નવસારીમાં હીરા ઉદ્યોગની કફોડી હાલત:40 વર્ષ જૂનું કારખાનું બંધ થયું, અનેક કારખાનાઓ બંધ થવાના આરે; કારીગરો સહિત દોઢ લાખ લોકોની રોજીરોટી સામે સંકટ

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

નવસારીમાં હીરા ઉદ્યોગ હાલ ગંભીર મંદીનો સામનો કરી રહ્યો છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓ અને કારખાનેદારોની ચિંતા વધી છે. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રાજુ દેરાસરિયા અને વર્ષ 1983થી હીરાના વ્યવસાય સાથે જોડાયેલા પીઢ કારખાનેદાર જયંતીભાઈ કાસુન્દ્રાના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી હીરાના વેપારમાં મંદીનું પ્રમાણ સતત વધ્યું છે, જેના કારણે અનેક એકમો બંધ થવાના આરે પહોંચ્યા છે. 40 વર્ષ જૂનું કારખાનું બંધ, ઉદ્યોગકારોમાં ચિંતા
નવસારીના શાંતાદેવી રોડ પર આવેલું એક મોટું અને વર્ષોથી કાર્યરત હીરાનું કારખાનું તાજેતરમાં કાયમી ધોરણે બંધ થઈ ગયું છે. આ અંગે રાજુ દેરાસરિયાના જણાવ્યા મુજબ, 40 વર્ષથી કારખાનું ચલાવનાર વ્યક્તિ દ્વારા યુનિટ બંધ કરવાનો નિર્ણય લેવો એ ઉદ્યોગની ગંભીર સ્થિતિ દર્શાવે છે. વેપારમાં પૂરતી કમાણી કે નફો ન મળવાના કારણે લાંબા સમયથી કાર્યરત એકમો પણ હવે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 1983 પછી આવી મંદી પહેલીવાર જોઈ હોવાનો કારખાનેદારનો દાવો
1983થી પટ્ટી સાઈઝનું કારખાનું ચલાવતા જયંતીભાઈ કાસુન્દ્રાના જણાવ્યા મુજબ, તેમણે અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં આવી ગંભીર મંદી જોઈ નથી. તેમના કહેવા પ્રમાણે, વર્ષ 2022 બાદ માલની સરેરાશ પણ બેસતી નથી. કારીગરોની રોજીરોટી જળવાઈ રહે તે માટે અત્યાર સુધી કારખાનું ચાલુ રાખવામાં આવ્યું છે, પરંતુ સ્થિતિમાં સુધારો નહીં થાય તો દિવાળી બાદ નવા એકમો શરૂ કરવા પણ મુશ્કેલ બની શકે છે. વૈશ્વિક પરિબળોથી હીરાની માંગમાં ઘટાડો
હીરા ઉદ્યોગની મંદી પાછળ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો, આર્થિક અનિશ્ચિતતા અને ટેરિફ સંબંધિત અસરો જેવા વિવિધ પરિબળો જવાબદાર હોવાનું ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. આ પરિબળોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર નવસારી સહિતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. રેલવે કનેક્ટિવિટીનો અભાવ પણ વેપાર માટે પડકારરૂપ
સ્થાનિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, નવસારીમાં મહત્વની એક્સપ્રેસ અને ફાસ્ટ ટ્રેનોના પૂરતા સ્ટોપેજ ન હોવાથી બહારથી આવતા ખરીદદારો માટે મુશ્કેલી ઊભી થાય છે. મુંબઈ અને વિદેશી ખરીદદારો નવસારીને બદલે સુરત અથવા મુંબઈ તરફ જવાનું પસંદ કરે છે. અગાઉ સુરત કરતાં નવસારી હીરાના વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર હતું, પરંતુ પરિવહનની સમસ્યાને કારણે સ્થાનિક વેપારને અસર થઈ હોવાનું ઉદ્યોગકારોનું કહેવું છે. 25 હજાર કારીગરો સહિત દોઢ લાખ લોકોની રોજીરોટી પર અસર
નવસારીમાં અંદાજે 25 હજાર હીરાના કારીગરો અને 5 હજાર જેટલા વેપારીઓ સીધી રીતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાનું જણાવાય છે. આ ઉપરાંત આડકતરી રીતે આશરે દોઢ લાખ લોકોની રોજીરોટી પણ આ ઉદ્યોગ પર નિર્ભર હોવાનો અંદાજ છે. નાના એકમો બંધ થવાથી કારીગરો માટે રોજગારનું સંકટ ઊભું થયું છે અને જો મંદીની સ્થિતિ યથાવત્ રહેશે તો અનેક પરિવારો પર આર્થિક સંકટ ઘેરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવસારીમાં 15થી 20 મહત્વની ટ્રેનોના સ્ટોપેજની માંગ
હીરા ઉદ્યોગને ફરી વેગ આપવા માટે નવસારીમાં રેલવે કનેક્ટિવિટી સુધારવાની માંગ ઉઠી છે. સ્થાનિક આગેવાનો અને ઉદ્યોગકારોએ સાંસદ સમક્ષ 15થી 20 જેટલી મહત્વની એક્સપ્રેસ અને ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ નવસારી ખાતે ફાળવવાની માંગ કરી છે. ઉદ્યોગકારોના મતે, બહારના ખરીદદારો માટે નવસારી સુધી પહોંચવું સરળ બને અને રેલવે કનેક્ટિવિટી મજબૂત થાય તો હીરા વેપારને ફરી ગતિ મળી શકે છે. મંદી યથાવત્ રહે તો કારીગરોને વિકલ્પ શોધવાની સલાહ
હાલની પરિસ્થિતિને જોતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક ઉદ્યોગકારોએ કારીગરોને વૈકલ્પિક વ્યવસાય અંગે વિચારવાની પણ સલાહ આપી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી મંદી અને એકમો બંધ થવાની સ્થિતિ વચ્ચે ઉદ્યોગ સાથે સીધી અને આડકતરી રીતે જોડાયેલા પરિવારોની રોજીરોટી સામે ઊભા થયેલા સંકટે નવસારીના હીરા ઉદ્યોગ માટે ચિંતા વધારી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *