નડિયાદનું પ્રખ્યાત ભૂસું દેશ-વિદેશમાં ગૂંજ્યું, દિવાળી પર્વ ભારે માંગ:ચવાણું બનાવવામાં 35થી 40 જાતના મસાલા અને 11 સામગ્રીનું ખાસ મિશ્રણ, વર્ષો બાદ પણ અસલી સ્વાદ અકબંધ

📅 Published: November 6, 2026 | 📂 Category: gujarati-news

ખેડા જિલ્લાના નડિયાદ શહેરનું ભૂસું એટલે કે ચવાણું તેની અનોખી સ્વાદિષ્ટ ઓળખ માટે દેશ અને દુનિયામાં જાણીતું છે. વર્ષ 1925માં નડિયાદના અમદાવાદી બજાર ખાતે સુખડીયા ગરબડદાસ બાપુજી દ્વારા આ વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી. દાદા પુરુષોત્તમદાસ સુખડીયા તેમજ તેમના ભાઈઓ મંગુભાઈ, ચંદુભાઈ અને રમણભાઈએ આ પરંપરાગત સ્વાદની શરૂઆત કરી હતી, જેને પાછળથી વર્ષ 1964માં આણંદ સુધી વિસ્તારવામાં આવી હતી. આજે વર્ષો બાદ પણ આ ભૂસાનો અસલી સ્વાદ અકબંધ રહ્યો છે. અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં ભૂસું જાય છે
દિવાળીના તહેવારો દરમિયાન નડિયાદી ભૂસું ખરીદવા માટે લોકોની ભારે ભીડ અને પડાપડી જોવા મળે છે. હાલમાં આ પેઢી દ્વારા વર્ષે આશરે 70 થી 80 હજાર કિલો ચવાણું બનાવવામાં આવે છે. આ કુલ ઉત્પાદનમાંથી આશરે 25 હજાર કિલો જેટલું ચવાણું વિદેશમાં નિકાસ થાય છે. વિદેશ મોકલવામાં આવતા ચવાણામાંથી સૌથી વધુ 60 ટકા હિસ્સો અમેરિકા જાય છે, જ્યારે 15 ટકા કેનેડા જાય છે. આ ઉપરાંત લંડન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને નૈરોબી સહિતના દેશોમાં પણ આ ભૂસું ખૂબ જ ઉત્સાહથી મંગાવવામાં આવે છે. ભૂસું બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે?
નડિયાદી ભૂસું પ્રખ્યાત હોવા પાછળનું મુખ્ય કારણ તેનું ખાસ મિક્સિંગ અને મસાલા છે. આ ચવાણું બનાવવા માટે 11 જેટલી અલગ અલગ વાનગીઓ જેવી કે સેવ, પૌંઆનો ચેવડો, મગ, ચણાની દાળ, મકાઈનો ચેવડો, ટમટમ, ફૂલવડી, તીખી સેવ, ચટણી, મસાલા બુંદી અને ગઠીયાને ભેગા કરવામાં આવે છે. આ તમામ સામગ્રીમાં મરચું, હળદર અને ગરમ મસાલા સહિતના 35 થી 40 જાતના મસાલાનું ખાસ મિક્સિંગ જાતે તૈયાર કરીને ઉમેરવામાં આવે છે, જે તેને અનન્ય સ્વાદ આપે છે. અમેરિકા જેવા દેશોમાં 400 ગ્રામના પેકિંગ માટે 3 થી 4 ડોલર જેટલો ભાવ
ભાવની દ્રષ્ટિએ સ્થાનિક સ્તરે 400 ગ્રામ નડિયાદી ભૂસાનો ભાવ નિયમિત રહે છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં 400 ગ્રામના પેકિંગ માટે 3 થી 4 ડોલર જેટલો ભાવ રહે છે. સ્વાદની આ ગુણવત્તાને કારણે વિદેશમાં વસતા ભારતીયો અને સ્થાનિક લોકોમાં તેની ભારે માંગ રહે છે. તહેવારોના સમયે નડિયાદ અને આણંદ સ્થિત આઉટલેટ્સ પર ગ્રાહકોનો ઘોડાપૂર ઉમટી પડે છે. આ સમગ્ર બાબતે વિગતો આપતા ત્રીજી પેઢીના વારસદાર મહેશ સુખડીયા જણાવે છે કે, સ્થાપક દ્વારા શરૂ કરાયેલો મૂળ સ્વાદ વર્ષોથી જાળવી રાખવામાં આવ્યો છે. સમયાંતરે ગ્રાહકોની પસંદગી મુજબ પેકેજીંગમાં બદલાવ કરવામાં આવ્યો છે પરંતુ મૂળ સ્વાદ એ જ રાખવામાં આવ્યો છે. આ સ્વાદ આજે પણ જૂની પેઢીની સાથે સાથે નવી યુવા પેઢીને પણ એટલો જ પસંદ આવી રહ્યો છે. વર્તમાન સમયમાં યુવાનોની બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને ડાયટ ચવાણું સહિતના અન્ય ફરસાણ પણ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં આણંદમાં 5 આઉટલેટ અને નડિયાદમાં 2 આઉટલેટ કાર્યરત છે, જેને ત્રીજી પેઢી સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. આ આઉટલેટ્સ પર ચવાણાની સાથે ગિફ્ટ હેમ્પર અને નમકીનની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનાથી પરંપરાગત સ્વાદ અને ગ્રાહકો સાથેના સંબંધો વર્ષોથી અકબંધ રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *