નવસારી જિલ્લામાં, જ્યાં સામાન્ય રીતે દીપડા જોવા મળે છે, ત્યાં હવે એક દુર્લભ ચિતલ (સ્પોટેડ ડીયર) દેખાયું છે. નવસારી શહેર નજીકના મટવાડ ગામની સીમમાં આ ચિતલ જોવા મળતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ચિતલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો
સામાન્ય રીતે ગાઢ જંગલોમાં રહેતું આ વન્યપ્રાણી રહેણાંક અને શહેરી વિસ્તારની આટલું નજીક જોવા મળવું અસામાન્ય છે. આ દરમિયાન, કોઈ સ્થાનિક નાગરિકે ચિતલનો વીડિયો મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જેના કારણે આ મામલો વન વિભાગના ધ્યાનમાં આવ્યો. વન વિભાગે ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી
વીડિયો વાયરલ થતાં જ વન વિભાગની ટીમ સક્રિય બની ગઈ છે. વન વિભાગે આ વીડિયો ક્યાંનો છે અને પ્રાણી હાલ કઈ દિશામાં ગયું છે તે જાણવા માટે ઝડપી તપાસ શરૂ કરી છે. પ્રાણી ભટકીને હાઈવે કે રહેણાંક વિસ્તાર તરફ ન જાય તે માટે તેને ટ્રેક કરવાની કામગીરી ચાલી રહી છે. ચિતલ શેડ્યૂલ-2 પ્રાણી, હેરાનગતિ કરનાર સજાને પાત્ર
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ચિતલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યૂલ-2માં સામેલ છે. આ કાયદા હેઠળ તેને ખાસ કાનૂની રક્ષણ મળેલું છે. તેથી, આ વન્યજીવને પકડવા, હેરાન કરવા, પથ્થર મારવા કે તેને કોઈ પણ રીતે પરેશાન કરવાના પ્રયાસો ગુનો ગણાશે. જો કોઈ વ્યક્તિ પ્રાણીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. વનવિભાગની ગ્રામજનોને અપીલ
જંગલ વિસ્તારમાંથી ભટકીને આવેલા આ પ્રાણીને જોવા માટે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ભેગા થઈ રહ્યા છે. વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે જો પ્રાણી દેખાય તો તેની નજીક ન જવું કે તેને ડરાવવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે, તાત્કાલિક સ્થાનિક વન વિભાગને જાણ કરવી, જેથી તેને સુરક્ષિત રીતે બચાવીને તેના કુદરતી રહેઠાણમાં પાછું મોકલી શકાય.
નવસારીના મટવાડમાં દુર્લભ ચિતલ દેખાયું:વીડિયો વાઇરલ થતાં વન વિભાગે તપાસ તેજ કરી, હેરાનગતિ કરનાર સામે કાર્યવાહી થશે
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
