નવસારી જિલ્લામાં બે જુદા જુદા સ્થળે આત્મહત્યાની ઘટના:ચીખલીના બામણવેલ ગામમાં યુવકે અને નવસારી ટાઉનમાં PHC મહિલા કર્મચારીએ ફાંસો ખાધો

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

નવસારી જિલ્લામાં આપઘાતની બે અલગ-અલગ દુઃખદ ઘટનાઓ સામે આવી છે. જેમાં ચીખલીના બામણવેલ ગામે 37 વર્ષીય યુવકે અને નવસારી ટાઉનમાં PHC સેન્ટરની 27 વર્ષીય મહિલા કર્મચારીએ ગળેફાંસો ખાઈ આયુષ્ય ટૂંકાવ્યું છે. બંને બનાવો અંગે સંબંધિત પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ચીખલીના બામણવેલમાં યુવકનો આપઘાત
ચીખલી તાલુકાના બામણવેલ ઘાંચીવાડમાં રહેતા ચિરાગભાઈ ટેલરે પોતાના ઘરના પહેલા માળે લોખંડના એંગલ સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે તેમના મોટા ભાઈ પ્રિતેશ કુમાર ટેલરે ચીખલી પોલીસ મથકે જાણ કરી હતી. પરિવારજનોએ કોઈના પર શંકા વ્યક્ત કરી નથી. ઘટના અંગે પીએસઆઈ આર.એન. વાડલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. PHC સેન્ટરની મહિલા કર્મચારીએ જીવન ટૂંકાવ્યું
બીજા બનાવમાં નવસારી ટાઉનમાં શિવાની કોમ્પ્લેક્ષ ખાતે રહેતી અને ઘેલખડી PHC સેન્ટરમાં ફરજ બજાવતી મેઘાબેન ટંડેલે ફ્લેટમાં પંખા સાથે ઓઢણી બાંધી આપઘાત કર્યો હતો. આસપાસના લોકોએ તેમને તુરંત જ નીચે ઉતારી સારવાર અર્થે INS હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ મૃતકના ભાઈ પ્રતીકકુમાર ટંડેલે ટાઉન પોલીસને કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના મિલવિસ્તાર ચોકીના પીએસઆઈ સી.એસ. ઠુમરે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં બનેલી આત્મહત્યાની બે અલગ-અલગ ઘટનાઓને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતકોના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ હાથ ધરીને આપઘાતનું સાચું કારણ જાણવાના પ્રયાસો આદર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *