નવસારીમાં ગણેશોત્સવ પૂર્વે તંત્રના નિયમોનો ભંગ કરી 32 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા બદલ પોલીસે મૂર્તિકાર સામે ગુનો નોંધ્યો છે. કબીલપોર ગ્રીડ રોડ પર આવેલી રોહિત મૂર્તિ આર્ટના સંચાલક સુરેશ બરોડીયા વિરુદ્ધ મામલતદાર રીતેશ કોંકણીએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ BNSની કલમ 223 હેઠળ કાર્યવાહી કરાતાં અન્ય મૂર્તિકારો અને મંડળોમાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના નિયમોનો અનાદર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે મૂર્તિની ઊંચાઈ સંદર્ભે કડક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમ છતાં સંચાલક સુરેશ બરોડીયાએ નિયમોની અણદેખી કરી કબીલપોર ખાતે 32 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ બનાવી હતી. મામલતદારની ફરિયાદ બાદ ગુનો દાખલ મામલતદાર રીતેશ કોંકણીની ફરિયાદના આધારે પોલીસે સુરેશ બરોડીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની વધુ સઘન તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ મૂર્તિકારો સામે કાર્યવાહી નવસારીમાં નિયમ ભંગ બદલ કાર્યવાહીની આ પ્રથમ ઘટના નથી. વિતેલા વર્ષે પણ કલેક્ટરના જાહેરનામાનો અનાદર કરનારા 3 મૂર્તિકારો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરના પગલાં ભર્યા હતા. બહારથી આવતી મૂર્તિઓ પર તંત્રની નજર નવસારીના મોટાભાગના મંડળો અન્ય જિલ્લા કે રાજ્યમાંથી ઊંચી પ્રતિમાઓ લાવતા હોવાની ચર્ચા છે. સ્થાનિક તંત્રએ બહારથી આવતી આવી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓ પર પણ કડક નજર રાખી કાર્યવાહી કરવાની તૈયારીઓ આદરી છે. ગણેશ સંગઠન દ્વારા મંડળોને ખાસ અપીલ સમસ્ત નવસારી યુવા ગણેશ સંગઠન મંડળના મહામંત્રી મનીષ પટેલે તમામ ગણેશ મંડળોને સરકારી જાહેરનામાનું પાલન કરવા અપીલ કરી છે. મોટી મૂર્તિઓના આગમન અને વિસર્જન સમયે સર્જાતી મુશ્કેલીઓ તથા પોલીસ કાર્યવાહીથી બચવા મંડળોને મર્યાદિત ઊંચાઈની મૂર્તિઓ જ લાવવા જણાવાયું છે
નવસારીમાં 32 ફૂટની ગણેશ પ્રતિમા બનાવનાર મૂર્તિકાર સામે FIR:ગણેશ મંડળોને નિયમ મુજબ મૂર્તિ સ્થાપવા સંગઠનની અપીલ; ગત વર્ષે પણ 3 કેસ થયા હતા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
