નવસારી જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SMCની ટીમે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અડાદા ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદે કટિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ અને બિયરની 1,200 બોટલ, બે કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹12,75,418નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય રિસીવર અને દમણના સપ્લાયર સહિત પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે SMCની ટીમનો દરોડો
SMCના PSI સી. કે. સિસોદિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે નવસારીના અડાદા ગામની સીમમાં સંઘપ્રદેશ દમણથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વાહનો મારફતે તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો અને તેને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં વાહનો મળી આવ્યાં હતાં. SMCની ટીમે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 1,200 બોટલ દારૂ-બિયર સહિત ₹12.75 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસને વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યાં હતાં. પોલીસે કુલ 1,200 બોટલ જપ્ત કરી હતી. આ ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી મારુતિ બલેનો અને ટોયોટા એટીઓસ કાર, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો મુજબ, દારૂ અને બિયરની કિંમત ₹2,36,148, બે કારની કિંમત ₹10 લાખ, બે મોબાઇલ ફોનની કિંમત ₹20,000 અને રોકડ રકમ ₹19,270 છે. આમ, પોલીસે કુલ ₹12,75,418નો મુદ્દામાલ કબજે કર્યો છે. બે આરોપીઓની ધરપકડ, પાંચ શખ્સો વોન્ટેડ
SMCની ટીમે સ્થળ પરથી નવસારીમાં રહેતા રાકેશ કાનજીભાઈ ચૌહાણ અને પ્રફુલ્લ રમેશભાઈ ધીમ્મરની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રાકેશ દારૂ મંગાવનાર મુખ્ય આરોપીના ડ્રાઈવર તરીકે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે. આ કેસમાં નવસારીમાં રહેતો વિમલ ઉર્ફે વિગો સોલંકી, જેને દારૂ મંગાવનાર રિસીવર તરીકે દર્શાવવામાં આવ્યો છે, તેમજ દમણનો દારૂ સપ્લાયર અજય ટોપી વોન્ટેડ છે. આ ઉપરાંત એટીઓસ કારનો અજાણ્યો ડ્રાઈવર અને ટોયોટા એટીઓસ કાર નંબર GJ-15-CA-9639 તથા મારુતિ બલેનો કાર નંબર MH-03-CS-7368ના માલિકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રોહિબિશન એક્ટ અને BNS હેઠળ ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 111(2)(B), 111(3) અને 111(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMC અને સ્થાનિક પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નવસારીના અડાદા ગામે SMCનો દરોડો:દારૂના કટિંગનું નેટવર્ક ઝડપાયું, 12.75 લાખનો મુદ્દામાલ જપ્ત; 2ની ધરપકડ અને દમણના 5 સપ્લાયર વોન્ટેડ
📅 Published: October 12, 2026 |
📂 Category: gujarati-news
