ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગરબાડા વિધાનસભા વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ પર લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે વિપક્ષના આક્ષેપો ફગાવ્યા અને કહ્યું કે સરકાર આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને અપેક્ષાઓને નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહી છે. ધવલ પટેલે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજનું જીવનસ્તર સુધારવા અને આઝાદીમાં તેમના યોગદાનની વાત આવનારી પેઢી સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરબાડા વિસ્તારમાં ત્રણ દિવસ આદિવાસી સમાજ વચ્ચે રહી તેમની પ્રથા અને જરૂરિયાતો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષે ટિપ્પણી કરી હતી કે, “ત્રણ દિવસ શું, 30 દિવસ રહેશે તો પણ આદિવાસી સમાજ ભાજપને મત નહીં આપે.” તેના જવાબમાં ધવલ પટેલે સવાલ કર્યો કે વિપક્ષના કોઈ નેતાએ આદિવાસી સમાજને નજીકથી જાણવા કે તેમનું જીવનસ્તર સુધારવા આવો પ્રયાસ કર્યો છે? ધવલ પટેલે દાવો કર્યો કે આદિવાસી સમાજનો વિશ્વાસ ભાજપ સાથે છે. તેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી અનામતની 27માંથી 23 બેઠકો અને લોકસભાની ચારેય અનામત બેઠકો પર ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો. તેમણે ભરૂચની સામાન્ય બેઠક પર મનસુખભાઈ વસાવાની જીત અને તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલી સફળતાનો પણ ઉલ્લેખ કર્યો. ધવલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાર્યોના આધારે 2027 અને 2029ની ચૂંટણીઓમાં પણ આદિવાસી સમાજ ભાજપ સાથે રહેશે.
ધવલ પટેલે વિપક્ષના નિવેદનનો જવાબ આપ્યો:ગરબાડામાં CMના ત્રણ દિવસના પ્રવાસનો હેતુ આદિવાસી સમાજને સમજવાનો ગણાવ્યો
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
