નવરાત્રીને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું:રાજકોટમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે અન્ય વાજીંત્રો વગાડી શકાશે નહીં, નિયમોના ભંગ બદલ સાધનો જપ્ત કરી કડક કાર્યવાહી કરાશે

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં આગામી દિવસોમાં આવી રહેલા નવરાત્રીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલ તા. 11ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે અન્ય વાજીંત્રો વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવાનો છે. રાજકોટ શહેરનાં તમામ વિસ્તારોમાં જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તેમજ આ નિયમોના ભંગ બદલ સાધનો જપ્ત કરી કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર અને વાજીંત્રો વગાડી શકાશે જાહેરનામા મુજબ નવરાત્રી તહેવાર દરમિયાન માઈક સિસ્ટમ અને વાજીંત્રોના ઉપયોગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં 12 વાગ્યા સુધી જ સ્પીકર વગાડી શકાશે. 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી અને નવરાત્રીના દિવસો એટલે કે તા. 11 ઓક્ટોબરથી તા. 20 ઓક્ટોબર સુધી સવારે 06:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી જ સ્પીકર અને વાજીંત્રો વગાડવાની મંજૂરી રહેશે. અવાજનું પ્રદૂષણ રોકવા અને બંધ સ્થળો માટેના ખાસ નિયમો જાહેર જગ્યાઓમાં અથવા જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યાએ અવાજનું પ્રદૂષણ ફેલાય નહીં તે રીતે અધિકૃત અધિકારીની લેખિત પરવાનગી મેળવીને જ માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. બીજી તરફ ઓડિટોરીયમ, કોન્ફરન્સ હોલ અથવા ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો માટે વિશેષ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. આવા બંધ સ્થળોએ અંદરના ભાગે મ્યુઝિક વગાડી શકાશે, પરંતુ અવાજ સ્થળની બહાર ન જાય તેની ખાસ કાળજી રાખવી પડશે. ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા અને સભા-સરઘસ પર પ્રતિબંધ જાહેરનામા મુજબ, પૂર્વ મંજૂરી વગર કોઈપણ જાહેર જગ્યા કે રોડ પર 4 કરતાં વધારે વ્યક્તિઓના ભેગા થવા, સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ છે. જો કોઈ સંજોગોમાં સભા, રેલી કે ધરણાં યોજવાના હોય તો 1થી વધુ પોલીસ સ્ટેશન વિસ્તાર માટે સંબંધિત ડીસીપી અને 1 પોલીસ સ્ટેશન વિસ્તાર માટે સંબંધિત પીઆઈને ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ લેખિત અરજી કરી પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. નિયમોના ભંગ બદલ સાધનો જપ્ત કરી કાર્યવાહી કરાશે પોલીસ કમિશનરના જાહેરનામા અને સાઉન્ડ સિસ્ટમના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સ્પીકર અને વાજીંત્રો માટે નક્કી કરાયેલી સમય મર્યાદા કે અવાજની તીવ્રતાના નિયમો તોડવામાં આવશે તો વાહનો, માઈક સિસ્ટમ તથા તેના સાધનો જપ્ત કરવાની સત્તા પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. આ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *