અને ત્યારબાદ સ્થળ પર ભેગા થયેલા લોકોને ઘટના સ્થળેથી જતા રહેવા જણાવાયું હતું. ત્યારબાદ જયંતીભાઈને લોકો ઘરે જઈ રહ્યા હોવાનો સંદેશો પહોંચતા તેઓ પોતે જ નીચે ઉતરી આવ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોમાં એવી ચર્ચા હતી કે ઘરેલુ કંકાસને લઈને તેમની માનસિક સ્થિતિ સારી ન હતી.
તેથી તેઓ ટાવર પર ચઢી ગયા હતા. જોકે, આ અંગે સત્તાવાર કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે જયંતીભાઈને પોલીસ સ્ટેશન લઈ જઈ ઘટનાને લઈને પૂછપરછ હાથ ધરી છે.
